Vande Mataram 150 Years : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં ‘વંદે માતરમ’ પર ચર્ચાની શરૂઆત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે આઝાદીની લડત દરમિયાન વંદે માતરમની જરૂર હતી અને તે આજે પણ છે જ્યારે દેશ 2047માં વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે કેટલાક લોકો ‘વંદે માતરમ’ને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડીને તેનું મહત્વ કલંકિત કરવા માંગે છે. અમિત શાહે જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્’ એક અમર રચના છે, જે ભારત માતા પ્રત્યે કર્તવ્ય અને સમર્પણની ભાવનાને જાગૃત કરે છે.
તેમણે કહ્યું કે સંસદના બંને ગૃહોમાં ‘વંદે માતરમ’ પર ચર્ચા ભાવિ પેઢીઓને તેનું વાસ્તવિક મહત્વ, તેના ગૌરવને સમજવામાં મદદ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુએ ‘વંદે માતરમ’ ને તોડીને તેને મર્યાદિત કરી દીધું હતું અને ત્યાંથી તુષ્ટિકરણ શરૂ થયું, જેના પરિણામે દેશનું વિભાજન થયું, જો તે તોડવામાં આવ્યું ન હોત તો દેશ વિભાજિત થયો ન હોત.
અમિત શાહે રાજ્યસભામાં બીજું શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે અમે ન તો સંસદથી બચીએ છીએ અને ન તો મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ભાગીએ છીએ, અમે સંસદમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.
આ પણ વાંચો – વંદે માતરમ્ ને કોંગ્રેસ અને મુસ્લીમ લીગ કેવી રીતે જોતા હતા? જાણો બધી જ માહિતી
તેમણે કહ્યું કે વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂરા થયા છે અને તેના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો સમય છે અને સાથે નાગરિકોમાં કર્તવ્યની ભાવનાને આગળ વધારવાનો છે.
અમિત શાહે કહ્યું કે સરકારે ‘વંદે માતરમ’ની 150મી જન્મજયંતિ આખું વર્ષ મોટા પાયે ઉજવવાનો નિર્ણય કર્યો છે. વંદે માતરમ્ દેશને આઝાદી અપાવવામાં મદદ કરી, તે હવે અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવામાં મદદ કરશે.





