Walkie-Talkies Explode In Lebanon: લેબનાનમાં પેજરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. દક્ષિણ લેબેનોન અને બૈરુતમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા વોકી-ટોકીમાં વિસ્ફોટ થયો છે. જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના દેશભરમાં પેજર બ્લાસ્ટમાં એક ડઝન લોકોના મોત થયાના એક દિવસ બાદ બની છે.
રોયટર્સના રિપોર્ટ અનુસાર એક બ્લાસ્ટ ત્યાં પણ થયો છે જ્યાં હિઝબુલ્લાહ દ્વારા પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોની અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી. હિઝબુલ્લાહે બુધવારે કહ્યું હતું કે તેણે તેના કટ્ટર દુશ્મન ઇઝરાઇલી તોપખાનાના મથકો પર રોકેટ છોડ્યા છે. પેજર વિસ્ફોટોમાં લેબેનોનમાં હજારો સભ્યો ઘાયલ થયા છે અને મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધની આશંકા ઉભી થઈ છે.
પાંચ મહિના પહેલા ખરીદી હતી વોકી-ટોકી
રોઇટર્સે એક સુરક્ષા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે હાથમાં પકડવામાં આવતો રેડિયો અથવા વોકી-ટોકી લગભગ પાંચ મહિના પહેલા હિઝબુલ્લાહે ખરીદી હતી અને તે જ સમયે પેજર પણ ખરીદવામાં આવ્યા હતા. વોકી ટોકી ફાટતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને રાજધાની અને બેકા ઘાટી બાલબેકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બેકાના અલી અલ-નહરી ગામમાં રસ્તા પર વોકી ટોકી ફાટવાથી બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો – શું પેજરની જેમ મોબાઈલ ફોન દ્વારા પણ થઇ શકે બ્લાસ્ટ? ભારત માટે કેટલો મોટો ખતરો
પેજર સાથે છેડછાડનો આરોપ
મંગળવારના વિસ્ફોટોને સંગઠનના ઇતિહાસમાં સૌથી મોટો ચુક ગણાવવામાં આવી છે. જેમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને લગભગ 3000 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં હિઝબુલ્લાહ ઘણા લડવૈયાઓ અને ઇરાનના રાજદૂત પણ સામેલ છે. લેબનીઝના અધિકારીઓએ દાવો કર્યો છે કે ઇઝરાયેલે દેશમાં આયાત કરેલા પેજર સાથે છેડછાડ કરી છે.
પેજર બનાવનાર કંપનીએ કહ્યું છે કે ડિવાઇસ પર તેની બ્રાન્ડ હતી પણ તેને બુડાપેસ્ટ સ્થિત એક કંપનીએ બનાવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દરેક પેજરમાં બેટરીની બાજુમાં લગભગ 1થી 2 ઔંસ વિસ્ફોટક સામગ્રી લગાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક સ્વીચ પણ લગાવવામાં આવી હતી. દૂરથી વિસ્ફોટ કરવા માટે તેને ચાલુ કરી શકાતી હતી.