Vande Bharat Sleeper Trains : રેલવે મુસાફરો માટ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ પહેલા સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. આ ટ્રેન શરૂ થતા દિલ્હી થી મુંબઈનો લાંબો પ્રવાસ કરવાનું સરળ બનશે, સુતા સુતા આરામથી થોડા જ કલાકોમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશભરમાં અનેક રૂટ પર દોડી રહી છે. ભારતીય રેલ્વેની અદ્યતન સુવિધાઓ સાથેની આ હાઇ-સ્પીડ ટ્રેનને વિવિધ સ્થળોએ સતત વિસ્તૃત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી, વંદે ભારત સ્લીપર ટ્રેનને લગતી માહિતી સતત સમાચારોમાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વંદે ભારત સ્લીપર કોન્સેપ્ટ ટ્રેનના ફોટા શેર કર્યા છે. અને હવે સમાચાર આવ્યા છે કે, પીએમ નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ભેટમાં આપી શકે છે.
રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 15 ઓગસ્ટ પહેલા દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ભેટમાં આપી શકે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેનના આગમનથી લાંબા અંતરની મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની જશે. 15 ઓગસ્ટ પહેલા પીએમ મોદી મુંબઈથી દિલ્હી સુધી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી શકે છે.
વંદે ભારત સ્લીપર ટ્રેન સંબંધિત મોટી બાબતો
1- વંદે ભારતની પહેલી સ્લીપર ટ્રેન 15 ઓગસ્ટ પહેલા શરૂ થવા જઈ રહી છે.
2- દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડશે.
3- બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
4- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ હશે. જેમાં 10 કોચ થર્ડ એસી, ચાર કોચ સેકન્ડ એસી અને એક કોચ ફર્સ્ટ એસી હશે.
5- સ્લીપર વંદે ભારત ટ્રેનમાં બે SLR કોચ પણ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેન આધુનિક સુવિધાઓ અને સલામતીથી સજ્જ ટ્રેન હશે.
6- રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રથમ તબક્કામાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ પછી તે ધીરે ધીરે 160 થી 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગશે.
ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા દિલ્હી-મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાની યોજના એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે, દિલ્હી-મુંબઈ રેલ્વે રૂટ ખૂબ જ વ્યસ્ત છે અને આ રૂટ પર મુસાફરોની ભારે ભીડ રહે છે. દિલ્હીથી મુંબઈ રૂટ પર વધુ મુસાફરોને કારણે આ રૂટ પરની ટ્રેનોમાં હંમેશા સીટોની અછત રહે છે. ઘણી ટ્રેનોમાં સરળતાથી રિઝર્વેશન મેળવવામાં પણ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તેથી આ રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાથી મુસાફરોને મોટી રાહત મળશે. રેલવેએ દિલ્હીથી મુંબઈ રૂટ પર પહેલીવાર સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી લીધી છે. વંદે ભારત સ્લીપર ટ્રેન દિલ્હીથી ભોપાલ અને સુરત થઈને મુંબઈ જશે.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન 2 મહિનાની અંદર પાટા પર આવી જશે. આ વર્ષની શરૂઆતમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ વંદે ભારત સ્લીપર ટ્રેનના ટ્રેન સેટના કામનું નિરીક્ષણ કરવા બેંગલુરુ ગયા હતા. રેલવે મંત્રીએ તે સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં વંદે ભારત સ્લીપર ટ્રેન બની રહી છે.
તો આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. તેથી, મહારાષ્ટ્રને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળવાની પૂરી આશા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.





