Viraat Ramayan Mandir: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કલ્યાણપુર વિધાનસભા મતવિસ્તારના કૈથવાલિયા ગામમાં વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર 140 એકર જમીનમાં પથરાયેલું હશે અને તેનો અંદાજિત ખર્ચ 500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ભવ્યતાની દ્રષ્ટિએ આ મંદિર અયોધ્યાના રામ મંદિર કરતા ત્રણ ગણું મોટું હશે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામની જાન જનકપુરથી પરત ફરતી વખતે અહીં રોકાઈ હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે 3.76 લાખ વર્ગફૂટમાં બનાવવામાં આવી રહેલા રામાયણ મંદિરમાં 22 દેવાલયો અને કુલ 12 શિખરો હશે. મંદિરનું સૌથી ઊંચું શિખર 270 ફૂટનું હશે. જ્યારે આ મંદિર 1,080 ફૂટ લાંબુ અને 540 ફૂટ પહોળું હશે. મંદિરની દિવાલો અને સ્તંભો પર રામાયણ, મહાભારત, પુરાણોની કથાઓ કોતરવામાં આવશે. પરંપરાગત ભારતીય કલાકૃતિ દરેક સ્તંભ અને દિવાલ પર જોવા મળશે, જેમાં મિથિલા પેઇન્ટિંગ સ્ટાઇલનો પણ સમાવેશ થાય છે.
રામાયણ સભા મંડપ પણ બનશે
અહીં એક વિશાળ રામાયણ સભા મંડપ હશે જેમાં રામકથાના પ્રવચનો, રામલીલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મંડપમાં હજારો લોકોની બેસવાની ક્ષમતા વાળો હશે. આ મંદિર સંકુલમાં જ એક મોડલ ટાઉનશિપ જાનકી નગરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં ગુરુકુળ, ધર્મશાળા અને યાત્રાળુઓ માટે રહેવાની સગવડ હશે. ગૌશાળા પણ બનશે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું, 4 લોકોના મોત, નેશનલ હાઇવે બંધ
મુનિઓના નામે બનાવવામાં આવશે ચાર આશ્રમ
આ ઉપરાંત આ મંદિરના પ્રાંગણમાં મુનિઓના નામે ચાર આશ્રમો પણ બનાવવામાં આવશે. વિરાટ રામાયણ મંદિરના પરિસરની ત્રણ તરફ રસ્તાઓ હશે, જેનાથી લોકોની ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે. શરૂઆતમાં આ મંદિરનું નામ વિરાટ અંગકોર વાટ મંદિર રાખવામાં આવ્યું હતું.
આ યોજના જાહેર થયા બાદ અને ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા બાદ કંબોડિયાની સરકારે ભારત સરકાર સમક્ષ પોતાના વાંધા અને ચિંતા વ્યક્ત કરી હતી કે આ મંદિરનું નામ મૂળ અંગકોર વાટ મંદિરની નકલ છે. ત્યારબાદ તેનું નામ બદલીને વિરાટ રામાયણ મંદિર કરવામાં આવ્યું. વર્ષ 2012માં કિશોર કુણાલે કૈથલિયામાં બનનારા વિરાટ રામાયણ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પછી 2022માં કિશોર કુણાલે તેનો શિલાન્યાસ કર્યો હતો.