Teachers Day 2025 History and Importance : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સમાજમાં શિક્ષકોની ભૂમિકાને માન આપવા અને ભાવિ પેઢીઓને માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. આ દિવસ ભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રખ્યાત દાર્શનિક અને શિક્ષણવિદ્ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે.
શિક્ષક દિવસ ઇતિહાસ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમજ એક મહાન શિક્ષક હતા. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર હતા અને તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઘણા મોટા યોગદાન આપ્યા હતા.
જ્યારે ડો.રાધાકૃષ્ણને 1962 માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે વિદ્યાર્થીઓ ખાસ રાધાકૃષ્ણન પાસે મંજૂરી માંગવા પહોંચ્યા હતા. ત્યારથી જ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ?
શિક્ષક દિવસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રદાન કરવા અને મૂલ્ય નિર્માણમાં શિક્ષકોના યોગદાનનું સન્માન કરવાનો છે. તે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પણ આપે છે. આ પરંપરાની શરૂઆત 1962માં થઈ હતી, જ્યારે ભારત સરકારે ડૉ.રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે જાહેર કર્યો હતો. તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત રીતે ઉજવવાને બદલે શિક્ષકોને સમર્પિત કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો – શિક્ષક દિવસ ને યાદગાર બનાવવાની 6 રીતો, આ આઈડિયા ટીચર્સને ખુશ કરી દેશે
શિક્ષક દિવસ ઉજવણી
આ દિવસે શાળા-કોલેજોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઘણી વખત સિનિયર વિદ્યાર્થીઓ શિક્ષકોની ભૂમિકા ભજવે છે અને જુનિયરોને ભણાવે છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચનો અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેથી શિક્ષકોનું મહત્વ ઉજાગર કરી શકાય. કેટલીક સંસ્થાઓમાં, શિક્ષકો પણ વિદ્યાર્થીઓની ભૂમિકા ભજવે છે, જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જ્ઞાનના આંતરજોડાણનું પ્રતીક છે.
વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે
ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. જોકે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી 5 ઓક્ટોબરે કરવામાં આવે છે. તેની સ્થાપના યુનેસ્કો દ્વારા 1994 માં કરવામાં આવી હતી. આ દિવસ શિક્ષકોની સત્તા અને જવાબદારીઓને માન્યતા આપવા તેમજ વૈશ્વિક સ્તરે શિક્ષણ પ્રણાલીમાં તેમના યોગદાનને પ્રકાશિત કરવા માટે સમર્પિત છે.