Uttar Pradesh Prayagraj Mahakumbh bus accident : પ્રયાગરાજમાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મોટો રોડ અકસ્માત પ્રયાગરાજના યમુનાનગરના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે 3 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર કુંભમાં જઈ રહેલી ભક્તોથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બસ મધ્યપ્રદેશની હતી અને બોલેરો વાહન છત્તીસગઢની હોવાનું કહેવાય છે. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો છત્તીસગઢના રહેવાસી હતા.
બસના મુસાફરોને પણ ઈજા થઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના કોરબા જિલ્લાના ભક્તો સંગમમાં સ્નાન કરવા આવી રહ્યા હતા. આ અકસ્માતમાં કુલ 19 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. DCP યમુનાનગર વિવેક યાદવે માર્ગ અકસ્માતની પુષ્ટિ કરી છે.
- ગુજરાત સહિત દેશ અને વિદેશમાં બનતી ઘટનાઓ વિશે તાજા જાણકારી માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં આ માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે વહીવટીતંત્રને સૂચના પણ આપી છે.