Census 2027 : મોદી સરકારે વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે વસ્તી ગણતરી ભારત માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં કરવામાં આવી હતી. આ પછી તે 2021માં કરવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને રદ કરવી પડી હતી.
મોદી સરકાર 2017 માં વસ્તી ગણતરી કરશે
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વસ્તી ગણતરી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. આ અંતર્ગત એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન મકાનોની યાદી બનાવવી અને આવાસ જનગણનાનું કામ કરવામાં આવશે અને વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં કરવામાં આવશે.
તેમણે કહ્યું કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઢંકાયેલા દૂરના વિસ્તારો માટે વસ્તી ગણતરીની કવાયત સપ્ટેમ્બર 2026માં યોજાશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સરકાર લગભગ 30 લાખ કર્મચારીઓને તૈનાત કરશે. આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.
આ પણ વાંચો – શું મણિપુરમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ભાજપ? ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા
ડેટા ઇલેક્ટ્રોનિક રીતે એકત્રિત કરવામાં આવશે
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વસ્તી ગણતરી 2027ના પ્રારંભિક તબક્કામાં જાતિના ડેટા પણ ઇલેક્ટ્રોનિક રીતે એકત્રિત કરવામાં આવશે. ડેટા સંગ્રહ માટે મોબાઇલ એપ્લિકેશન અને મોનિટરિંગ હેતુઓ માટે કેન્દ્રીય પોર્ટલનો ઉપયોગ વધુ સારી ગુણવત્તાવાળા ડેટાની ખાતરી કરશે. તેમણે કહ્યું હતું કે ડેટાનો પ્રસાર વધારે સારો અને યુઝર ફ્રેન્ડલી હશે, જેથી નીતિ ઘડતર માટે જરૂરી માપદંડો સાથે સંબંધિત તમામ પ્રશ્રોનાં જવાબો એક બટન પર ક્લિક કરીને ઉપલબ્ધ થઈ શકે.





