Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 May 2025, આજના તાજા સમાચાર: ભારત અને બ્રિટન વચ્ચે મોટો કરાર થયો છે. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોને તેનો ફાયદો થશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે આજે ટેલિફોન પર વાતચીત થઈ હતી.
પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે બંને દેશોના નેતાઓએ તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને વેગ આપશે. બંને દેશો એ વાત પર સંમત થયા હતા કે બે મોટા અને ખુલ્લા બજારના અર્થતંત્રો વચ્ચે થયેલી ઐતિહાસિક સમજૂતીઓથી વેપાર-વાણિજ્ય માટે નવી તકો ખુલશે, આર્થિક સંબંધો મજબૂત થશે અને લોકો વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનશે.
મહીસાગરમાં ફરી વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિ વચ્ચે આજે મંગળવારે મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાનું શરું થયું છે. તો બીજી તરફ ગુજરાતમાં સોમવારે રાત્રે પડેલા વરસાદના પગલે રાજ્યમાં કેટલાક હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે યુએન વડાએ બંને દેશોને આપી સલાહ
ભારત-પાકિસ્તાન તણાવ અંગે, એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હવે મહત્તમ સંયમ રાખવાનો અને તણાવ ઓછો કરવાનો સમય છે. યુએનના વડાએ કહ્યું કે યુએન તણાવ ઘટાડવા માટેની કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે. બંને દેશો વચ્ચેના તણાવ પર, યુએન વડાએ કહ્યું કે લશ્કરી ઉકેલ એ કોઈ ઉકેલ નથી, કોઈ ભૂલ ન કરો.
પહેલગામ હુમલાની નિંદા કરતા, યુએનના વડાએ કહ્યું કે નાગરિકોને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે અને જવાબદારોને વિશ્વસનીય, કાયદેસર માધ્યમો દ્વારા ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. હું બંને દેશોની સરકારો અને લોકો અને યુએન શાંતિ રક્ષામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનનો ખૂબ આદર કરું છું અને તેમનો આભારી છું, તેથી મને દુઃખ છે કે તેમના સંબંધો આટલા બગડ્યા છે.”





