US Election Results 2024: અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ચૂંટણી 2024 જીતી ગયા છે. ટ્રમ્પ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને પાછળ રાખી રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પે બાજી મારી લીધી છે. ચૂંટણી પૂર્વે કેટલાક વિવાદમાં સપડાયા હોવા છતાં ટ્રમ્પે પોતાની શક્તિનો પરચો બતાવ્યો અને જીતનો ડંકો વગાડ્યો છે. આ જીત પાછળ શું કારણો છે? આવો જાણીએ
ભારતીય મૂળના અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલા યુવા નેતા યોગી પટેલ રિપબ્લિકન પાર્ટીની જ્વલંત સફળતા પાછળ ત્રણ મહત્વના કારણો ગણાવે છે.
ઇકોનોમી
- યુએસ ચૂંટણી 2024 રિપબ્લિકન પાર્ટી જીતવા પાછળ ઇકોનોમી મહત્વનું કારણ છે. અમેરિકનોએ દેશની પછડાઇ રહેલી ઇકોનોમી ઉપર લાવવા પર ટ્રમ્પ પર ભરોસો દાખવ્યો છે. ટ્રમ્પ બિઝમેન છે અને ટ્રમ્પના સત્તામાં આવવાથી દેશ ફરી એકવાર ઇકોનોમી એંજિન તરીકે કામ કરશે એવો દેશવાસીઓને વિશ્વાસ છે.
યુદ્ધ પર કંટ્રોલ
- ટ્રમ્પની ઝળહળતી જીત પાછળ યુદ્ધનો આક્રમક સ્વભાવ છે. ટ્રમ્પ સત્તામાં આવશે તો વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ પર કેટલેક અંશે કંટ્રોલ આવશે એવો અમેરિકનોને વિશ્વાસ છે. ટ્રમ્પના સત્તામાં આવવાથી અમેરિકા ફરી એકવાર વિશ્વ જમાદારની ભૂમિકામાં મજબૂત રીતે કામ બતાવશે એવો મતદારોએ વિશ્વાસ દાખવ્યા છે.
ગેરકાયદેસર વસવાટ
- અમેરિકા હાલમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓથી ત્રસ્ત છે. ગેરકાયદેસર વસવાટને લીધે દેશમાં બેરોજગારી, ક્રાઇમ સહિતની સમસ્યાઓ વધી રહી છે. મોટા ભાગના અમેરિકનો આ સમસ્યાથી ચિંતિત છે અને ટ્રમ્પ આ મામલે યોગ્ય પગલાં લેશે એવો મતદારોએ વિશ્વાસ દાખવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકાના આ 7 સ્વિંગ સ્ટેટ કેમ છે ખાસ?

ડોનાલ્ડ ટ્રમ્પની જીત અંગે યોગી પટેલ વધુમાં જણાવે છે કે, અહીં ગેરકાયદેસર વસવાટ મોટી સમસ્યા છે. જે મામલે ટ્રમ્પ કડકાઇથી કામ લઇ શકે છે. અન્ય વિદેશીઓ કરતાં અહીં સાઉથ અમેરિકી લોકોની સમસ્યા વધુ છે.





