પાકિસ્તાન : લાહોરમાં હિંસા ભડકી, પોલીસ ફાયરિંગમાં ટીએલપીના 10 સમર્થકોના મોતનો દાવો

Pakistan : સુરક્ષા દળોએ હજારો પ્રદર્શનકારીઓને રાજધાની ઇસ્લામાબાદ તરફ જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ અમેરિકી દૂતાવાસની બહાર પેલેસ્ટાઇન તરફી રેલી કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ દરમિયાન અથડામણ થઇ હતી

Written by Ashish Goyal
Updated : October 11, 2025 23:48 IST
પાકિસ્તાન : લાહોરમાં હિંસા ભડકી, પોલીસ ફાયરિંગમાં ટીએલપીના 10 સમર્થકોના મોતનો દાવો
પાકિસ્તાનના પૂર્વીય શહેર લાહોરમાં પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી (તસવીર - સોશિયલ મીડિયા)

Pakistan : પાકિસ્તાનના પૂર્વીય શહેર લાહોરમાં પોલીસ અને ઇસ્લામિક કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી હતી. સુરક્ષા દળોએ હજારો પ્રદર્શનકારીઓને રાજધાની ઇસ્લામાબાદ તરફ જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ અમેરિકી દૂતાવાસની બહાર પેલેસ્ટાઇન તરફી રેલી કરવાની યોજના બનાવી રહ્યા હતા. પંજાબ પ્રાંતની રાજધાનીમાં ગુરુવારે અથડામણો શરૂ થઈ હતી, પરંતુ શુક્રવારે પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસ છોડ્યો હતો. જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)એ અગાઉ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ગુરુવારથી તેના બે સમર્થકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. જોકે પાકિસ્તાની મીડિયા ધ ડોનના જણાવ્યા અનુસાર આજે સવારે લાહોરના શાહદરા વિસ્તારમાં ધાર્મિક પક્ષના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ધ ડોનના જણાવ્યા અનુસાર ટીએલપીનો દાવો છે કે પોલીસ સાથેની અથડામણમાં તેના 10 થી વધુ કાર્યકરો માર્યા ગયા છે. પંજાબના મુખ્યમંત્રી અને વડા પ્રધાનની ભત્રીજી મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળની પ્રાંતીય સરકાર તરફથી આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ટીએલપીના પ્રમુખ સાદ રિઝવીએ ઇસ્લામાબાદ કૂચની જાહેરાત કરી હતી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા હેઠળની યુદ્ધવિરામ યોજના પર હમાસ અને ઇઝરાયલ સહમત થયા પછી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાહોરમાં શુક્રવારની નમાઝ દરમિયાન હજારો લોકોને સંબોધિત કરતા ટીએલપીના પ્રમુખ સાદ રિઝવીએ કૂચની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હવે અમે લાહોરથી ઇસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસ સુધી કૂચ કરીશું. રિઝવીએ કહ્યું કે હું આ લોંગ માર્ચમાં મોખરે રહીશ. ધરપકડ કોઈ સમસ્યા નથી, ગોળીઓ કોઈ સમસ્યા નથી, ગોળા કોઈ સમસ્યા નથી – શહાદત આપણું ભાગ્ય છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીઓ મુખ્ય ટીએલપી ઓફિસ નજીક પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીઓ ચલાવી રહ્યા હતા અને ટીયર ગેસના શેલ છોડી રહ્યા હતા. તેમણે કહ્યું કે ટિયરગેસના કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પ્રદર્શનકારીઓ લાહોરમાં એક રાત માટે હાઇવે પર રોકાયા હતા. ટીએલપી અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પોલીસ રેલીમાં સામેલ લોકોને વિખેરવા માટે ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરી રહી હતી. ઇસ્લામાબાદમાં નાયબ ગૃહ મંત્રી તલાલ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓને કોઈ પણ કિંમતે ઇસ્લામાબાદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – સિંધૂ જળ સંધિ રદ વચ્ચે કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય, ચાર દાયકાથી અટકેલી આ જલવિદ્યુત પરિયોજનાને આપી મંજૂરી

તલાલ ચૌધરીએ કહ્યું હતું કે પેલેસ્ટાઇનીઓ શાંતિની ઉજવણી કરી રહ્યા છે અને ટીએલપી હજી પણ હિંસક રેલી યોજી રહી છે. તેમણે આ વિરોધ પ્રદર્શન પાછળ ટીએલપીના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રેલીમાં ભાગ લેનારાઓને રાજધાનીમાં પ્રવેશ અને અંધાધૂંધી મચાવતા અટકાવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. લાહોરના ઘણા ભાગોમાં હિંસાએ રોજિંદા જીવનને વિક્ષેપિત કર્યું છે, કારણ કે રસ્તા બંધ અને વારંવાર અથડામણને કારણે રહેવાસીઓને ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. શુક્રવારે સત્તાવાળાઓએ 14 મિલિયનથી વધુ લોકોની વસ્તી ધરાવતા લાહોરમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દીધી હતી.

ઇસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ પર શિપિંગ કન્ટેનર મૂક્યા

વડા પ્રધાન શાહબાઝ શરીફની સરકારે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચતા રોકવા માટે ઇસ્લામાબાદ અને પડોશી રાવલપિંડીમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. અધિકારીઓએ પ્રદર્શનકારીઓને રોકવા માટે મુખ્ય ધોરીમાર્ગો અને ઇસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ પર શિપિંગ કન્ટેનર પણ મૂક્યા છે. લાહોર ઇસ્લામાબાદથી લગભગ 350 કિલોમીટર દૂર છે.

ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસે માર્ચ પહેલા સુરક્ષા ચેતવણી જારી કરી હતી, સંભવિત વિક્ષેપોની ચેતવણી આપી હતી અને યુએસ નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરી હતી.

દૂતાવાસે જણાવ્યું હતું કે, મોટી ભીડ અને ટ્રાફિક જામની સાથે સાથે સાવચેતીની સુરક્ષા વ્યવસ્થા, ચેકપોઇન્ટ્સની સંખ્યામાં વધારો અને આ વિસ્તારમાં સ્થાનિક મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્કમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. તે જ સમયે, તેણે એ પણ ધ્યાન દોર્યું હતું કે વિરોધ પ્રદર્શનનો સમયગાળો અજ્ઞાત છે. તેમાં યુએસ નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મોટા મેળાવડા ટાળે, તેમના આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખે અને ઓછા સક્રિય રહે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ