Wayanad Landslide Rescue : કેરળના વાયનાડમાં કુદરતે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જ્યાં મેપ્પાડી પાસ વિવિધ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 300 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 219 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, જેની કમાન હવે સીધી ભારતીય સેનાના હાથમાં છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં સેનાએ 190 ફૂટ લાંબો બૈલી પુલ બનાવી દીધ હતો, જે વાયનાડના મુંડક્કઈ અને ચુરલમાલાના લેન્ડસ્લાઇડથી પ્રભાવિત વિસ્તારોને જોડે છે.
આ પુલનું નિર્માણ કાર્ય બુધવારે રાત્રે 9.30 વાગ્યે શરૂ થયું હતું અને ગુરુવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં પૂર્ણ થયું હતું. કર્ણાટક અને કેરળ જીઓસી મેજર જનરલ વી.ટી.મેથ્યુએ તૈયાર થયેલા આ પુલની ઉપર લગભગ 24 ટન વજનની ટ્રક અને આર્મી એમ્બ્યુલન્સને પસાર કરી હતી. પુલને ક્ષમતાને તેના કરતા પણ વધારે ગણાવી હતી.
ભૂસ્ખલનમાં 100 ફૂટનો કોંક્રિટ પુલ તૂટી ગયો
જાણકારી અનુસાર સેનાએ ભૂસ્ખલનના કારણે 100 ફૂટનો કોંક્રિટ પુલ જે જગ્યાએ ધરાશાયી થયો હતો ત્યાં આ 190 ફૂટનો બૈલી પુલ બનાવ્યો છે. તે નદીની મધ્યમાં ઘાટ સાથે બનાવવામાં આવ્યો છે. બાંધકામ માટેના પાર્ટ્સ દિલ્હી અને બેંગલુરુથી વિમાન દ્વારા કેરળના કન્નુર સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 17 ટ્રકોમાં સ્થળ પર લાવવામાં આવ્યા હતા.
મેજર જનરલ મેથ્યુએ કહ્યું કે પુલથી લોકો અને સામગ્રીનું પરિવહન ખૂબ જ સરળ બન્યું છે. તેમણે કહ્યું હતું કે વધુને વધુ ગુમ થયેલા લોકો મળવાની અપેક્ષા છે. અમે દરેક જગ્યાએ શોધી રહ્યા છીએ. કેટલાક લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. એવા લોકો પણ હશે કે જેઓ મદદ માટે સંપર્ક કરી શક્યા નહીં હોય. દુર્ભાગ્યથી અમે મૃતદેહોની પણ શોધ કરી રહ્યા છીએ.
લાકડાનો પુલ તૂટી ગયો હતો
આ દુર્ઘટના બાદ બચાવ ટુકડીઓએ લોકોની મદદ માટે કેટલાક કામચલાઉ લાકડાના પુલ બનાવ્યા હતા. જોકે બુધવારે ભારે વરસાદને કારણે આ અસ્થાયી પુલ તૂટી ગયા હતા. ત્યારબાદ સેનાએ 24 કલાકથી પણ ઓછા સમયમાં કાયમી ધોરણે મજબૂત પુલ બનાવ્યો હતો.
ચોથા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
અધિકારીઓનું કહેવું છે કે 190 ફૂટના આ પુલના નિર્માણ બાદ બચાવ કામગીરીએ વધુ વેગ પકડ્યો છે. આ બ્રિજની મદદથી ખોદકામ કરનાર ભારે મશીનો અને એમ્બ્યુલન્સ મંડક્કઇ અને ચુરામાલા સુધી પહોંચી શકશે. શુક્રવારે ભૂસ્ખલનના ચોથા દિવસે પણ બચાવ કર્મચારીઓની 40 ટીમોએ વરસાદ વચ્ચે પણ બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું.