Ayodhya’s Ramayana Wax Museum : અયોધ્યામાં રામાયણ પર દુનિયાનું પ્રથમ વેક્સ મ્યુઝિયમ તૈયાર થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિના પ્રાંગણમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પછી આ તીર્થધામ હવે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. દુનિયાનું પ્રથમ રામાયણ વેક્સ મ્યુઝિયમ વેક્સ મ્યુઝિયમ બનીને તૈયાર થયું છે, જે ત્રેતાયુગના ફરી દર્શન કરાવશે.
રામાયણ વેક્સ મ્યુઝિયમ બનાવવા કેટલો ખર્ચ થયો?
આ સંગ્રહાલય ચૌદ કોસી પરિક્રમા માર્ગ પર સ્થિત કાશીરામ કોલોનીની સામે બનાવવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, નવમા દીપોત્સવની ઉજવણી દરમિયાન તેનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. 9850 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંપૂર્ણ વાતાનુકૂલિત સંગ્રહાલય રૂ. 6 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. શ્રી રામ સહિત 50 મુખ્ય પાત્રોની મીણની જીવંત પ્રતિમાઓ હશે જે રામાયણની સમગ્ર કથાને જીવંત કરશે.
રામાયણ વેક્સ મ્યુઝિયમ ક્યારે ખુલ્લુ મુકાશે?
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિવાળી પહેલા 19 ઓક્ટોબરે રામાયણ વેક્સ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરી શકે છે. આ સંગ્રહાલય અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ચલાવવામાં આવશે, જેમાં સ્થાનિક નાગરિક સંસ્થા માટે 12% આવક અલગ રાખવામાં આવશે. આ સંગ્રહાલય કેરળ સ્થિત કંપની, સુનિલ વેક્સ મ્યુઝિયમ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે ભૂતકાળમાં લોનાવાલા (મહારાષ્ટ્ર) અને તિરુવનંતપુરમ (કેરળ) માં સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ સ્થાપવાનો દાવો કરે છે.
એક સમયે 100 લોકો મ્યુઝિયમની મુલાકાત લઇ શકશે
એક સમયે 100 લોકોને આ રામાયણ વેક્સ મ્યુઝિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. મુલાકાતીઓ અંદર પ્રવેશતાની સાથે જ સમગ્ર વાતાવરણ ત્રેતાયુગની સુગંધ અને રામ ધૂનના ધ્વનીથી ઓતપ્રોત થઇ જશે. દરેક ખૂણામાં લાગેલા સ્પીકર માંથી ‘રામ તારક મંત્ર’ની ધૂન સતત વગાડવામાં આવશે, ભક્તિ મંત્ર વગાડવામાં આવશે. આ સંગ્રહાલય દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જે દક્ષિણ ભારતના પરંપરાગત સ્થાપત્યના સુંદર સંગમનું પ્રતિનિધિત્વ કરે છે.
બે માળની આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રામલલાના બાળ સ્વરૂપથી લઈને સીતા સ્વયંવર સુધીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે પ્રથમ માળે વનવાસ, લંકા દહન અને રામ રાવણ યુદ્ધની ભવ્ય ઝલક જોવા મળશે. દરેક મીણના મોડેલમાં અલગ અલગ લાઇટિંગ છે જે પાત્રોને જીવંત બનાવે છે. પ્રવેશદ્વાર પર સૌથી પહેલું કામ ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા છે. આ પછી રામલલાના બાળ સ્વરૂપની મીણની મૂર્તિ સાથે સેલ્ફી લેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ સરકાર ભગવાન રામ અને કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળો તીર્થધામ તરીકે વિકસિત કરશે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર શ્રી રામવન ગમન પથ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોને તીર્થસ્થાન તરીકે વિકસિત કરશે. તેમણે કહ્યું કે આ માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. સીએમ યાદવે કહ્યું કે ચિત્રકૂટ અને ઓરછામાં લગભગ 2,200 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામનું કામ ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના 11 જિલ્લાના 25 સ્થળોને રામ વન ગમન પથ સાથે જોડવામાં આવ્યા છે. આ તે સ્થળો છે જ્યાં ભગવાન શ્રી રામે તેમના વનવાસ દરમિયાન મુલાકાત લીધી હતી. તેમાંથી, સતનામાં ચિત્રકૂટ સહિત ઘણા સ્થળો શ્રીરામના નિવાસ માટે જાણીતા છે. કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં ભગવાન રામ આવ્યા હતા અથવા રોકાયા હતા એવું માનવામાં આવે છે, પરંતુ તે પ્રસિદ્ધ નથી, બહુ જાણીતા નથી. સીએમ યાદવે કહ્યું કે, શ્રી રામ વન ગમન પથ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોને તીર્થસ્થાન તરીકે વિકસાવવામાં આવશે. સરકારે આ ફંડને મંજૂરી આપી દીધી છે. ”