Kharif crops MSP : મોદી સરકારની કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો નિર્ણય પાકના ટેકાના ભાવમાં વધારો છે. સરકારે 14 ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકની બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર સરકારે ખરીફના 14 પાકની એમએસપી વધારી દીધી છે, જેમાં ડાંગર, રાગી, બાજરી, જુવાર, કપાસનો સમાવેશ થાય છે.
સરકારે નક્કી કર્યું છે કે ડાંગરની નવી એમએસપી હવે 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સરકારનો આ નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે લેવામાં આવ્યો છે. ડાંગરની નવી એમએસપી જૂની એમએસપી કરતા 117 રૂપિયા વધુ છે.
કપાસની એમએસપીમાં પણ વધારો થયો
આ સિવાય કપાસની નવી એમએસપી 7121 નક્કી કરવામાં આવી છે. સાથે જ કપાસની બીજી જાત માટે નવી એમએસપી 7521 રૂપિયા થશે. જે પહેલા કરતા 501 રૂપિયા વધારે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે, આ સરકારે પોતાના નવા કાર્યકાળમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે.
કયા પાક માટે કેટલી એમએસપી વધારવામાં આવી
સરકારના આ નિર્ણય બાદ જુવારની એમએસપી 3371 રૂપિયા, ડાંગર 2300, બાજરી 3625, રાગી 4290, મકાઈ 2225, તુવેર 7550, મગ 8682, અડદ 7400, મગફળી, 6783, સનફ્લાવર 7280, સોયાબીન 4892, અને તલ 9267 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલીઝ કર્યો, આવી રીતે કરો ચેક
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નાફેડે ખૂબ જ સારી એપ બનાવી છે, જેના દ્વારા ખેડૂતોને શાકભાજી વેચવામાં સરળતા રહેશે. આ ઉપરાંત તેમણે માહિતી આપી હતી કે દેશમાં 2 લાખ વેરહાઉસ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તે બાબતે ઝડપથી કામ થઈ રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ખાતરના ભાવ ઓછા રાખવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વિશ્વના ઘણા દેશોની તુલનામાં ભારતમાં ખાતરની કિંમત ઘણી ઓછી છે, જે આપણા માટે રાહતની વાત છે.





