રેખા ગુપ્તા કોણ છે, દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર, કેવી રીતે બન્યા ભાજપના ખાસ નેતા

Rekha Gupta CM of Delhi : રેખા ગુપ્તાની દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રેખા ગુપ્તાએ શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આમ આદમી પાર્ટીની વંદના કુમારીને 29,595 મતોના અંતરથી હરાવ્યા હતા

Written by Ashish Goyal
Updated : February 19, 2025 21:52 IST
રેખા ગુપ્તા કોણ છે, દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર, કેવી રીતે બન્યા ભાજપના ખાસ નેતા
rekha gupta : રેખા ગુપ્તાની દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી (તસવીર - બીજેપી દિલ્હી ટ્વિટર)

who is rekha gupta : રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપે આ જાહેરાત કરી છે. ભાજપે મુખ્યમંત્રીની પસંદગી માટે વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડની નિમણૂક કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી અને પાર્ટીનો 27 વર્ષનો વનવાસ ખતમ થયો હતો. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી હતી. કોંગ્રેસને એકપણ બેઠક મળી ન હતી.

રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય

રેખા ગુપ્તા પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આમ આદમી પાર્ટીની વંદના કુમારીને 29,595 મતોના અંતરથી હરાવ્યા હતા.

રેખા ગુપ્તા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સક્રિય સભ્ય છે. તેમણે આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1994-95માં તેઓ દૌલત રામ કોલેજના સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. 1995-96માં તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ના સેક્રેટરી બન્યા હતા. 1996-97માં તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રેસિડેન્ટ બન્યા હતા.

રેખા ગુપ્તા ભાજપમાં ઘણા હોદ્દા પર રહ્યા

2003થી 2004 સુધી તેમણે દિલ્હીમાં ભાજપ યુવા મોરચાના સચિવ તરીકે સેવા આપી હતી. 2004-2006માં તેઓ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા હતા. એપ્રિલ 2007માં તેઓ ઉત્તર પીતમપુરા વોર્ડમાંથી ભાજપની ટિકિટ પર કાઉન્સિલર બન્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર બન્યા બાદ તેમને 2007-2009 સુધી મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો –  દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની વરણી

માર્ચ 2010માં તેમને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. હાલ તેઓ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. રેખા ગુપ્તા શાલીમાર બાગ વોર્ડની કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.

રેખા ગુપ્તા 2015 અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી હારી ગયા હતા. 2015માં તેમને વંદના કુમારીએ લગભગ 11000 મતોથી હરાવ્યા હતા જ્યારે 2020માં તેમની હારનું માર્જિન 3440 મતોનું હતું. પરંતુ આ વખતે રેખા ગુપ્તાએ ચૂંટણીમાં વંદના કુમારીને ભારે અંતરથી હરાવ્યા છે.

રેખા ગુપ્તા મૂળ જીંદના રહેવાસી

રેખા ગુપ્તા મૂળ હરિયાણાના જીંદના રહેવાસી છે. તેમનું પૈતૃક ગામ નંદગઢ જીંદના જુલાણા વિસ્તારમાં છે. અહીં તેમના દાદા મણિરામ અને બાકીના પરિવાર રહેતા હતા. રેખાના પિતા જય ભગવાનને દિલ્હીમાં નોકરી મળી ગઈ એટલે તેમનો આખો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. રેખા ગુપ્તાનું સ્કૂલિંગથી લઈને ગ્રેજ્યુએશન દિલ્હીમાં થયું છે. રેખા ગુપ્તાના લગ્ન 1998માં મનીષ ગુપ્તા સાથે થયા હતા. મનીષ ગુપ્તા સ્પેરપાર્ટ્સના બિઝનેસમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ