Operation Sindoor News : ઓપરેશન સિંદૂરને લગભગ બે મહિના થઈ ગયા છે, પરંતુ તેને લઇને હજુ અલગ-અલગ માહિતી સામે આવી રહી છે. હવે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (કેપેબિલિટી ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેમેન્ટ) લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
તેમણે નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત પશ્ચિમી સરહદ પર એક દુશ્મન સામે લડી રહ્યું હતું, પરંતુ વાસ્તવમાં હકીકત એ હતી કે તે ત્રણ વિરોધીઓનો સામનો કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણી સામે છે અને ચીન તેને દરેક સંભવ મદદ કરી રહ્યું હતું.
લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે પાકિસ્તાન પાસે તેના 81 ટકા સૈન્ય હાર્ડવેર ચીનના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીન પોતાના હથિયારોનું અન્ય વેપન સિસ્ટમ સામે ટેસ્ટ કરવામાં સફળ રહ્યું હતું. તેથી તે તેમના માટે એક લાઇવ જીવંત પ્રયોગશાળા જેવું હતું. તુર્કીએ પણ તેમને તમામ પ્રકારનો ટેકો આપ્યો હતો. તુર્કીએ માત્ર ડ્રોનથી જ નહીં પરંતુ પ્રશિક્ષિત લોકો સાથેના સંઘર્ષ દરમિયાન તેમની મદદ કરી હતી.
આ દરમિયાન તેમણે સૌથી મહત્વની વાત એ જણાવી કે જ્યારે પાકિસ્તાન સાથે ડીજીએમઓ સ્તરની વાતચીત ચાલી રહી હતી ત્યારે તેમને ભારતના મહત્વપૂર્ણ વેક્ટર્સની જાણકારી હતી. આ જાણકારી તેમને ચીન દ્વારા આપવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે આપણે તેના પર ઝડપથી કામ કરવું પડશે. આપણને એક મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે.
ઓપરેશન સિંદૂરથી ભારતે શું શીખ્યું?
આ પહેલા તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને લઇને અમારા નેતૃત્વ તરફથી વ્યૂહાત્મક સંદેશ ખૂબ સ્પષ્ટ હતો. થોડા વર્ષો પહેલાની જેમ આ પીડાને સહન કરવાનો કોઈ અવકાશ નથી. તેમણે કહ્યું કે ટાર્ગેટ પસંદ કરવાની પ્લાનિંગ અને સિલેક્શન ઘણા બધા ડેટા પર આધારિત હતી, જે ટેકનોલોજી અને માનવ બુદ્ધિનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – ઘાનાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું – ગ્લોબલ સાઉથને અવાજ આપ્યા વિના પ્રગતિ થઇ શકે નહીં
તેમણે કહ્યું હતું કે કુલ 21 લક્ષ્યોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી નવને નિશાન બનાવવામાં આવ્યા હતા, અમે વિચાર્યું કે તેમને લક્ષ્ય બનાવવું સમજદાર રહેશે. છેલ્લા દિવસે કે છેલ્લા કલાકમાં આ નવ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. તે સભાનપણે લેવાયેલો નિર્ણય હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે એક મહત્વપૂર્ણ વિચારણા એ હતી કે આપણે હંમેશાં “escalation ladder” ના ટોચ પર રહેવું જોઈએ. જ્યારે આપણે કોઈ લશ્કરી લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. યુદ્ધ શરૂ કરવું સહેલું છે, પરંતુ તેને કાબૂમાં રાખવું ઘણું મુશ્કેલ છે. તેથી હું કહીશ કે તે એક શાનદાર ચાલ હતી જે યુદ્ધને રોકવા માટે યોગ્ય સમયે રમવામાં આવી હતી.