ProTem Speaker Role & Selection : 18મી લોકસભા માટે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અને સરકાર બન્યા બાદ હવે સંસદનું પહેલું સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન ગૃહના નવા અધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. દસ વર્ષ બાદ દેશ ગઠબંધન સરકાર હેઠળ આવ્યો છે અને આવી સ્થિતિમાં આ સ્પીકરની ચૂંટણી પણ એનડીએ સરકાર માટે ઘણી મહત્વની બની રહેવાની છે. આ પ
દ કોણ સંભાળશે તે અંગે અટકળો ચાલી રહી છે. સાથે જ જ્યાં સુધી નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી નવા સભ્યોને શપથ લેવડાવવાનું કામ પ્રોટેમ સ્પીકરનું રહેશે.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી પહેલા તમામ પ્રક્રિયાઓમાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂને લોકસભામાં સ્પીકરની ચૂંટણી માટે પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા પ્રોટેમ સ્પીકર તરીકે સૌથી મહત્વનું નામ કોંગ્રેસ નેતા કોડિકુન્નિલ સુરેશનું ચાલી રહ્યું છે, જે લોકસભાના સૌથી વરિષ્ઠ સભ્ય છે, જેના કારણે સંભવ છે કે આ વખતે તેમને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે.
પ્રોટેમ સ્પીકર એટલે શું?
લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર હોવાના કારણે સ્પીકરે રોજબરોજના કામકાજને લગતી કેટલીક મુખ્ય ફરજો અદા કરવાની હોય છે. ભારતના બંધારણની કલમ 94માં તમામ જોગવાઇઓ સ્પષ્ટ કરવામાં આવી છે કે જ્યારે પણ લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે વિસર્જન બાદ લોકસભાની પ્રથમ બેઠક પહેલા સ્પીકર તરત જ પોતાનું પદ ખાલી નહીં કરે અને તે દરમિયાન પ્રોટેમ સ્પીકર મહત્વની ભૂમિકા ભજવશે.
નવી લોકસભામાં સદનના સ્પીકરની પસંદગી સામાન્ય બહુમતથી થાય છે. સ્પીકરની પસંદગી સુધી કેટલીક મહત્વપૂર્ણ ફરજો નિભાવવા માટે પ્રોટેમ સ્પીકરની પસંદ કરવામાં આવે છે. ‘પ્રો-ટેમ’ નો અર્થ અસ્થાયી થાય છે.
સંસદીય બાબતોના મંત્રાલયમાં લેખિત છે નિયમો
સંસદીય બાબતોના મંત્રાલયની કામગીરી અંગેની સત્તાવાર પુસ્તિકામાં “પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક અને શપથ ગ્રહણ” વિશે વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે નવી લોકસભાના ગઠન પહેલા સ્પીકરનું પદ ખાલી થઈ જાય છે, ત્યારે સ્પીકરની ફરજો ગૃહના એક સભ્ય દ્વારા નિભાવવામાં આવશે. જેને રાષ્ટ્રપતિ દ્વારા પ્રો-ટેમ સ્પીકર તરીકે આ હેતુ માટે નિયુક્ત કરવામાં આવશે.
આ પણ વાંચો – વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ જનાદેશે એક નવો ઇતિહાસ રચ્યો છે
નવા સાંસદોને શપથ લેવડાવવાની પ્રોટેમ સ્પીકરની પ્રાથમિક ફરજ છે. બંધારણની કલમ 99 હેઠળ ગૃહનો દરેક સભ્ય, પોતાનું સ્થાન ગ્રહણ કરતા પહેલા, રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈપણ વ્યક્તિ સમક્ષ બંધારણની ત્રીજી અનુસૂચિમાં આ હેતુ માટે નિર્ધારિત સ્વરૂપ પ્રમાણે શપથ લેશે.
પ્રોટેમ સ્પીકર કેવી રીતે ચૂંટાય છે?
સામાન્ય રીતે લોકસભાના અન્ય ત્રણ ચૂંટાયેલા સભ્યોની પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને સાંસદો તેમની સમક્ષ શપથ લે છે. જોગવાઇઓ અનુસાર મોટા ભાગના વરિષ્ઠ સભ્યો સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાય છે. નવી સરકારની રચના થતાં જ ભારત સરકારના લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકસભાના સૌથી સિનિયર સભ્યોની યાદી તૈયાર કરવામાં આવે છે.
ત્યારબાદ તેને સંસદીય કાર્યમંત્રી કે વડા પ્રધાનને મોકલવામાં આવે છે. જેથી કોઈ એક સાંસદને પ્રોટેમ સ્પીકર તરીકે અને અન્ય ત્રણ સભ્યોને શપથ ગ્રહણ માટે ચૂંટી શકાય.
રાષ્ટ્રપતિ અપાવે છે શપથ
વડા પ્રધાનની મંજૂરી પછી સંસદીય કાર્ય મંત્રી દ્વારા આ સભ્યોની સંમતિ મેળવવામાં આવે છે. ત્યારબાદ મંત્રી રાષ્ટ્રપતિને એક નોટ રજૂ કરે છે, જેમાં પ્રો-ટેમ સ્પીકર અને અન્ય ત્રણ સભ્યોની નિમણૂક માટે મંજૂરી માંગવામાં આવે છે. તેઓ શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય પણ નક્કી કરે છે.
રાષ્ટ્રપતિની મંજૂરી પછી, મંત્રાલય પ્રો-ટેમ સ્પીકર અને અન્ય સભ્યોને તેમની નિમણૂકોની જાણ કરે છે, અને અંતમાં રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત અન્ય ત્રણ સભ્યોને લોકસભામાં પ્રોટેમ સ્પીકર દ્વારા શપથ લેવડાવવામાં આવે છે.