Delhi BJP CM Candidate: દિલ્હી વિધાનસભ ચૂંટણીમાં ભાજપની જીત અને આપ પાર્ટીની હાર થઇ છે. આ સાથે દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે. ચૂંટણી જંગ બાદ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને એવો અહેસાસ થયો હતો કે તે ભારતની રાજધાનીમાં સરકાર બનાવી શકે છે. જો કે ત્યારે પણ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આશા નહોતી કે દિલ્હીમાં તેમનો વનવાસ ખતમ થઈ જશે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.
દિલ્હીમાં વિધાનસભામાં 70 સીટો છે અને સરકાર બનાવવા માટે 36 બેઠક જીતવી જરૂરી છે. ભાજપ આ આંકડાથી ઘણી આગળ હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી ચૂંટણી હારી ગયા છે.
હવે ભાજપની અંદર સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે. ભાજપે લાંબા અને સતત સંઘર્ષ બાદ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીતી લીધી હોવાથી, પાર્ટીના ઘણા નેતાઓ એવા છે કે જેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન બનવાના દાવેદાર છે.
ભાજપે અનેક વખત મુખ્યમંત્રીની પસંદગી મામલે ચોંકાવનારા નિર્ણયો લીધા છે. જેમાં રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશમાં ડો.મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાંઈ, ઓડિશાના મોહન ચરણ માંઝીનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ કોણ નેતાઓ છે અને આ નેતાઓના દાવા પાછળનું કારણ શું છે?
અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા
દિલ્હી મુખ્યમંત્રી ખુરશીના સૌથી પ્રબળ દાવેદાર નેતાઓમાં સૌથી પહેલું નામ આવે છે પ્રવેશ વર્માનું. નવી દિલ્હી બેઠક પર ભાજપ નેતા પ્રવેશ વર્માએ આપના અરવિંદ કેજરીવાલને હરાવી જીત મેળવી છે. પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે.
દિલ્હીના રાજકારણમાં ગ્રામીણ વિસ્તારો મોટી ભૂમિકા ભજવે છે અને જાટ અને ગુર્જર સમુદાયો ગ્રામીણ વિસ્તારોમાં બહુ પ્રભાવશાળી છે. પ્રવેશ વર્મા જાટ સમુદાયના છે. આવી સ્થિતિમાં ભાજપ તેમના પર દાવ લગાવી શકે છે. પ્રવેશ વર્મા પર દાવ લગાવીને ભાજપ 25 ટકા જાટ વસ્તી ધરાવતા હરિયાણામાં આ સમુદાયમાંથી મુખ્યમંત્રી ન બનાવવાની નારાજગી દૂર કરી શકે છે. સીએમનો ચહેરો કોણ હશે તે સવાલના જવાબમાં પ્રવેશ વર્માએ કહ્યું કે, અમારી પાર્ટીમાં વિધાનસભા પક્ષ (સીએમનો ચહેરો) નક્કી કરે છે અને પછી પાર્ટી નેતૃત્વ તેને મંજૂરી આપે છે. તેથી, પક્ષનો નિર્ણય બધાને સ્વીકાર્ય રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિરેન્દ્ર સચદેવા અને મનોજ તિવારી
દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા પણ મુખ્યમંત્રીની રેસમાં છે. વીરેન્દ્ર સચદેવા આ દલીલ પાર્ટી સામે રાખી શકે છે કે તેઓ અધ્યક્ષ હતા ત્યારે જ પાર્ટીનો 27 વર્ષનો વનવાસ ખતમ થઈ ગયો છે. દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારી પણ આ રેસમાં છે. મનોજ તિવારી સતત ત્રણ વાર દિલ્હીથી સાંસદ રહી ચૂક્યા છે અને દિલ્હીના રાજકારણમાં જાણીતો ચહેરો છે. તિવારી એક લોકપ્રિય પૂર્વાંચલી ચહેરો છે અને પાર્ટી તેમને દિલ્હીની બહાર પણ પૂર્વાંચલી મતદારોમાં સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારી રહી છે.
વિજેન્દર ગુપ્તા અને વિરેન્દ્ર સચદેવા
વિજેન્દ્ર ગુપ્તા પણ મુખ્યમંત્રીની ખુરશીની રેસમાં મોટું નામ છે. વિજેન્દ્ર ગુપ્તા સતત દિલ્હીમાં અનેક ચૂંટણી જીત્યા છે. તેઓ વૈશ્ય સમુદાયના છે, જેમનો દિલ્હીના રાજકારણમાં મજબૂત પ્રભાવ છે. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા જેવા મોટા પદ પર રહી ચૂક્યા છે અને કેજરીવાલ સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં પણ તેઓ સૌથી આગળ હતા.
શું ભાજપ કોઈ મહિલાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવશે?
એવી પણ ચર્ચા છે કે ભાજપ દિલ્હીમાં મહિલા ચહેરા પર દાવ લગાવી શકે છે. એક મહિલા ચહેરા તરીકે પાર્ટી પોતાના સાંસદોમાંથી નેતાની પસંદગી પણ કરી શકે છે. જેમાં નવી દિલ્હીથી સાંસદ બાંસુરી સ્વરાજ અને પશ્ચિમ દિલ્હીથી સાંસદ કમલજીત સેહરાવતનો સમાવેશ થાય છે.
બૈજયંત જય પાંડાએ શું કહ્યું?
દિલ્હીમાં ભાજપના સીએમ ચહેરાના સવાલ પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ એએનઆઈને કહ્યું, “અમારી પાસે દરેક રાજ્યમાં સામૂહિક નેતૃત્વ છે અને જીત્યા પછી, અમારા કોઈપણ કાર્યકર્તા આગળ આવીને નેતા બની શકે છે.” અન્ય પક્ષો સાથે આવું નથી. અમારી પ્રક્રિયા એ છે કે અમે લોકો અને અમારા કાર્યકરો પાસેથી ઇનપુટ્સ લઈએ છીએ અને આખરે તે અમારા સંસદીય બોર્ડ પાસે જાય છે, જ્યાં તે નક્કી કરવામાં આવે છે. તેથી જે પણ વિધાનસભામાં અમારા નેતા બનશે તે ખૂબ જ સારા નેતા હશે, એમ તેમણે કહ્યું હતું. ’





