Janmashtami 2024: રાજસ્થાનનું શ્રીકૃષ્ણ મંદિર જ્યાં મસ્તકની પૂજા થાય છે, મહાભારત યુદ્ધ સાથે સંબંધ, દર્શન માત્રથી બને છે બગડેલા કામ
janmashtami 2024 Khatu Shyam Mandir Darshan And History: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે. દેશભરમાં ઘણા પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિરો છે પણ રાજસ્થાનમાં એક ખાસ શ્યામ મંદિર છે જ્યાં શ્રીકૃષ્ણની વાંસળી વગાડતા કે શ્યામવર્ણ મૂર્તિ નહીં પણ મસ્તકની પૂજા થાય છે.
જન્માષ્ટમી શ્રીકૃષ્ણ મંદિર દર્શન જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. પુરાણો અનુસાર શ્રાવણ સુદ આઠમની રાત્રે 12 વાગે મથુરાની જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ લાગે છે. મથુરા વૃંદાવન અને ગુજરાત સહિત દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સામાન્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણ મંદિરમાં હાથમાં વાંસળી સાથે કે શ્યામવર્ણ ચતુર્ભુજ મૂર્તિ કે લડ્ડુ ગોપાલના દર્શન થાય છે. જો કે ભારતમાં એક ખાસ મંદિર છે જ્યાં મસ્તકની પૂજા છે અને તેમને કળયુગના શ્યામ કહેવાય છે. ચાલો જાણીયે આ શ્યામ મંદિરનો ઇતિહાસ કહાણી અને મહાતમ્ય (Photo: Social Media)
રાજસ્થાનનું ખાટુ શ્યામ બાબા મંદિર રાજસ્થાનમાં ભગવાન શ્રીકૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે, જેમા શ્રીનાથજી, કેસરિયાજી, ચારભુજા મંદિર, સાંવરિયા મંદિર અને ખાટુ શ્યામ મંદિર, ગોપીનાથ મંદિર પ્રસિદ્ધ છે. આ તમામ કૃષ્ણ મંદિરોમાં ખાટુ શ્યામ મંદિર ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તેનો સંબંધ મહાભારત યુદ્ધ સાથે છે. ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં આવેલું છે. ખાટુ શ્યામ મંદિર જયપુરથી 98 કિમી દૂર છે. (Photo: Social Media)
ખાટુ શ્યામ મંદિર માં મસ્તકની પૂજા ખાટુ શ્યામ મંદિર ઘણી ખાસિયત ધરાવતું શ્રીકૃષ્ણ મંદિર છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી વગાડતી કે શ્યામવર્ણ ચતુર્ભૂજ મૂર્તિની નહીં પણ મસ્તકની પૂજા થાય છે. આ મૂર્તિ શાલીગ્રામ છે. ખાટુ શ્યામ મંદિરમાં દરેક મહિનાની અગિયારસ, હોળીની અગિયારસ, જન્માષ્ટમી પર લાખો સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. હોળીની અગિયારસ અને દેવ ઉઠી અગિયારણ મુખ્ય તહેવાર છે. દેવ ઉઠી અગિયારસ ભગવાન ખાટુ શ્યામનો જન્મદિવસ છે. હોળી પર અહીં 10 દિવસનો મેળો ભરાય છે. (Photo: Social Media)
ખાટુ શ્યામ કોણ છે, મહાભારત અને પાંડવ સાથે ખાસ સંબંધ ખાટુ શ્યામ મંદિરમાં બીજું કોઇ નહીં મહાભારતના પાંડવ પુત્ર ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર વીર બર્બરિકની પૂજા થાય છે. વીર બર્બરિકની માતાનું નામ મૌર્વિ છે. વનવાસ દરમિયાન ભીમે એક રાક્ષસી હિંડિબા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી એક પુત્ર થયો, જેનું નામ ઘટોત્કચ હતું. આ ઘટોત્કચ અને મૌર્વિનો પુત્ર એટલે બર્બરિક. જેને લોકોબોલીમાં બળિયા દેવ પણ કહેવામાં આવે છે. (Photo: Social Media)
બર્બરિક મહાભારત યુદ્ધ લડવા આજ્ઞા માંગી મહાભારત યુદ્ધ શરૂ થયુ ત્યારે બર્બરિકે દાદી હિડિંબા પાસે મહાભારત યુદ્ધમાં જવાની આજ્ઞા માંગી હતી. મહાભારત યુદ્ધમાં એક બાજુ 100 કૌરવ અને બીજી બાજુ 5 પાંડવ બંનેમાંથી કોની તરફથી યુદ્ધ લડવું તે અંગે બર્બરિક મૂંઝવણમાં હતો. ત્યારે દાદી હિંડિબા એ કહ્યું કે, મહાભારત યુદ્ધમાં જે પક્ષ હારી રહ્યો હોય તેની તરફથી લડાઇ લડવી. (Photo: Social Media)
શ્રીકૃષ્ણ બ્રાહ્મણ વેશમાં બર્બરિક પાસે મસ્તક માંગ્યું બર્બરિક મહાભારતના મહાન યોદ્ધા માનવામાં આવે છે. બર્બરિક પાસે ખાસ 3 બાણ હતા, જે લક્ષ્ય ભેદી પાછા આવી જાય છે. આથી બર્બરિકને કોઇ હરાવી શક્યું નથી. શ્રીકૃષ્ણ આ વાતથી ચિંતિત હતા. કારણ કે 5 પાંડવ સામે કૌરવ હારી રહ્યા હતા. જો બર્બરિક કૌરવ સેનામાં જોડાય તો મહાભારત યુદ્ધનું પરિણામ પલટાઇ જવાનો ડર હતો. આથી ભગવાન શ્રીકૃષ્ણ બ્રાહ્મણ વેશ ધારણ કરી બર્બરિક પાસે ગયા અને ભીક્ષા માંગી. જ્યારે બર્બરિકે પુછ્યું કે ભીક્ષામાં શું જોઇયે છે, તો બ્રાહ્મણ વેશમાં રહેલા શ્રીકૃષ્ણ બર્બરિકનું મસ્તક માંગી લીધું. બર્બરિકને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ બીજું કોઇ નહીં પણ સ્વયં શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણને જોઇ બર્બરિકે પોતાનું મસ્તક ભીક્ષામાં આપી દીધું. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક ઘડથી અલગ કરી દીધું. (Photo: Social Media)
શ્રીકૃષ્ણ સામે બર્બરિકે મૂકી શરત બર્બરિકે મસ્તક ભીક્ષામાં આપવા બદલ શ્રીકૃષ્ણ સામે શરત મૂકી હતી. બર્બરિકે કહ્યું કે, તે મહાભારતનું યુદ્ધ જોવા ઇચ્છે છે. આ સાંભળી શ્રીકૃષ્ણે બર્બરિકનું મસ્તક એક ઉંચા પહાડની ટોચ પર 3 બાણના સહારે મૂકી દીધું. કહેવાય છે કે, મહાભારત યુદ્ધ નજરે જોનાર બે વ્યક્તિ - સંજય અને બીજા બર્બરિક હતા. (Photo: Social Media)
બર્બરિક બન્યા કળયુગના શ્યામ મસ્તકના બલીદાનથી પ્રસન્ન થઇ શ્રીકૃષ્ણે વરદાન આપ્યું કે, તે કળયુગમાં શ્યામ નામથી પૂજાશે. કહેવાય છે કે, રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામજી બર્બરિકે સ્વરૂપ પ્રગટ થયા હતા. સીકર સ્થિત ખાટુ ગામમાં બાબા શ્યામનું મંદિર છે. અહીં બર્બરિકના મસ્તકની પૂજા થાય છે. તો હરિયાણાના હિસારમાં આવેલા બીડ ગામમાં બર્બરિકના ધડની પૂજા થાય છે. આ એ જ સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક ઘડથી અલગ કર્યું હતું. (Photo: Social Media)
ખાટુ શ્યામ હારે કા સહારા કેમ કહેવાય છે? ખાટુ શ્યામને હારે કા સહારા એટલે કે હારનારનો સહારો કહેવામાં આવે છે. દાદી હિંડિબાની આજ્ઞા પ્રમાણે બર્બરિક મહાભારત યુદ્ધમાં હારના પક્ષ તરફથી લડવાના હતા. તેઓ જે પક્ષમાં લડવાના હતા તેની જીત નિશ્ચિત હતા. આથી તેમને હારે કા સહારા કહેવાય છે. કહેવાય છે જે વ્યક્તિ બધી રીતે હારી ગયો હોય અને ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરે તો તેના બગડેલા કામ બની જાય છે. ખાટુ શ્યામ જીને હારે ક સહારા ઉપરાંત ત્રણ બાણ ધારી, લખ્ખદાતાર, ખાટુ નરેશ જેવા વિવિધ નામોથી ભક્તો જયકારા લગાવે છે. ખાટુ શ્યામ મંદિરમાં ભક્તો ચુરમાના લાડુ, અત્તરની શીશી અને ગુલાબ અને નિશાન (ધજા) અર્પણ કરે છે. (Photo: Social Media)
રાજસ્થાન ખાટુ શ્યામ મંદિર કેવી રીતે પહોંચવું? રાજસ્થાનનું ખાટુ શ્યામ મંદિર સિકર જિલ્લામાં રિંગસ નજીક ખાટુ ગામમાં આવેલુંછે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન રિંગસ છે જ્યાંથી ખાટુ શ્યામ મંદિર લગભગ 18 કિમી દૂર છે. તો જયપુરથી ખાટુ શ્યામ મંદિર 98 કિમી દૂર આવેલું છે. નજીકનું એરપોર્ટ જયપુર ઇન્ટરનેશનલ એરપોટ છે. અમદાવાદથી જયપુર ટ્રેનમાં અને ત્યાંથી ખાટુ શ્યામ જવા રાજસ્થાન પરિવહન વિભાગની બસ અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. (Photo: Social Media)