/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Hathras-Stampede.jpg)
હાથરસમાં થયેલી ભાગદોડમાં 100થી વધુ લોકોના મોત થયા છે (Video screengrab/ Express)
Hathras Stampede News: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉરના ફૂલરઈ ગામમાં મંગળવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં સાકાર હરિ બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ પૂરો થયા બાદ અહીંથી ભીડ બહાર આવવા લાગી ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધી આ ભાગદોડમાં 100થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને એટા જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતમાં મંદિરો અને અન્ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ભાગદોડને કારણે સામૂહિક મૃત્યુની આ પહેલી ઘટના નથી. તાજેતરના વર્ષોમાં દેશમાં મંદિરો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન નાસભાગ મચી ગઈ છે. જે અહીં જણાવી રહ્યા છીએ.
ભારતમાં મંદિરો અને અન્ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ભાગદોડની બનેલી મોટી ઘટના
25 જાન્યુઆરી, 2005: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મંધારદેવી મંદિરની વાર્ષિક તીર્થ યાત્રા દરમિયાન 340થી વધુ શ્રદ્ધાળુઓ કચડાઈ ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો લપસણી સીડી પર પડી ગયા હતા.
3 ઓગસ્ટ, 2008: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નૈના દેવી મંદિરમાં ભૂસ્ખલનની અફવાને કારણે થયેલી ભાગદોડમાં 162 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 47 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
30 સપ્ટેમ્બર, 2008: રાજસ્થાનના જોધપુર શહેરના ચામુંડા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઇ હતી. જેમાં 250 લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
4 માર્ચ, 2010: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં કૃપાલુ મહારાજના રામ જાનકી મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા હતા. સ્વયંભૂ ધર્મગુરુ દ્વારા દાનમાં અપાયેલા કપડાં અને ભોજન લેવા માટે લોકો આવ્યા હતા.
આ પણ વાંચો - નારાયણ સાકાર હરિ બાબા મહારાજ કોણ છે
14 જાન્યુઆરી, 2011: કેરળના ઇડુક્કી જિલ્લાના પુલમેડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલા યાત્રાળુઓ પર એક જીપ ઘૂસી જતા નાસભાગમાં ઓછામાં ઓછા 104 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 40થી વધુ ઘાયલ થયા હતા.
8 નવેમ્બર, 2011: હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા હરકી પૈડી ઘાટ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
19 નવેમ્બર, 2012: છઠ પૂજા દરમિયાન પટનામાં ગંગા નદીના કિનારે આવેલા અદાલત ઘાટ પર એક પુલ ધરાશાયી થયા બાદ નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 20 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
13 ઓક્ટોબર, 2013: મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં રતનગઢ મંદિર પાસે નવરાત્રિ મહોત્સવ દરમિયાન થયેલી ભાગદોડમાં 115 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગની શરૂઆત એવી અફવાઓથી થઈ હતી કે નદીનો પુલ તૂટી પડ્યો છે, જેને શ્રદ્ધાળુઓ પાર કરી રહ્યા હતા.
3 ઓક્ટોબર, 2014: દશેરાની ઉજવણી પૂરી થયા પછી તરત જ પટનાના ગાંધી મેદાનમાં થયેલી ભાગદોડમાં 32 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 26 લોકો ઘાયલ થયા હતા.
14 જુલાઈ, 2015: આંધ્રપ્રદેશના રાજમુંદ્રી જિલ્લામાં પુષ્કરમ ઉત્સવના પહેલા દિવસે ગોદાવરી નદીના કિનારે એક મુખ્ય સ્નાન સ્થળ પર થયેલી ભાગદોડમાં 27 યાત્રાળુઓના મોત થયા હતા અને 20 ઘાયલ થયા હતા.
1 જાન્યુઆરી 2022: જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
31 માર્ચ 2023: ઇન્દોર શહેરના એક મંદિરમાં રામનવમી નિમિત્તે હવન યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાચીન વાવની ઉપરનો સ્લેબ તૂટી પડતાં ઓછામાં ઓછા 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us