Waqf Property In India: વકફ સુધારા બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે, હાલ તેના પર ચર્ચા ચાલી રહી છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉપલા ગૃહમાં પણ સરકાર પાસે યોગ્ય નંબર છે અને તેમાં પણ પાસ થઇ જાય તેવી સંભાવના છે. આમ જોવા જઈએ તો આ સમયે ચર્ચા એ પણ ચાલી રહી છે કે વકફ પાસે દેશમાં કેટલી સંપત્તિ છે, કયા આધારે કહેવાય છે કે વકફ પાસે રેલવે બાદ સૌથી વધુ જમીન છે.
હાલમાં વકફ બોર્ડની જમીન 9.4 લાખ એકરમાં ફેલાયેલી છે, અહીં પણ તે 8.7 લાખ સંપત્તિઓ પર કંટ્રોલ કરે છે. જો તેની કિંમતની ગણતરી કરવામાં આવે તો આ આંકડો 1.2 લાખ કરોડથી વધુ થઈ જાય છે. મોટી વાત એ છે કે ભારત પાસે વિશ્વની સૌથી વધુ વકફ હોલ્ડિંગ છે, એવું પણ કહેવામાં આવે છે કે સશસ્ત્ર દળો અને ભારતીય રેલવે પછી વકફ પાસે સૌથી વધારે જમીન છે.
દેશમાં 8.7 લાખ બોર્ડની મિલકતોમાંથી 356051 વકફ એસ્ટેટ તરીકે રજિસ્ટર્ડ
વકફ બોર્ડ વિશે કેટલાક પ્રશ્નો ઉભા થાય છે તે મુખ્યત્વે એટલા માટે છે કે તેની પાસે જેટલી જમીન તેનાથી તેટલી આવક ઉભી થઇ રહી નથી. હાલ દેશમાં 8.7 લાખ બોર્ડની મિલકતોમાંથી 356051 વકફ એસ્ટેટ તરીકે રજિસ્ટર્ડ છે. સચ્ચર સમિતિએ 2006માં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો વકફની મિલકતોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઓછામાં ઓછી 12,000 કરોડની આવક થઈ શકે છે.
આ પણ વાંચો – વકફ બિલ પર સંસદમાં અમિત શાહે કહ્યું – ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે
હાલમાં ભારતમાં વકફની સૌથી વધારે સંપત્તિ ઉત્તર પ્રદેશમાં છે, જ્યાં કુલ સંપત્તિનો 27 ટકા હિસ્સો છે. પંજાબ અને બંગાળમાં પણ 9 ટકા વકફની જમીન છે. તામિલનાડુમાં આ આંકડો 8 ટકા છે. કેરળ, તેલંગાણા અને ગુજરાતમાં વક્ફ પાસે 5 ટકા જમીન છે. કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં કુલ અચલ સંપત્તિનો હિસ્સો 7 ટકા છે.
વકફ બિલ શું છે?
વકફ (સુધારા) બિલ 2024 વકફ એક્ટ 1995માં સુધારો કરવા માટેનું બિલ છે. કેન્દ્ર સરકાર આ ખરડાને વકફની મિલકતોનું મેનજમેન્ટ, પારદર્શિતા અને દુરુપયોગ રોકવા માટેના નિયમોને કડક બનાવવાના હેતુથી લાગુ કરવા માગે છે.
આ બિલ પછી શું બદલાશે?
વકફ બોર્ડમાં બિનમુસ્લિમ અને મહિલા સભ્યોનો સમાવેશ કરવો, કલેક્ટરને મિલકતનો સર્વે કરવાનો અધિકાર આપવા અને વકફ ટ્રિબ્યુનલના નિર્ણયોને હાઇકોર્ટમાં પડકારવાનો સમાવેશ થાય છે. જો આ ખરડો પસાર થઈ જશે તો વકફ બોર્ડ હવે કોઈ પણ મિલકતને ‘વકફ મિલકત’ તરીકે બળજબરીથી જાહેર કરી શકશે નહીં.
જવાહરલાલ નહેરુ સરકારે 1954માં વકફ એક્ટ પસાર કર્યો હતો. આ સાથે જ 1995માં વકફ એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો, જે બાદ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ બોર્ડની રચના કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદામાં વકફની સંપત્તિના દાવાથી માંડીને તેની જાળવણી સુધીની જોગવાઈઓ છે.