Russia Ukraine Ceasefire : શું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ શકે છે? શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતનો સંકેત આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અંગે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ જ સારી વાતચીત કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની આશા વધી ગઈ છે.
ટ્રમ્પે આ વિશેની માહિતી ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે હવે યુદ્ધ સમાપ્ત થઈ શકે તેવી પૂરી સંભાવના છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ પુતિનને વિનંતી કરી છે કે તેઓ રશિયન સૈનિકોથી ઘેરાયેલા યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવી લે. અન્યથા તે એક એવો ભયાનક નરસંહાર હશે જે આપણે બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય જોયો નથી,” તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટની થોડી મિનિટો બાદ જ વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે નહીં પણ અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.
યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે
ડોનાલ્ડ ટ્રમ્પે આ લડાઈમાં 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે યુક્રેનને પશ્ચિમી શસ્ત્રોની આપૂર્તિ સહિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. પુતિને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામનો સારો સંકેત આપ્યા છે, પરંતુ તેમના ઇરાદા પરથી એવું પણ લાગે છે કે તેઓ ઇચ્છે છે કે યુક્રેનિયન સૈનિકો આત્મસમર્પણ કરે. આ કારણે વાટાઘાટો મુશ્કેલ લાગે છે.
ગુરુવારે પુતિને યુદ્ધવિરામના અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું હતું કે મોસ્કો તેના માટે તૈયાર છે, પરંતુ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જે મુદ્દાઓ પહેલા છે તેનો ઉકેલ લાવવો જોઈએ. પુતિને યુક્રેનની સેના યુદ્ધવિરામનું પાલન કરશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી છે?
પુતિને ચિંતા વ્યક્ત કરી છે કે યુદ્ધવિરામ બાદ યુક્રેનની સેના ફરી યુદ્ધની તૈયારી કરી શકે છે. તેમણે યુદ્ધવિરામ અંગે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. આ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન સમાધાન શોધવાને બદલે લડાઇ લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયા લાંબા સમય સુધી શાંતિને સ્થગિત કરવા માંગે છે.





