India Russia Relations : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારત પ્રવાસે આવવાના છે. આ મુલાકાત પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની યાત્રા કરી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયા અને ભારત વચ્ચેના સંબંધો પશ્ચિમના ભારે દબાણ હેઠળ છે. ખાસ કરીને ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવા મામલે. પશ્ચિમના દબાણની હવે અસર થઈ રહી હોય તેવું લાગે છે. ભારત પર 50 ટકા અમેરિકન ટેરિફ લાદવામાં આવ્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત કરવી સરળ નહીં હોય.
પુતિનની ભારત મુલાકાત પહેલા જ રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. આ તે સમયે છે જ્યારે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં એનર્જીનો સૌથી મોટો હિસ્સો છે. દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઈ)ના વડા અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે રશિયાથી તેલની ખરીદી સતત ઘટી રહી છે. ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડી દીધી છે.
ઓક્ટોબરમાં રશિયાથી આયાત 27.7% ઘટી
સત્તાવાર વેપાર આંકડા દર્શાવે છે કે ઓક્ટોબર 2025 માં રશિયાથી કુલ આયાત વાર્ષિક ધોરણે 27.7% ઘટી છે, જે ઓક્ટોબર 2024 માં 6.7 અબજ ડોલરથી ઘટીને આ વર્ષે 4.8 અબજ ડોલર થઈ ગઈ છે. આમાંની મોટાભાગની આયાત ક્રૂડ ઓઇલની હોવાથી, આ રશિયન તેલની ખરીદીમાં 30 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે.
જીટીઆરઆઈના વડાના જણાવ્યા અનુસાર, ભારતીય રિફાઇનર્સ રોઝનેફ્ટ અને લુકોઇલ જેવી કંપનીઓને નિશાન બનાવતા અમેરિકન પ્રતિબંધોનું પાલન કરી રહ્યા છે. આ કંપનીઓ રશિયાના 57 ટકા તેલનું ઉત્પાદન કરે છે. આ કંપનીઓ પાસેથી ખરીદીમાં તીવ્ર ઘટાડો થયો છે. હવે માત્ર રશિયન કંપનીઓ પાસેથી જ આયાત ચાલુ રહી છે જેમને પ્રતિબંધોની યાદીમાં સામેલ કરવામાં આવી નથી, જે દર્શાવે છે કે ભારત અમેરિકાની અપેક્ષાઓ અનુસાર કામ કરી રહ્યું છે.
ભારત રશિયા સંબંધો પર ખાસ ફેરફાર નહીં થાય
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર રાજન કુમારનું માનવું છે કે અમેરિકાના દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં ખાસ ફેરફાર નહીં થાય.
પ્રોફેસર રાજન કુમાર કહે છે, “ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં વેપાર એક મહત્વપૂર્ણ પાસું ન હતું. યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાનું શરૂ કર્યું હોવા છતાં બંને વચ્ચેના સંબંધો પરસ્પર વેપાર પર આધારિત નથી. ઓઇલની ખરીદીને કારણે બંને વચ્ચેનો વેપાર 67 અબજ ડોલર સુધી પહોંચી ગયો હશે, પરંતુ તે પહેલા લગભગ 10 અબજ ડોલરનો વેપાર થયો હતો.
પ્રોફેસર રાજન કહે છે, “ભારત અને રશિયા વચ્ચેની મિત્રતામાં સંરક્ષણ કરારોએ વધુ મહત્વની ભૂમિકા ભજવી છે. ભલે ભારતે હવે અન્ય દેશો પાસેથી હથિયારો ખરીદવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ સમયની ભૌગોલિક રાજનીતિને જોતા રશિયા ભારતને જે શસ્ત્રો અને ટેક્નોલોજી આપશે, તે અન્ય દેશો આપશે નહીં.
અમેરિકના રાષ્ટ્રપતિનું વલણ બહુ જ અનિશ્ચિત
હથિયારો અને આધુનિક સૈન્ય ટેકનોલોજીની દ્રષ્ટિએ ભારતની 60 થી 70 ટકા નિર્ભરતા હજુ પણ રશિયા પર છે. “અત્યારે વિશ્વમાં ટ્રેડ વોર ચાલી રહ્યા છે,” તેઓ કહે છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિનું વલણ એકદમ અનિશ્ચિત છે. તેથી ભારત અમેરિકા સાથેના પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે ટ્રમ્પ પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકતું નથી.





