ટેરિફ બોમ્બ : ટ્રમ્પના નારાજ થવાના બે કારણો, શાંત દેખાઇ રહેલા ભારતની ફુટનીતિ પણ સમજો

US-India tariffs : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા છે. ટેરિફને લઈને થોડા મહિના પહેલા શરૂ થયેલું આર્થિક યુદ્ધ હવે ચરમસીમાએ છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને સતત નિશાન બનાવી રહ્યા છે. જાણો આ પાછળ શું કારણ છે

Written by Ashish Goyal
Updated : August 08, 2025 16:30 IST
ટેરિફ બોમ્બ : ટ્રમ્પના નારાજ થવાના બે કારણો, શાંત દેખાઇ રહેલા ભારતની ફુટનીતિ પણ સમજો
US-India tariffs : ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા છે (ફાઇલ ફોટો)

US-India tariffs : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા છે. ટેરિફને લઈને થોડા મહિના પહેલા શરૂ થયેલું આર્થિક યુદ્ધ હવે ચરમસીમાએ છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને સતત નિશાન બનાવી રહ્યા છે.

ટેરિફને લઇને બે પ્રશ્નો શું છે?

હાલ અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ બમણો કરવામાં આવ્યો છે, આગામી સમયમાં ભારતે 50 ટકા સુધીનું ટેરિફ ચૂકવવું પડશે. પરંતુ બે સવાલ બાકી છે. પહેલું, પીએમ મોદીને આટલા સારા મિત્ર માનનારા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિરુદ્ધ કેમ આવી ગયા? બીજો સવાલ એ છે કે આક્રમક વલણ માટે જાણીતા પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકાની એક પણ વાર ખુલ્લેઆમ ટીકા કેમ ન કરી?

હવે અમે આ બંને પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની, જેમનું વલણ ભારત સામે ખૂબ જ આક્રમક બની ગયું છે.

ટ્રમ્પ ભારતથી કેમ નારાજ છે?

ઇન્ડિયન એક્સપ્રેસને એક સૂત્રએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કદાચ ભારતથી એટલા માટે હતાશે છે કારણ કે તેઓ સમજી ગયા છે કે ભારત નમતું જોખવાનું નથી. બીજા ઘણા દેશો ચોક્કસપણે તેમની શરતો સ્વીકારતા જોવા મળે છે, પરંતુ ભારત તેના વલણ પર અડગ છે.

એક થિયરી એવી પણ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સતત દાવો કર્યો હતો કે તેમના તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો હતો, જેના કારણે સિઝફાયર થયું હતું, પરંતુ ભારતે ક્યારેય આ દાવાનો સ્વીકાર કર્યો નથી અને ઘણા પ્રસંગોએ તેને ખોટો ગણાવ્યો છે. ભારત સરકારે પણ તેને ફગાવી દીધો છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ વાતથી નારાજ થઈ શકે છે.

ભારત ટ્રમ્પનો સામનો કેવી રીતે કરી રહ્યું છે?

હવે ટ્રમ્પની નારાજગીના બે કારણો સમજાય છે, પરંતુ શાંત જણાતા ભારતની કૂટનીતિ પણ અલગ રીતે ચાલી રહી છે. ભારત અમેરિકા પર સામેથી હુમલો કરી રહ્યું નથી પરંતુ ડિપ્લોમેટિક ચેનલોના માધ્યમથી તે પોતાની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટેરિફ દ્વારા જે દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના કારણે વિશ્વને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલાક દેશો એવા પણ છે કે જેઓ તે દબાણને સંપૂર્ણપણે વશ થઈ ગયા છે, એવું કહી શકાય કે તેમણે તમામ શરતો સ્વીકારી લીધી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોને આ શ્રેણીમાં સામેલ કરી શકાય છે. બીજી તરફ એવા દેશો પણ છે જેમણે અમેરિકાના ટેરિફના જવાબમાં પોતે પણ સામે ટેરિફ લગાવી દીધા છે. આ લિસ્ટમાં ચીન અને કેનેડા જેવા દેશો સામેલ છે.

આ પણ વાંચો – ‘જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં…’; ટ્રમ્પે હવે વેપાર સોદા પર વાત કરવાનો ઇનકાર કર્યો

હવે સૂત્રોએ ભારતની રણનીતિ વિશે જણાવ્યું છે કે તે વચલો રસ્તો અપનાવી રહ્યું છે. તે જાહેરમાં કોઈની ટીકા નથી કરી રહ્યું નથી પરંતુ તે પોતાના મુદ્દાઓ પર મક્કમતાથી ઊભા છે, તે વધારે અવાજ કરી રહ્યું નથી, પરંતુ તે પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહ્યા છે.

રશિયા પાસેથી તેલ લઇ રહ્યું છે ભારત, શું છે વિવાદ?

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનું એક મોટું કારણ રશિયા સાથેની ભારતની મિત્રતા છે. હકીકતમાં જ્યારથી રશિયા અને યુક્રેનમાં યુદ્ધ છેડાયું છે ત્યારથી ભારતે રશિયાથી સસ્તું તેલ આયાત કર્યું છે. ટ્રમ્પને આ અંગે વાંધો છે અને તેઓ ઇચ્છે છે કે ભારત અમેરિકા દ્વારા તેની તેલની જરૂરિયાતોને પૂર્ણ કરે.

આપણે અહીં એ સમજવાનો પ્રયાસ કરીએ કે ભારત રશિયામાંથી ખરેખર કેટલું તેલ આયાત કરે છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્નમાં કેટલું પરિવર્તન આવ્યું છે. 2023માં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર વિશ્વમાં તેલનો પુરવઠો ખોરવાયો હતો. તેલના ભાવમાં મોટો ઉછાળો આવશે, પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચશે તેવી ચિંતા હતી.

તે સમયે ભારત રશિયા પાસેથી લગભગ તેલ લઈ રહ્યું ન હતું, કુલ સપ્લાયના માત્ર 0.2 ટકા જ ત્યાંથી આવતા હતા. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ પછી ત્યાં એક મોટો બદલાવ આવ્યો હતો અને ભારતનું 40 ટકા તેલ રશિયાથી આવવાનું શરૂ થયું હતું. નીચે આપેલા કોષ્ટક પરથી એ સરળતાથી સમજી શકાય છે કે ભારત આ સમયે તેના તેલના પુરવઠાને કેવી રીતે પહોંચી વળે છે અને તેમાં રશિયા કેટલી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.

ભારત કયા દેશ પાસેથી કેટલું તેલ ખરીદે છે

દેશ2021-222022-232023-242024-25
રશિયા2.10%19.10%33.40%35.10%
ઇરાક24.50%20.70%20.70%19.10%
સાઉદી18.30%17.90%15.60%14.00%
UAE10.00%10.40%6.40%9.70%
કુવૈત6.10%4.90%3.10%2.80%
અમેરિકા8.90%6.30%3.60%4.60%
મેક્સિકો3.00%1.80%1.30%1.10%
કોલંબિયા1.60%1.00%1.40%1.30%
મલેશિયા0.90%0.80%2.00%0.50%
નાઇજિરીયા7.60%3.70%2.40%2.20%
ઈરાન0.00%0.00%0.00%0.00%
વેનેઝુએલા0.00%0.00%0.60%1.00%
અન્ય17.00%13.40%9.50%8.60%

2021-22 સુધી ભારત રશિયા પાસેથી ઘણું ઓછું તેલ આયાત કરતું હતું, તે કુલ આંકડાના માત્ર 2.10 ટકા હતું. આ પછી 2022-23 માં આ આંકડો વધીને 19.10% થઈ ગયો અને પછી રશિયા-યુક્રેન યુદ્ધે તમામ સમીકરણો બદલી નાખ્યા અને આ આંકડો સીધો 33.40% પર પહોંચી ગયો. 2024-25ની વાત કરીએ તો ભારતે રશિયાથી 35.10 ટકા તેલ આયાત કર્યું છે.

અમેરિકાને મરચા કેમ લાગ્યા?

એ જ રીતે ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશો પર નજર કરીએ તો ભારત એક સમયે ત્યાંથી સૌથી વધુ તેલ આયાત કરતું હતું. ઉદાહરણ તરીકે 2021-22 માં ઇરાકે ભારતના કુલ તેલ પુરવઠાના 24.50% પૂરા કર્યા હતા, તે જ વર્ષે સાઉદીએ પણ ભારતની 18.30% જરૂરિયાતો પૂરી કરી હતી. પરંતુ 2024-25માં સ્થિતિ પલટાઈ ગઈ છે, ઈરાકનો હિસ્સો ઘટીને માત્ર 19.10 ટકા થઈ ગયો છે, જ્યારે સાઉદીનો પણ ઘટીને 14.00 ટકા થઈ ગયો છે.

અમેરિકા પાસેથી ભારતનો ઓઇલ સપ્લાય ઘણો ઓછો છે. કહી શકાય કે ભારત આ મામલે અમેરિકા પર બિલકુલ નિર્ભર નથી. આંકડા પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે અને કહી શકાય છે કે આ કારણે જ અમેરિકા પણ ગુસ્સામાં છે. 2021-22માં અમેરિકાથી ભારતમાં 8.90 ટકા તેલ આવતું હતું. જોકે 2024-25 સુધીમાં તે આંકડો ઘટીને 4.60 ટકા રહી ગયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ