Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 April 2025, આજના તાજા સમાચાર: અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત CWCના સભ્યો હાજર રહ્યા હતા.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ પર એક વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. પ્રથમ -રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાતને લઇને જે રાજકીય સ્થિતિ છે તે પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે AICC માં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલના પ્રસ્તાવમાં કોંગ્રેસના સામાજિક ન્યાય, રાજકીય ન્યાય, આર્થિક ન્યાય અંગે શું એજન્ડા તેના પર આવતીકાલે વિગતવાર ચર્ચા થશે. લોકો આ અંગે પોતાનો અભિપ્રાય આપશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓએ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પાવન ધરા ઉપર નવી શરૂઆત થવા જઈ રહી છે. દેશવાસીઓના આર્થિક, સામાજિક વિકાસ માટે નવા સંકલ્પ સાથે કોંગ્રેસની બેઠક થવા જઈ રહી છે. આજે જુદા-જુદા કાર્યક્રમો થશે. આવતીકાલે સવારે 9થી 5 વાગે સુધી કોંગ્રેસનું નેતૃત્વ, અત્યારની સાંપ્રત પરિસ્થિતિ અને બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. અંતે સંકલ્પ પત્ર સાથે કાર્યક્રમ પૂરો કરાશે.
નશામાં ધૂત કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા
વડોદારમાં હજી રક્ષિતકાંડના પડઘા શાંત થયા નથી ત્યાં વડોદરામાં બીજો રક્ષિતકાંડ સર્જાયો હતો. નશામાં ધૂત કારચાલકે 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જોકે, લોકોએ કાર ચાલકને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માત શહેરના ખોડીયારનગર ચાર રસ્તાથી એસ.આર. પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે, બળીયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એકબાદ એક અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી હતી.





