US Election Result 2024: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. બધાની નજર સ્વિંગ સ્ટેટ્સ પર હતી, ત્યાં પણ ટ્રમ્પ જીત્યા છે, તેથી આ જીત તેમના માટે દરેક અર્થમાં ઐતિહાસિક સાબિત થવાની છે. પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન આપી ચૂક્યા છે. તેમણે ટ્રમ્પને પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવ્યા છે.
પીએમ મોદી હાલના સમયે એ અવશ્ય ઇચ્છશે કે તેમનો આ બેસ્ટ ફ્રેન્ડ ભારત માટે પણ ખરા અર્થમાં પોતાની મિત્રતા નિભાવે. હાલમાં ભારત અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે, આંતરિક વિવાદોને બાજુએ મૂકીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક ચિંતાઓ છે. આ સમયે કેનેડા સાથે ભારતના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયા છે, પાકિસ્તાનની આતંકવાદ પર પોતાની હરકતોથી ચાલું છે. આ સિવાય ચીન પણ હજુ સુધી ભારત સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ બનાવી શક્યું નથી.
આવી સ્થિતિમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી જરૂર ઇચ્છશે કે તેમના તરફથી આ ચાર કામ સૌથી પહેલા કરવામાં આવે.
કામ નંબર 1: ટ્રમ્પ જસ્ટિન ટ્રુડોને કડક સંદેશો આપે
કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર આરોપ લગાવી રહ્યા છે. અત્યાર સુધી એક પણ વાર તેમના તરફથી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, પરંતુ ગુપ્તચર માહિતીને ટાંકીને તેઓ સતત ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. તેઓ માને છે કે નિજ્જરની હત્યા પાછળ ભારતીય અધિકારીઓનો હાથ હતો. તેની ઉપર ફાઇવ આઇઝ વાળા દેશો પણ કેનેડાની સાથે ઉભા છે, આનાથી ભારતની મુશ્કેલીઓ વધી છે.
પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ નેતાઓમાં સામેલ છે જેમની આતંકવાદ, અલગાવવાદ પર સ્પષ્ટ નીતિ છે. પીએમ મોદીની જેમ તેઓ પણ આવા મુદ્દાઓ પર ઝીરો ટોલરન્સની વાત કરે છે. આવી સ્થિતિમાં જ્યારે ખાલિસ્તાની તત્વો કેનેડામાં ફરીથી માથું ઉંચકી રહ્યા છે, ત્યારે કેનેડાની ધરતી પરથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, ત્યારે પીએમ મોદી ચોક્કસપણે ઇચ્છશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જસ્ટિન ટ્રુડોને મર્યાદામાં રહેવાની સલાહ આપે. એ ભૂલવું ન જોઈએ કે અમેરિકા પોતે જ ફાઈવ આઈઝના સંગઠનમાં સામેલ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેના વલણ પર હવે ચોક્કસ નજર રહેશે.
કામ નંબર 2 : ભારતને માનવાધિકારોના પાઠ ભણાવવાનું બંધ થાય
અમેરિકાને ભારત વિશે જૂની આદત છે, ત્યાંના ઘણા સર્વે અને અહેવાલો ભારતને જ માનવ અધિકારો વિશે શીખ આપતા રહે છે. અમેરિકામાં લઘુમતીઓ સાથે ભલે ગમે તેમ થઇ રહ્યું હોય, ભારતના મુસ્લિમો, ભારતના અન્ય સમુદાયોની તે દેશને વધારે ચિંતા રહે છે. અમેરિકા દ્વારા એવો નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી, ત્યાં અસુરક્ષાનો માહોલ છે. પરંતુ હવે પીએમ મોદી ઇચ્છશે કે આ નેરેટિવ પર રોક લાગે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે આ કામ કરી શકે છે.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર પીએમ મોદી સહિત વૈશ્વિક નેતાઓએ શું કહ્યું
આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ વિચારધારાના નેતા રહ્યા છે કે અમેરિકાએ અન્ય દેશોના યુદ્ધમાં વધારે દખલગીરી ન કરવી જોઇએ. અહીં તો ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે, આવી સ્થિતિમાં ટ્રમ્પ તેને રોકી શકે છે જેથી ભારતને કંઇપણ સાબિત કરવાની જરૂર ન પડે.
કામ નંબર 3 : આતંકવાદ પર પાકિસ્તાનને પાઠ ભણાવે
આતંકવાદને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ ઘણી સ્પષ્ટ છે. મોટી વાત એ છે કે તે એવા નેતા છે જે ડર્યા વગર ઈસ્લામિક આતંકવાદ વિશે સીધી વાત કરે છે. તેઓ ઘણીવાર તેમના દેશમાં થઈ રહેલા ગેરકાયદેસર ઈમિગ્રેશનને આતંકવાદ સાથે પણ જોડે છે. હાલમાં ભારત પણ આતંકવાદની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, પાકિસ્તાનના આતંકવાદીઓ કાશ્મીરમાં સતત આતંક મચાવી રહ્યા છે.
હવે જ્યારે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે ભારત ઈચ્છે છે કે તેમનું કડક વલણ પાકિસ્તાનને પણ પાઠ ભણાવે. અગાઉના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પના કડક વલણે તેનું ટ્રેલર પણ બતાવ્યું હતું, હવે એવી આશા રાખવી જોઈએ કે ટ્રમ્પ ચોક્કસપણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અલગ કરવાનું કામ કરશે. જો આવું થાય તો પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે અમેરિકાને સમર્થન મળશે.
કામ નંબર 4 : ચીનની વિસ્તારવાદની નીતિને રોકવી
ચીન સાથે ભારતના સંબંધો ગમે તેટલા સુધરે પણ તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ઈતિહાસની ઘણી ઘટનાઓ આ વાત સાબિત કરે છે. આના સિવાય ચીન જે રીતે એશિયામાં સુપર પાવર બનવાની કોશિશ કરી રહ્યું છે. પીએમ મોદી ચોક્કસપણે ઈચ્છશે કે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ પ્રાથમિકતા આપે. આના ઉપરાંત ભારતને ચીન કરતાં વધુ વિશ્વાસપાત્ર માનવામાં આવે તો વેપારનો વિસ્તાર થશે અને દેશમાં નવી તકો પણ ઊભી થશે.





