US Election Results 2024: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 જીતી ગયા છે. ટ્રમ્પ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને પાછળ રાખી રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પે બાજી મારી લીધી છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પ 2017થી 2021 વચ્ચે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ભારત સહિત અનેક દેશોના વડાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી જીત માટે અભિનંદન – પીએમ મોદી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત માટે હાર્દિક અભિનંદન. તમારા પાછલા કાર્યકાળની સફળતાઓની જેમ, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને આગળ વધારવા માટે ઉત્સુક છું. આપણે પોતાના લોકોના કલ્યાણ, વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીએ.
આ પણ વાંચો – અમેરિકા માટે આ સુવર્ણ સમય છે, જીત બાદ પહેલીવાર સમર્થકો વચ્ચે પહોંચ્યા ટ્રમ્પ
ઇતિહાસમાં સૌથી મોટી વાપસી પર અભિનંદન – બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. નેતન્યાહુએ એક્સ પર લખ્યું કે ઇતિહાસમાં સૌથી મોટી વાપસી પર અભિનંદન. આ ઇઝરાયેલ અને અમેરિકાના મહાન જોડાણ માટે એક શક્તિશાળી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. આ એક મોટી જીત છે. તમારા સાચા મિત્રો. બેન્જામિન અને સારા નેતન્યાહુ.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શું કહ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પની જીતને પ્રભાવશાળી ગણાવી અને આશા વ્યક્ત કરી કે તેમના કાર્યકાળમાં યુક્રેનમાં ન્યાયપૂર્ણ શાંતિનો રસ્તો વધારે નજીક આવશે.
ઇંગ્લેન્ડના વડા પ્રધાને શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર ઇંગ્લેન્ડના વડાપ્રધાન કેએર સ્ટોર્મરે અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે નવા અમેરિકન પ્રશાસન અંતર્ગત બ્રિટન અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધ યથાવત્ રહેશે.
પાકિસ્તાનના વડાપ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. શહેબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બીજા કાર્યકાળ માટે મળેલી ઐતિહાસિક જીત પર અભિનંદન. હું પાકિસ્તાન-અમેરિકા સંબંધોને મજબૂત અમે વ્યાપક બનાવવા માટે આવનાર પ્રશાસન સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું.
ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં સમર્થકોને સંબોધિત કરતી વખતે પોતાની જીતની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી તેમની જીતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જીત માટે 538 માંથી 270 વોટ જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ તરફ આગળ વધી રહ્યા છે.





