UP Car Bus Accident: ઉત્તર પ્રદેશમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં 6 લોકોનાં મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવાય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈટાવાના આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર કાર ચાલકને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કાર નિયંત્રણમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેની લેનની બહાર ગઈ હતી અને લખનૌથી આવી રહેલી સ્લીપર બસ સાથે ટકરાઈ હતી.
ટક્કર એટલી ભયંકર હતી કે સ્લીપર બસ ટક્કર બાદ તરત જ એક્સપ્રેસ વે પરથી નીચે પડી ગઈ હતી. બસ હાઈવે પરથી નીચે પટકાતા બૂમાબૂમ મચી ગઈ હતી. કાર અને બસ વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ મુસાફરો બસના હોવાનું કહેવાય છે.
મૃતકોની ઓળખ પ્રદ્યુમ (24), મોનુ (25) અને ચંદા (50) તરીકે થઈ છે, જે તમામ કન્નૌજના રહેવાસી છે અને કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તો બસમાં મુસાફરી કરનાર મૃતકોની ઓળખ લખીમપુર ખેરીના રહેવાસી ઓમ પ્રકાશ (50), અમેઠીના રહેવાસી રાજુ શાહ અને એક અજાણ્યા વ્યક્તિ તરીકે થઈ છે.





