Waqf Board Act : કલમ 370, રામ મંદિર અને હવે વક્ફ બોર્ડ… શું મોદી સરકાર આજે ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે?

Waqf Board Act Amendment : વકફ બોર્ડની સત્તા અને અધિકારો પર અંકુશ લગાવવા માટે મોદી સરકાર સુધારા બિલ લાવી શકે છે. આનાથી મહિલાઓને બરાબરીનો અધિકાર મળશે, સાથે વકફની જમીન સંપત્તિ મામલે મનમાની પર અંકુશ લાગી શકે છે.

Written by Kiran Mehta
August 05, 2024 12:12 IST
Waqf Board Act : કલમ 370, રામ મંદિર અને હવે વક્ફ બોર્ડ… શું મોદી સરકાર આજે ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે?
વકફ બોર્ડ એક્ટ માં સુધારા બીલ રજૂ થઈ શકે છે

Waqf Board Amendment Bill : મોદી સરકાર દ્વારા અત્યાર સુધી અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ તમામની તારીખ 5 મી ઓગસ્ટની આસપાસ રહી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની વાત હોય કે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન. હવે ફરી એકવાર મોદી સરકાર આજે એટલે કે 5 ઓગસ્ટે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એટલે કે વક્ફ બોર્ડની સત્તા અને અધિકારો પર અંકુશ લગાવવો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર બિલ દ્વારા નવા ફેરફારો દ્વારા મહિલાઓની ભાગીદારી વધારશે. કેન્દ્ર સરકાર મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવાના પક્ષમાં છે. દરેક બોર્ડ અને કાઉન્સિલમાં બે મહિલા સભ્યપદ હશે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વર્તમાન વકફ કાયદામાં લગભગ 40 સુધારા કરવાની તૈયારી કરી રહી છે. સરકાર આ સત્રમાં આ અંગે નવું બિલ લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. નવા બિલમાં આના પર પ્રતિબંધ લગાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે (2 ઓગસ્ટ)ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં પણ આ બિલને મંજૂરી આપવામાં આવી છે. પ્રસ્તાવિત બિલમાં વર્તમાન કાયદાની કેટલીક કલમો પણ દૂર કરી શકાય છે. સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

નવા બિલની વકફ બોર્ડ પર શું અસર પડશે?

રેલવે અને સશસ્ત્ર દળો પછી વક્ફ બોર્ડ દેશની સૌથી વધુ જમીન ધરાવતું સંગઠન છે. સુધારા પછી, કોઈપણ જમીનનો દાવો કરતા પહેલા તેની ચકાસણી કરવી પડશે. આનાથી બોર્ડની જવાબદારીમાં વધારો થશે અને બોર્ડની મનમાની અટકાવવામાં આવશે. બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ અને શિયા અને વોહરા જેવા જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે.

વક્ફ બોર્ડના કેટલાક નિર્ણયો વિવાદોમાં છે

વકફ બોર્ડ સંબંધિત નવા બિલ પાછળ સપ્ટેમ્બર 2022ના કેસની દલીલ કરવામાં આવી રહી છે. જેમાં તમિલનાડુ વક્ફ બોર્ડે તિરુચેન્દુર ગામને પોતાની સંપત્તિ જાહેર કર્યું હતું, જ્યારે આ ગામની મોટાભાગની વસ્તી હિન્દુ છે.

ગયા વર્ષે મે મહિનામાં, દિલ્હી હાઈકોર્ટે, તેના એક આદેશમાં, 123 મિલકતોના નિરીક્ષણની મંજૂરી આપી હતી, જેના પર દિલ્હી વક્ફ બોર્ડ તેના કબજાનો દાવો કરી રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે પણ આ મિલકતોને નોટિસ પાઠવી હતી.

મોદી સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે 2.0 એ રાજ્ય વકફ બોર્ડની ચોક્કસ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવાની સત્તા અને તેમના મુતવલ્લીઓની નિમણૂક કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

વકફ બોર્ડની મિલકત વધુને વધુ મોટી થતી જાય છે

સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ દ્વારા વકફ એક્ટમાં કરાયેલા સુધારા બાદ વકફ બોર્ડ પર લાંબા સમયથી જમીન માફિયાની જેમ કામ કરવાનો, અંગત જમીન, સરકારી જમીન, મંદિરની જમીન અને ગુરુદ્વારા સહિત વિવિધ પ્રકારની મિલકતો જપ્ત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં વક્ફની સમગ્ર ભારતમાં લગભગ 52,000 મિલકતો હતી. 2009 સુધીમાં આ સંખ્યા 4,00,000 એકર જમીનને આવરી લેતી 3,00,000 નોંધાયેલ મિલકતો પર પહોંચી ગઈ હતી.

આજે, નોંધાયેલ વકફ મિલકતોની સંખ્યા 8,72,292 થી વધુ થઈ ગઈ છે, જે 8,00,000 એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ માત્ર 13 વર્ષમાં વકફની જમીનનું નાટકીય રીતે બમણું થવાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂત્રોનું કહેવું છે કે, વકફ એક્ટ, 1923 અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ સૌપ્રથમ મદ્રાસ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ 1925 રજૂ કર્યો હતો. જેનો મોટાભાગે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આમ, તેને ફક્ત હિંદુઓને જ લાગુ પાડીને તેને બાકાત રાખવા માટે ફરીથી તૈયાર કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને મદ્રાસ હિંદુ ધાર્મિક અને એન્ડોમેન્ટ એક્ટ 1927 રાખવામાં આવ્યું.

વકફ કાયદો 1954 માં પહેલીવાર સંસદમાં પસાર થયો હતો

વકફ એક્ટ પ્રથમ વખત 1954 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તે પછીથી રદ કરવામાં આવ્યો અને 1995 માં નવો વકફ કાયદો પસાર કરવામાં આવ્યો, જેણે વક્ફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ પ્રદાન કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે, 2013 માં વકફ બોર્ડને કોઈની પણ મિલકત છીનવી લેવા માટે અમર્યાદિત સત્તા આપવા માટે કાયદામાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો, જેને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાય નહીં.

વકફને એટલી સત્તા આપવામાં આવી કે, કોર્ટમાં પણ તેને પડકારી ન શકાય

સરળ શબ્દોમાં કહીએ તો, વક્ફ બોર્ડને મુસ્લિમ દાનની આડમાં મિલકતોનો દાવો કરવાની વિશાળ સત્તા આપવામાં આવી હતી. જાણકાર સૂત્રોએ IANS ને જણાવ્યું, આનો અસરકારક અર્થ એ છે કે, ધાર્મિક સંસ્થાને લગભગ અનચેક અને અમર્યાદિત સત્તા આપવામાં આવી છે, જેનાથી વાદીને ન્યાયિક આશ્રય મેળવવાથી અટકાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, લોકતાંત્રિક ભારતમાં અન્ય કોઈ ધાર્મિક સંસ્થા પાસે આટલી સત્તા નથી.

વકફ બોર્ડને લાગે કે આ જગ્યા મુસ્લીમની એટલે તે સંપત્તિ વકફની થઈ જાય, કોઈ પૂરાવા પણ આપવાની જરૂર નહી

માહિતી અનુસાર, વકફ એક્ટ, 1995 ની કલમ 3 જણાવે છે કે, જો વકફને લાગે છે કે જમીન મુસ્લિમની છે, તો તે વકફની સંપત્તિ છે. વક્ફ બોર્ડે કોઈ પુરાવા આપવા જરૂરી નથી કે તે શા માટે માને છે કે, જમીન તેની માલિકી હેઠળ આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસ્લિમ કાયદાઓનું પાલન કરનારા દેશોમાં પણ કોઈ વકફ સંસ્થા નથી અને ન તો કોઈ ધાર્મિક સંસ્થા પાસે આવી અમર્યાદિત શક્તિઓ છે. એવું પણ નોંધવામાં આવ્યું છે કે, વક્ફ બોડીએ ભાગલા વખતે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા હિંદુઓને કોઈ જમીન પાછી આપી નથી.

ઓવૈસીએ કહ્યું – ભાજપ હંમેશા વક્ફ બોર્ડની વિરુદ્ધ છે

અસદુદ્દીન ઓવૈસીએ વકફ એક્ટમાં સુધારા અંગેની અટકળો સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, સૌથી પહેલા જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર સંસદની સર્વોપરિતા અને વિશેષાધિકારો વિરુદ્ધ કામ કરી રહી છે અને સંસદને તેની માહિતી આપવાને બદલે મીડિયાને આપી રહી છે.

ઓવૈસીએ કહ્યું કે, વકફ એક્ટમાં સુધારાને લઈને મીડિયામાં જે પણ કહેવામાં આવી રહ્યું છે તે દર્શાવે છે કે, મોદી સરકાર વકફ બોર્ડની સ્વાયત્તતા છીનવી લેવા માંગે છે અને તેમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. આ ધર્મની સ્વતંત્રતા વિરુદ્ધ છે.

તેમણે વધુમાં કહ્યું કે, બીજેપી હંમેશા આ બોર્ડ અને વકફ પ્રોપર્ટીની વિરુદ્ધ રહી છે. તેમની પાસે હિંદુત્વનો એજન્ડા છે. હવે જો તમે વકફ બોર્ડની સ્થાપના અને માળખામાં ફેરફાર કરવા માંગતા હોવ તો તેનાથી વહીવટી સ્તરે અરાજકતા સર્જાશે, વકફ બોર્ડની સ્વાયત્તતા ખતમ થઈ જશે અને જો સરકાર વકફ બોર્ડ પર પોતાનો અંકુશ વધારશે તો સ્વતંત્રતા વક્ફને અસર થશે.

આ પણ વાંચો – હરિયાણા MSP : લોકસભા ચૂંટણીમાં ખેડૂતોએ કર્યા હતા પરેશાન, વિધાનસભા ચૂંટણી પહેલા CM સૈનીની મોટી જાહેરાત

તેમણે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો કોઈ વિવાદિત સંપત્તિ હશે તો આ લોકો કહેશે કે તે વિવાદિત છે અને અમે તેનો સર્વે કરાવીશું. આ સર્વે ભાજપના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અને તમે પહેલાથી જ જાણો છો કે, તેના પરિણામો શું આવશે. આ દેશમાં ઘણી એવી દરગાહ છે, જેના પર ભાજપ-આરએસએસ દાવો કરે છે કે તે દરગાહ અને મઝારો નથી. આ નિર્ણય દ્વારા ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ