Bathinda Air Force Base: બુધવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભટિંડા નજીક આવેલા અકાલી ખુર્દ ગામમાં વિમાન દુર્ઘટનાના વિસ્ફોટના અવાજથી લોકો જાગી ગયા હતા. ગામલોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટના પછી થયેલા વિસ્ફોટમાં હરિયાણાના એક મજૂરનું મોત નીપજ્યું હતું અને નવ લોકો દાઝી ગયા હતા.
આ અજાણ્યું વિમાન કથિત રીતે ગામની નજીકના ખેતરોમાં ક્રેશ થયું હતું, જે ભટિંડાના ભીસિયાણા એરફોર્સ સ્ટેશનથી માત્ર 20 કિમી દૂર સ્થિત છે. ટૂંક સમયમાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
જણાવી દઈએ કે ભારતે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં એક પછી એક એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં ભારતે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના પીઓકેમાં કાર્યરત 9 આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા.
સેના, વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
પંજાબ પોલીસને ઘટનાની માહિતી મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી વિમાનમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. સેના અને વાયુસેનાના અધિકારીઓ પણ વહેલી સવાર પહેલા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને વાયુસેનાના જવાનોએ વિમાનનો કાટમાળ એકઠો કરવાનું શરૂ કર્યું હતું.
ઘઉંની લણણી કરવા આવ્યો હતો
ગામના લોકોએ જણાવ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ હરિયાણાના હિસારના રહેવાસી ગોવિંદ તરીકે થઈ છે. વીડિયો રેકોર્ડ કરતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો – શું છે HAMMER બોમ્બ, જેનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાને ઉડાવ્યા?
એક ગામવાસીએ જણાવ્યું હતું કે ગોવિંદ અહીં ઘઉંની લણણી કરવા આવ્યો હતો અને જે સ્થાને દુર્ઘટના થઇ હતી તેની પાસે એક રૂમમાં રહેતો હતો. ગોવિંદ પહેલા ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેનો વીડિયો બનાવી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તે વિમાનની ખૂબ જ નજીક ગયો હતો. આ દરમિયાન વિમાનમાં બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં ગોવિંદનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભટિંડાના ગોનિયાના શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સવાર સુધીમાં આ ઘટનાની માહિતી અનેક લોકો સુધી પહોંચી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. તેમને સ્થળથી દૂર રાખવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.