Nobel Peace Prize 2025 : વેનેઝુએલાની મારિયા કોરિનાને શાંતિનો નોબલ પુરુસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પને ના મળ્યો

Nobel Peace Prize 2025 : વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવાની ફરજ પડી હોવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો

Written by Ashish Goyal
Updated : October 10, 2025 15:38 IST
Nobel Peace Prize 2025 : વેનેઝુએલાની મારિયા કોરિનાને શાંતિનો નોબલ પુરુસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પને ના મળ્યો
Nobel Peace Prize 2025 : વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો (તસવીર - સોશિયલ મીડિયા)

Maria Corina Machado wins Nobel Peace Prize 2025 : વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને 2025નો નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને દેશમાં સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ પ્રાપ્ત કરવા માટેના તેમના સંઘર્ષ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માંગતા હતા. તેઓ દલીલ કરી રહ્યા હતા કે તેમના તરફથી ઘણા યુદ્ધો અટકાવવામાં આવ્યા છે. પરંતુ આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર માટે મારિયા કોરિનાની પસંદગી કરવામાં આવી છે. હજુ સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નોબલ કમિટીએ શું કહ્યું

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવાની ફરજ પડી હોવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. નોબેલ સમિતિએ કહ્યું કે તેમના જીવને ગંભીર જોખમો હોવા છતાં તે દેશમાં રહ્યા. તેમની ચૂંટણી લાખો લોકોને પ્રેરણા આપશે તે નિશ્ચિત છે.

નોબેલ સમિતિએ મારિયા કોરિનાની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે સરમુખત્યારશાહી તાકાતો સત્તા કબજે કરે છે, ત્યારે આઝાદીના સાહસી રક્ષકોએ ઓળખવા મહત્વપૂર્ણ છે જે ઉભા થાય છે અને વિરોધ કરે છે.

આ પણ વાંચો – હંગરીના લેખક લાજ્લો ક્રાજ્નાહોરકાઇને સાહિત્યમાં મળ્યો નોબલ પુરુસ્કાર, જાણો કોણ છે

કમિટીએ કહ્યું કે લોકશાહી એવા લોકો પર નિર્ભર કરે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમો હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે. જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ તેને શબ્દો, હિંમત અને દૃઢ સંકલ્પ સાથે હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ.

કોણ છે મારિયા કોરિના

મારિયા કોરિનાનો જન્મ 7 ઓક્ટોબર 1967ના રોજ વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં થયો હતો. તેમના પિતા, હેનરિક મચાડો, એક ઉદ્યોગપતિ હતા, અને તેમની માતા કોરિના પેરિસ્કા મનોવિજ્ઞાની હતા. બાળપણથી જ તે સ્પષ્ટવક્તા, હિંમતવાન અને નેતા છે.

તેમણે એન્ડ્રસ બેલો કેથોલિક યુનિવર્સિટીમાં ઔદ્યોગિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં આઇઇએસએમાંથી ફાઇનાન્સમાં અનુસ્નાતક કર્યું હતું. સારી નોકરી કે વ્યવસાયમાં જવાને બદલે તેમણે દેશની રાજનીતિમાં એન્ટ્રી કરી હતી, કારણ કે વેનેઝુએલામાં બગડતી પરિસ્થિતિએ તેમને બેચેન કરી દીધા હતા. 2002માં તેમણે સ્મેટ નામની એક સંસ્થા બનાવી, જે ચૂંટણી દેખરેખ અને નાગરિક અધિકારો પર કામ કરે છે. અહીંથી જ તેમની વાસ્તવિક રાજકીય યાત્રા શરૂ થઈ હતી. બાદમાં તેમણે વેન્ટે વેનેઝુએલા નામના રાજકીય પક્ષની રચના કરી અને દેશમાં પરિવર્તન માટે અવાજ ઉઠાવ્યો હતો.

મારિયા કોરિનાને પોતાના તેવર અને સ્વચ્છ છબીને કારણે વેનેઝુએલાની આયરન લેડી કહેવામાં આવે છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ અને વર્તમાન નેતા નિકોલસ માદુરોના સરમુખત્યારશાહી વલણનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ઘણી વખત તેમને ધમકીઓ મળી હતી, ધરપકડનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પીછેહઠ કરવાનું શીખ્યા ન હતા.

આ સન્માન સાથે તેમને આલ્ફ્રેડ નોબેલની તસવીર સાથે ગોલ્ડ મેડલ અને 1.1 કરોડ સ્વીડિશ ક્રાઉન (લગભગ 8 કરોડ રૂપિયા) નો રોકડ પુરસ્કાર પણ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ