Delimitation : સીમાંકન મામલે દક્ષિણના રાજ્યો ચિંતિત કેમ છે? સમજો રાજકીય સમીકરણ!

Delimitation news updates: નવા સીમાંકન મામલે દક્ષણિના રાજ્યો ચિંતિત કેમ છે? તમિલનાડુ, કેરલ સહિતના દક્ષિણના રાજ્યો સીમાંકન મામલે વિરોધ કેમ વ્યક્ત કરી રહ્યા છે! રાજકીય નેતાઓને બેઠકો ઘટી જવાની અને અસ્તિત્વ ખતરામાં હોવાની લાગણી કેમ અનુભવાઇ રહી છે? અહીં સમજો સમગ્ર મામલો સરળ શબ્દોમાં

Written by Haresh Suthar
February 28, 2025 18:57 IST
Delimitation : સીમાંકન મામલે દક્ષિણના રાજ્યો ચિંતિત કેમ છે? સમજો રાજકીય સમીકરણ!
Delimitation News: દક્ષિણના રાજ્યો સીમાંકન મુદ્દે કેમ ગભરાય છે?

Delimitation Explained News: નવા સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. સીમાંકન થવાથી લોકસભામાં દક્ષિણ રાજ્યોનું અસ્તિત્વ ઘટી જવાની રાવ સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમાંકન પછી દક્ષિણના રાજ્યો એક પણ બેઠક ગુમાવશે નહીં એવી ખાતરી આપી હતી. જોકે નવીનતમ વસ્તી ડેટાના આધારે સીમાંકન કરવામાં આવે તો સંસદમાં પ્રતિનિધિત્વ ગુમાવવા અંગે તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. આવો અહીં સમજીએ કે દક્ષિણના રાજ્યો સીમાંકનથી કેમ ગભરાય છે?

દક્ષિણમાં મહત્વના એવા તમિલનાડુ અને કેરલ રાજ્યમાં ઉત્તરના અન્ય રાજ્યોની સરખામણીએ વસ્તી વૃધ્ધિ દર ઓછો છે. આર્થિક સહિત અન્ય ઘણા કારણો આ પાછળ કારણભૂત હોઇ શકે છે. પરંતુ જો તાજેતરના વસ્તીના ડેટાને આધારે સીમાંકન કરવામાં આવે તો ઉત્તરીય રાજ્યોને દક્ષણિ રાજ્યોની તુલનામાં સંસદમાં ઘણી વધુ બેઠકો મળવાની સંભાવના છે.

સીમાંકન શા માટે?

સીમાંકન એ એક બંધારણીય આદેશ છે, જે દરેક વસ્તી ગણતરી પછી સંસદમાં બેઠકોની સંખ્યા અને મતવિસ્તારની સીમાઓને તાજેતરના વસ્તી ડેટાના આધારે ફરીથી ગોઠવવા માટે કરવામાં આવે છે. આમ કરવા પાછળનો હેતું દરેક મતવિસ્તારમાં લગભગ સમાન સંખ્યામાં મતદારો રહે એ માટેનો છે.

1976 સુધી દેશમાં દરેક વસ્તી ગણતરી પછી લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓની બેઠકોનું સમગ્ર દેશમાં પુનઃવિતરણ કરવામાં આવ્યું હતું. 1951, 1961 અને 1971 ની વસ્તી ગણતરીના આધારે ત્રણ વખત સીમાંકન કરાયું હતું.

Delimitation Population wise seat ratio - સીમાંકન સમીકરણ વસતી ગણતરી આધારે બેઠકોની સંખ્યા

કટોકટી દરમિયાન પસાર થયેલા બંધારણના 42મા સુધારાએ 2001 ની વસ્તી ગણતરી સુધી સંસદીય અને રાજ્ય વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા સ્થિર કરી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય તેવા રાજ્યો સંસદમાં પ્રતિનિધિત્વ ગુમાવ્યા વિના કુટુંબ નિયોજનના પગલાં અમલમાં મૂકી શકાય.

2001 માં મતવિસ્તારોની સીમાઓ બદલવામાં આવી હતી. પરંતુ લોકસભામાં દરેક રાજ્યની બેઠકોની સંખ્યા, તેમજ રાજ્યોની વિધાનસભાઓની સંખ્યા સમાન રાખવામાં આવી હી. આ મુખ્યત્વે દક્ષિણ રાજ્યોના વિરોધને કારણે હતું.

દક્ષિણના રાજ્યો સીમાંકનથી કેમ ગભરાય છે?

ભારતના દ્વીપકલ્પીય રાજ્યો માને છે કે તાજેતરના વસ્તી ડેટાના આધારે સીમાંકન સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટાડશે, અને આમ તેમનું રાજકીય વજન ઓછું થઇ જશે.

સપ્ટેમ્બર 2023 માં, મહિલા અનામત બિલ પર સંસદમાં ચર્ચા દરમિયાન – જેનો અમલ સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. ડીએમકે નેતા કનિમોઝીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનું એક નિવેદન વાંચ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો સીમાંકન વસ્તી ગણતરી પર થશે તો તે દક્ષિણ ભારતીય રાજ્યોના પ્રતિનિધિત્વને વંચિત અને ઘટાડશે. તમિલનાડુના લોકોના મનમાં ડર છે કે અમારો અવાજ દબાઇ જશે.

Delimitation based on projected 2025 population | વસ્તી ગણતરી 2025 આધારે સંભવિત સીમાંકન બેઠક સંખ્યા

કનિમોઝીને ટેકો આપતા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે, ડેટા અનુસાર, કેરળમાં બેઠકોની સંખ્યામાં 0% નો વધારો થશે, તમિલનાડુમાં ફક્ત 26% નો વધારો થશે, પરંતુ એમપી અને યુપી બંને માટે 79% નો જંગી વધારો થશે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેમના રાજ્યમાં વૃદ્ધોની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કાયદો બનાવવાનું વિચારી રહી છે. થોડા દિવસો પછી, સ્ટાલિને, વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થવાને કારણે સંસદમાં દક્ષિણ ભારતના બેઠકોના હિસ્સામાં સંભવિત ઘટાડાનો ઉલ્લેખ કરતા મજાકમાં કહ્યું: “16 બાળકોનું લક્ષ્ય કેમ ન રાખવું?”

નોંધનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં, સંઘ પરિવારે પણ જણાવ્યું હતું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં જન્મ દર ઓછો હોવાથી આ પ્રદેશોને “ગેરલાભ” થયો છે. RSS-સંલગ્ન મેગેઝિન ધ ઓર્ગેનાઇઝરે એક સંપાદકીયમાં કહ્યું હતું કે: “પ્રાદેશિક અસંતુલન એ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જે ભવિષ્યમાં સંસદીય મતવિસ્તારોની સીમાંકન પ્રક્રિયાને અસર કરશે. પશ્ચિમ અને દક્ષિણના રાજ્યો વસ્તી નિયંત્રણના પગલાં અંગે પ્રમાણમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેથી, જો વસ્તી ગણતરી પછી મૂળ વસ્તીમાં ફેરફાર કરવામાં આવે તો સંસદમાં થોડી બેઠકો ગુમાવવાનો ડર છે.”

ડેટા શું કહે છે?

સીમાંકન પછી દરેક રાજ્યને કેટલી બેઠકો મળશે તે સીમાંકન કમિશનની રચના સમયે, સરેરાશ વસ્તી કેટલી હશે તેના પર નિર્ભર રહેશે.

ઉદાહરણ તરીકે, 1977 ની લોકસભામાં, ભારતમાં દરેક સાંસદ સરેરાશ 10-11 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હતા. જ્યારે દરેક મત વિસ્તારમાં સમાન વસ્તી હોવી અશક્ય છે, ત્યારે દરેક મતવિસ્તારમાં વસ્તી આ સરેરાશની આસપાસ ગોઠવવામાં આવે તે ઇચ્છનીય છે.

Electoral performance of top 2 parties in past 5 elections in the states | રાજ્યોની છેલ્લી 5 ચૂંટણીમાં મુખ્ય 2 રાજકીય પક્ષોનો દેખાવ

જોકે, આ બેઝ એવરેજ શું હોવી જોઈએ તેના પર કોઈ મર્યાદા નથી. જો 10-11 લાખ સરેરાશ જાળવી રાખવામાં આવે તો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 2025 માટેના વસ્તી અંદાજના આધારે લોકસભામાં બેઠક સંખ્યા લગભગ 1400 સુધી પહોંચી જશે.

આનો અર્થ એ પણ થશે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની બેઠકોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધીને 85 થી 250 થઈ જશે. બિહાર (ઝારખંડ સહિત) માટે ટકાવારીમાં વધારો વધુ હશે, જ્યાં તેની બેઠકો 25 થી વધીને 82 થશે. પરંતુ તમિલનાડુનો હિસ્સો 39 થી વધીને ફક્ત 76 થશે જ્યારે કેરળનો હિસ્સો 20 થી વધીને 36 થશે – જે હાલમાં રાજ્યોના સંબંધિત હિસ્સા કરતા બમણાથી પણ ઓછો છે.

નવી સંસદમાં ફક્ત 888 બેઠકો હોવાથી, આ ફોર્મ્યુલા જાળવી રાખવાની શક્યતા ઓછી છે. જો દરેક મતવિસ્તારની વસ્તી 20 લાખ રાખવામાં આવે તો સંસદમાં 707 બેઠકો હશે, જે હાલમાં 543 છે.

દક્ષિણના રાજ્યો હજુ પણ નોંધપાત્ર નુકસાનમાં રહેશે. તમિલનાડુને ન તો બેઠકો મળશે કે ન તો ગુમાવશે, જ્યારે કેરળ બે ગુમાવશે. પરંતુ યુપી (ઉત્તરાખંડ સહિત) પાસે હવે 126 બેઠકો થાય. જ્યારે બિહાર (ઝારખંડ સહિત) પાસે 85 બેઠકો હશે.

જો પ્રતિ મતવિસ્તારની સરેરાશ વસ્તી 15 લાખ હિસાબે રાખવામાં આવે તો લોકસભામાં બેઠક સંખ્યા 942 થાય. તો પણ તમિલનાડુ અને કેરળમાં તેમની સંખ્યા અનુક્રમે 52 અને 24 સુધી સાધારણ વધી શકે જ્યારે યુપી અને બિહારની સંખ્યા અનુક્રમે 168 અને 114 બેઠકો સુધી વધશે.

ચૂંટણીઓ પર કેવી અસર પડશે?

દક્ષિણના પ્રાદેશિક પક્ષોને લાગે છે કે વસ્તીના આધારે સીમાંકન કરવાથી ચૂંટણીઓ ઉત્તરમાં આધાર ધરાવતા ભાજપ જેવા પક્ષોની તરફેણમાં થઈ શકે છે. કોંગ્રેસ પણ આ ચિંતામાં સહભાગી છે.

1980 ના દાયકાના અંતમાં અને 1990 ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર ચળવળના પગલે ભાજપના ઉદય અને મંડળ ચળવળ પછી સામાજિક ન્યાય પક્ષોના આગમન પછી, કોંગ્રેસ હિન્દી હાર્ટલેન્ડમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. યુપી (ઉત્તરાખંડ સહિત) માં 51 બેઠકો અને બિહાર (ઝારખંડ સહિત) માં 30 બેઠકો જીત્યા પછી, તેની સંખ્યા બંને ભૂતપૂર્વ રાજ્યોમાં અનુક્રમે માત્ર 6 અને 5 થઈ ગઈ.

આ એવા સમયે છે જ્યારે પાર્ટી પાસે સંસદમાં 99 બેઠકો છે. કોંગ્રેસે કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા અને તમિલનાડુમાં કુલ 53 બેઠકો જીતી છે. હકીકતમાં, 2024 ની ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોક દ્વારા જીતવામાં આવેલી 232 બેઠકોમાંથી, 100 થી થોડી વધુ બેઠકો વધુ વસ્તી ધરાવતા ઉત્તરીય રાજ્યોમાંથી આવી હતી.

2019 માં કોંગ્રેસે જીતેલી ૫૨ બેઠકોમાંથી 15 કેરળમાંથી અને આઠ તમિલનાડુમાંથી આવી હતી. 2004 માં પણ, જ્યારે તેણે 145 બેઠકો જીતી હતી, ત્યારે તેની મોટાભાગની જીત દક્ષિણ ભારતમાંથી મળી હતી, જેમાં 29 આંધ્રપ્રદેશ (તેલંગાણા સહિત)માંથી મળી હતી. 2009 માં, જ્યારે તેણે ફરીથી જીત મેળવી, ત્યારે આંધ્રને 33 બેઠકો પરત મળી.

સીમાંકન મામલે તમારું શું માનવું છે. નીચેના કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આપો!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ