World Environment Day 2025 Date, વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા દેશો તેને નવી થીમ સાથે હોસ્ટ કરે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ઇતિહાસ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. તેની સ્થાપના 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા કરવામાં આવી હતી. જો કે વર્ષ 1973માં તેની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણીય મુદ્દાઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ 2025 થીમ
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ હોય છે. આ વર્ષની થીમ ‘પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ (Ending Plastic Pollution) રાખવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) અનુસાર પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેક ખૂણે ફેલાઈ ગયું છે. તે પાણી પીવાથી લઈને ખોરાક અને આપણા શરીરમાં પણ જઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.
વિશ્વ પર્યાવરણ દિવસ મહત્વ
વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણને બચાવવાનો સંદેશ આપે છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણને ધ્યાનમાં રાખીને છે. ખરેખર તો પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલ માટે માત્ર સરકાર જ જવાબદાર નથી, પરંતુ આ માટે દરેક વ્યક્તિની ભૂમિકા મહત્ત્વની છે. આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. સરકાર અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવે છે.