UP Politics : ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર 29 જુલાઈથી શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી (સપા)ને મોટો નિર્ણય કરવાનો છે, જે વિધાનસભામાં વિપક્ષના નેતાનો છે. અત્યાર સુધી આ પદ પૂર્વ સીએમ અખિલેશ યાદવ પાસે હતું, પરંતુ કન્નૌજ લોકસભા સીટ જીતીને લોકસભા પહોંચેલા અખિલેશે કરહલ સીટ છોડી દીધી છે. આવી સ્થિતિમાં હવે અખિલેશ યાદવનું સ્થાન કોણ લેશે તે સવાલ છે.
પાર્ટીનો એક વર્ગ પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક પૂર્વ મંત્રી શિવપાલ સિંહ યાદવને આ જવાબદારી આપવાના પક્ષમાં છે. હાલમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો પાર્ટી દલિત ચહેરો કે પછી બિન યાદવ ઓબીસી નેતાને આગળ મુકવા પર વિચાર કરી રહી છે.
દલિત નેતાને મળી શકે છે તક
સમાજવાદી પાર્ટીના એક નેતાએ કહ્યું કે જોકે નિર્ણય નેતૃત્વ પર નિર્ભર કરે છે, પરંતુ પાર્ટીની અંદર મતભેદ છે કારણ કે કેટલાક લોકોને લાગે છે કે શિવપાલ સિંહ યાદવ, જે કાર્યકર્તાઓ સાથે સારી રીતે જોડાયેલા છે, તેઓ ધારાસભ્યોને વધુ સારી રીતે સાથે રાખી શકે છે. તાજેતરની લોકસભા ચૂંટણીને જોતા એવું લાગી રહ્યું છે કે પાર્ટી ઈન્દ્રજીત સરોજ જેવા વરિષ્ઠ અનુસૂચિત જાતિના નેતાને જવાબદારી આપી શકે છે. આ ઉપરાંત પાર્ટી રામ અચલ રાજભર જેવા બિન યાદવ ઓબીસી નેતાનું નામ પર આગળ વધારી શકે છે.
ઈન્દ્રજીત સરોજ 2017માં સપામાં જોડાયા હતા
ઇન્દ્રજિત સરોજ અને રાજભર બંનેની ખામી એ છે કે તેઓ બસપાના ધારાસભ્યો રહ્યા છે. પક્ષનો એક વર્ગ આ પદ પર કબજો જમાવવા માટે સ્થાપિત નામ ઇચ્છે છે. તેમના નામને આગળ વધારવા પાછળનો હેતુ પક્ષના પીડીએના મુદ્દાને આગળ વધારવા માટે એલઓપીની પોસ્ટનો ઉપયોગ કરવાનો છે. બસપા સુપ્રીમો અને પૂર્વ સીએમ માયાવતીના નજીકના વિશ્વાસુ 61 વર્ષીય ઇન્દ્રજીત સરોજ 2017માં સપામાં જોડાયા હતા.
આ પણ વાંચો – દેશના બે પૂર્વ આર્મી ચીફના પુસ્તકો લૉન્ચ થતા અટક્યા, આ છે કારણ, કારગિલ યુદ્ધ સાથે છે સંબંધ
હાલ તેઓ માત્ર મંજનપુરના ધારાસભ્ય જ નથી પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પણ છે. તેમનો પાસી સમુદાય પર સારો પ્રભાવ માનવામાં આવે છે, જ્યારે ખાસ વાત એ છે કે તે ભાજપની મોટી વોટબેંક છે. સપામાં ઘણા લોકો આ પરિવર્તનનું કારણ કોંગ્રેસ સાથેના તેના જોડાણને આપે છે. કેટલાક લોકો વિરોધ પક્ષના નેતાની નિમણૂકને સપા માટે બદલાયેલા જ્ઞાતિગત સમીકરણને મજબૂત કરવાની અને અનુસૂચિત જાતિના નેતાઓને પક્ષમાં મુખ્ય ભૂમિકા આપવાની તક તરીકે જુએ છે.
વોટબેંકની મોટી અસર
યુપીમાં દલિતોની વસતીમાં પાસીની સંખ્યા 16 ટકા છે, જે જાટવ પછી રાજ્યનો બીજો સૌથી મોટો દલિત સમૂહ છે. રાજ્યમાં ચૂંટણીલક્ષી રીતે સૌથી વધુ પ્રભાવશાળી સમુદાયોમાંથી એક છે. તેઓ ખાસ કરીને રાજ્યના અવધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિલ્કીપુરની વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાર્ટી વધુ એક પાસી નેતાને આગળ રાખીને પોતાનો લાભ મજબૂત કરવાની આશા રાખી રહી છે. અવધેશ પ્રસાદે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
રામ અચલ રાજભરની વાત કરીએ તો એક સમયે તેઓ માયાવતીના નજીકના ગણાતા હતા. 69 વર્ષીય રાજભર 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા સપામાં જોડાયા હતા અને હાલમાં તેઓ અકબરપુરથી ધારાસભ્ય છે. બિન-યાદવ ઓબીસી સમુદાય રાજભર, પૂર્વી યુપીના કેટલાક ભાગોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. એનડીએના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના વડા ઓમ પ્રકાશ રાજભર રાજ્યના દિગ્ગજ રાજભર નેતાઓમાંથી એક છે.
સપાના એક નેતાએ કહ્યું કે પાર્ટીની અંદર એવી લાગણી છે કે બસપાના લોકોને અચાનક વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. જાતિના સમીકરણોને બાજુએ મૂકીએ તો માતા પ્રસાદ પાંડે જેવા અનેક દિગ્ગજ નેતાઓ છે. જોકે તેમની ઉંમર ઘણી વધારે છે અને વિધાનસભાની ચૂંટણીઓની દ્રષ્ટિએ વધારે આક્રમક થવામાં અસહજ હોઇ શકે છે.





