Truong My Lan : વિયેતનામની એક અદાલતે ગુરુવારે અબજોપતિ બિઝનેસ મહિલાને ફાંસીની સજા ફટકારી છે. રિયલ એસ્ટેટ બિઝનેસવુમેન ટ્રુઓંગ માય લેનને એક મોટા કૌભાંડમાં સામેલ થવા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઘટનાને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ આ કૌભાંડ અંદાજે 304-ટ્રિલિયન-ડોંગ ($12.5-બિલિયન) 27 અબજ ડોલરનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પાંચ સપ્તાહની સુનાવણી બાદ સજા ફટકારી
પાંચ સપ્તાહની સુનાવણી બાદ આ મોટા કૌભાંડના ચુકાદામાં પ્રોપર્ટી ટાયકૂન ટ્રુઓંગ માય લેનને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અબજોપતિ બિઝનેસવુમન લેનને એક દાયકાથી પણ વધુ સમયથી સાઇગોન કમર્શિયલ બેંક (એસસીબી) સાથે છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 27 અબજ ડોલરનું આ નુકસાન વર્ષ 2023માં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (વિયેતનામ જીડીપી)ના 6 ટકા છે.
આ પણ વાંચો – બાંગ્લાદેશમાં ‘બોયકોટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કેવી રીતે થઈ? બીએનપી ભારત વિરોધી ભાવના ભડકાવી રહ્યું છે
સુનાવણી દરમિયાન ત્રણ જ્યુરી મેમ્બર્સ અને બે જજની પેનલે ફરિયાદી પક્ષની સાથે સાથે બચાવ પક્ષની દલીલો પણ સાંભળી હતી. પાંચ સપ્તાહની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂ કરેલી તમામ દલીલો ફગાવી દેવામાં આવી હતી અને આ અબજોપતિને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ઓક્ટોબર 2022માં ટ્રુઓંગ માય લેનની ધરપકડ કરવામાં આવી હતી
વિયેતનામમાં 27 અબજ ડોલરનું કૌભાંડની આ સુનાવણી હો ચી મિન્હ સિટીમાં કરવામાં આવી હતી. પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યું કે ટ્રુઓંગ માય લેનના પગલાંથી કમ્યુનિસ્ટ પાર્ટી અને રાજ્યના નેતૃત્વમાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. આ કૌભાંડનો ભોગ લગભગ 42 હજાર લોકો બન્યા છે, જેમની ઓળખ પોલીસે કરી લીધી છે. ઓક્ટોબર 2022માં ટ્રુઓંગ માય લેનની રાષ્ટ્રીય ભ્રષ્ટાચારની કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી.





