ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA ના નવા ચીફ? રામ મંદિરથી છે ખાસ કનેક્શન

Who is Kash Patel: કાશ પટેલને ટ્રમ્પની ખૂબ જ નજીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની સત્તામાં વાપસી કાશ પટેલ માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે

Who is Kash Patel: કાશ પટેલને ટ્રમ્પની ખૂબ જ નજીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની સત્તામાં વાપસી કાશ પટેલ માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Kash Patel, Who Is kash patel

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળના કાશ પટેલને દેશની સૌથી મોટી ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડાના પદ પર નિયુક્ત કરી શકે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Kash Patel Next CIA Chief : અમેરિકી પ્રશાસનમાં ભારતીયો કે ભારતીય મૂળના લોકો હંમેશા ઉચ્ચ પદ પર જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક રાષ્ટ્રપતિઓએ ભારતીય મૂળના લોકોને તેમના વહીવટમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કર્યા છે. આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળના કાશ પટેલને દેશની સૌથી મોટી ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડાના પદ પર નિયુક્ત કરી શકે છે.

Advertisment

કાશ પટેલને ટ્રમ્પની ખૂબ જ નજીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની સત્તામાં વાપસી કાશ પટેલ માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલ કાશને આ પદ માટે ટોચના દાવેદાર માનવામાં આવે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ચૂંટણી જીતતા પહેલા જ નક્કી કરી લીધું હતું કે જો તેઓ જીતશે તો કાશ પટેલને પોતાની નવી સરકારમાં આ પદની જવાબદારી સોંપશે.

70 ના દાયકામાં તેમના માતા-પિતા યુગાન્ડાથી અમેરિકા સ્થળાંતર થયા

કાશ પટેલ એક ભારતીય-અમેરિકન વકીલ અને સરકારી અધિકારી છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના માનવામાં આવે છે અને તેમના વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમનું પૂરું નામ કશ્યપ કાશ પટેલ છે. તેમનો જન્મ 1980માં ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતી ભારતીય છે જેઓ પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાથી કેનેડા થઈને અમેરિકા આવ્યા હતા.

1970ના દાયકામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમના માતાપિતાએ યુગાન્ડા છોડીને અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમના પિતાને 1988માં અમેરિકાની નાગરિકતા આપવામાં આવી હતી. તેમના પિતા એક એવિએશન કંપનીમાં ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે કામ કરતા હતા. પટેલે શાળાકીય શિક્ષણ લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું.

Advertisment

કાશ પટેલ 2002 માં યુનિવર્સિટી ઓફ રિચમન્ડમાંથી ક્રિમિનલ જસ્ટિસ અને ઇતિહાસની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ, તેમણે 2004માં યુનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર અને 2005માં પેસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. કાશે કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ જાહેર કાર્યવાહીમાં પ્રવેશ કર્યો હતો.

ગુપ્તચર વિભાગમાં આવ્યા બાદ કરિયરમાં મોટો ફેરફાર આવ્યો

કાશ પટેલે થોડા સમય માટે લો ફર્મમાં કામ કર્યું, પરંતુ બાદમાં તેમને સરકારી ક્ષેત્રમાં કામ કરવાની તક મળી. 2013માં તેઓ ન્યાય વિભાગમાં જોડાયા અને રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ બાદ તેમને ઇન્ટેલિજન્સ અંગેની સ્થાયી સમિતિના કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે તેમની કારકિર્દીમાં મોટો ફેરફાર દર્શાવે છે. આ સમય દરમિયાન તેઓ ટ્રમ્પના સમર્થક રિપબ્લિકન સભ્ય ડેવિન ન્યુનેસના નેતૃત્વમાં હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીમાં કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચો - રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ નવેમ્બરમાં આવે છે તો શપથ જાન્યુઆરીમાં કેમ? શું કહે છે અમેરિકાનું સંવિધાન

2016ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કાશ પટેલે રશિયાના હસ્તક્ષેપની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેઓ ટ્રમ્પની નજરમાં આવ્યા હતા અને તેમના ખૂબ નજીક આવી ગયા હતા. આ કમિટીમાં તેમણે રશિયાની દખલગીરી સાથે જોડાયેલો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેની ટ્રમ્પ પ્રશાસને ખૂબ પ્રશંસા કરી હતી. તે પછી 2019માં ટ્રમ્પે તેમને તેમની ટીમમાં ઉમેર્યા હતા જે વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન વિશે માહિતી એકત્રિત કરવા માટે યુક્રેન પર દબાણ કરી રહી હતી. આ કિસ્સાએ કાશને ટ્રમ્પના વિશ્વાસુ લોકોમાંનો એક બનાવ્યા હતા.

2020માં ટ્રમ્પે તેમને ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે આ પોસ્ટમાં તેમણે ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. અનેક અહેવાલો અનુસાર ટ્રમ્પની સત્તામાં વાપસીની સ્થિતિમાં કાશ પટેલને સીઆઈએના ચીફ બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ખુલ્લેઆમ રામ મંદિરના પક્ષમાં નિવેદનો આપ્યા હતા

ભારતીય મૂળના હોવાને કારણે કાશ પટેલ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં જ્યારે રામ મંદિરનો મુદ્દો આવ્યો ત્યારે તેમણે ખુલ્લેઆમ રામ મંદિરના પક્ષમાં નિવેદનો આપ્યા હતા. તેમણે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું સમર્થન કર્યું હતું અને વિદેશી મીડિયા પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. કાશ પટેલે ટીકા કરી હતી કે વિદેશી મીડિયા આ વિવાદને માત્ર 50 વર્ષ જૂનો ગણાવી રહ્યું છે, જ્યારે રામ મંદિરનો ઇતિહાસ 500 વર્ષ જૂનો છે. તેમણે કહ્યું કે વિદેશી મીડિયા સત્યને છુપાવીને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવી રહ્યું છે.

અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ કાશ પટેલ સીઆઈએ ચીફ બનવા માટે ટોચના ઉમેદવાર હશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં તેમની વફાદારી અને ઘણા કિસ્સાઓમાં તેમનો સતત ટેકો તેમને આ પદ માટે લાયક બનાવે છે. કાશ પટેલનો યુએસ ઇન્ટેલિજન્સનો અનુભવ, ટ્રમ્પ પ્રત્યેની તેમની વફાદારી અને ભારતીય ઓળખ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બનાવે છે.

કમલા હેરિસ યુએસ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા