who is sheikh hasina : બાંગ્લાદેશમાં 2 મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાએ સોમવારે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હિંસક માહોલના કારણે શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. તેઓ લશ્કરી વિમાન દ્વારા રવાના થયા હતા. શેખ હસીનાની બહેન રેહાના પણ તેમની સાથે દેશ છોડ્યો છે. તેઓ હાલ દિલ્હી પહોંચી રહ્યા છે.
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1947ના રોજ ભારતમાં આઝાદીના વર્ષ ઢાકામાં થયો હતો. તેઓ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના સૌથી મોટા પુત્રી છે. તેમણે સ્કૂલનો અભ્યાસ પૂર્વ બંગાળના તુંગીપાડીમાં કર્યો હતો. આ પછી તેમનો આખો પરિવાર ઢાકા શિફ્ટ થઇ ગયો હતો.
શેખ હસીનાને શરૂઆતથી જ રાજકારણમાં કોઈ રસ ન હતો. 1966માં તે ઈડન વુમન કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ તે સમય હતો જ્યારે રાજકારણમાં તેમનો રસ પડવા લાગ્યો હતો. તેઓ અહીં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડીને વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતા. એટલું જ નહીં બાદમાં તેમણે પિતાની પાર્ટી અવામી લીગની વિદ્યાર્થી પાંખની જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો હતો.
1975માં શેખ હસીનાના પરિવારમાં કરૂણાંતિકા
આવામી લીગનું કામ સંભાળ્યા બાદ 1975નું વર્ષ તેમના અને તેમના પરિવાર માટે ભૂકંપ સમાન હતું. સેનાએ બળવો કર્યો અને તેના પરિવાર સામે વિદ્રોહ કર્યો હતો. આ લડાઈમાં શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાન, તેમની માતા અને ત્રણ ભાઇઓની પણ હત્યા કરવામાં આવી હતી. તે સમયે શેખ હસીના, તેમના પતિ વાજિદ મિયાં અને નાની બહેનનો જીવ બચી ગયો હતો. આવું એટલા માટે થયું કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે તે યુરોપમાં હતા.
આ પણ વાંચો – શેખ હસીનાએ રાજીનામું આપ્યું, દેશ છોડ્યો, આર્મીએ કહ્યું – વચગાળાની સરકાર બનાવાશે
આ પછી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ તેમને ભારતમાં શરણ આપી હતી. તે તેમના બહેન સાથે દિલ્હી આવ્યા હતા અને અહીં લગભગ 6 વર્ષ સુધી રહ્યા હતી.
1981માં તે બાંગ્લાદેશ પરત ફર્યા હતા
પૂર્વ પીએમ શેખ હસીના 1981માં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા હતા. અહીં પાછા ફર્યા બાદ તેમણે પોતાના પિતાની પાર્ટીનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું. તેમણે સૌ પ્રથમ 1986માં સામાન્ય ચૂંટણી લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે તેઓ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. 1991માં સ્વતંત્ર રીતે ચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ શેખ હસીનાના પિતાની પાર્ટીને બહુમતી મળી ન હતી. વિપક્ષી દળના ખાલિદા ઝિયાએ સરકાર બનાવી.
1996માં ફરી ચૂંટણી યોજાઈ હતી. આ વખતે શેખ હસીનાનો પક્ષ જંગી બહુમતીથી સત્તા પર આવ્યો અને શેખ હસીના વડાપ્રધાન બન્યા. 2001ની ચૂંટણીમાં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2009માં તેમણે પીએમ તરીકેના પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા.
એટલું જ નહીં વર્ષ 2014માં ત્રીજી ટર્મ માટે તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તે વર્ષ 2018માં ફરીથી જીત્યા હતા અને ચોથી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા. બાંગ્લાદેશના પીએમે આ વર્ષે પાંચમી વખત શપથ લીધા હતા. હસીનાની પાર્ટીને સંસદમાં લગભગ ત્રણ ચતુર્થાંશ સીટો પર જીત મળી હતી. વિરોધ પક્ષોને બાકીની બેઠકો મળી હતી.





