ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ : ઋષભ પંત, આર્ચર સહિત આ 5 ખેલાડી કરી શકે છે કમાલ
IND vs ENG 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઇને બુધવારેથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ટીમ ઇન્ડિયાનો લીડ્ઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પરાજય થયો હતો
IND vs ENG 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઇને બુધવારેથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ટીમ ઇન્ડિયાનો લીડ્ઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પરાજય થયો હતો. ભારતીય ટીમ શ્રેણીને બરાબરી કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેદાનની સ્થિતિ લીડ્ઝથી અલગ હશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી ચાર બેટ્સમેનોએ પાંચ સદી ફટકારી હતી. ઋષભ પંતે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ માટે બે બેટ્સમેન ઓલી પોપ અને બેન ડકેટે સદી ફટકારી હતી.
જો રૂટ પ્રથમ દાવમાં 28 રન બનાવી શક્યો હતો, પરંતુ બીજી ઇનિંગમાં 53 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર છે કે જોફ્રા આર્ચરની ટીમમાં વાપસી થઈ છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે તેમ મનાય છે. અહીં એવા પાંચ ખેલાડીઓ વિશે ચર્ચા કરવામાં આવી છે જે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચમાં કમાલ કરી શકે છે.
ઋષભ પંત : રેડ બોલ ક્રિકેટમાં ઋષભ પંતનો રેકોર્ડ શાનદાર છે. ઈંગ્લેન્ડના ત્રીજા પ્રવાસમાં ટીમનો વાઈસ કેપ્ટન ટીમના સિનિયર બેટ્સમેનોમાંથી એક છે. તેની ઇનિંગ્સ કોઈપણ બોલિંગ આક્રમણને નિષ્ફળ બનાવી શકે છે. લીડ્સમાં બે ઇનિંગ્સમાં બે સદી ફટકારી પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે.
યશસ્વી જયસ્વાલ : યુવા ઓપનરે 2023માં માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ કર્યા પછી ઝડપી પ્રગતિ કરી છે. તે ભારતીય બેટિંગ લાઇન અપના મુખ્ય આધારમાંથી એક બની ગયો છે. હવે ફરી આ જવાબદારી તેમના ખભા પર છે. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે તે નવા બોલની ચમક ઓછી કરે અને શાનદાર પ્રદર્શન કરે, જેનાથી સમયાંતરે ઈંગ્લેન્ડના બોલરોની લાઈન અને લેન્થ ખરાબ થઈ જાય.
જો રુટ : ઇંગ્લિશ લેજન્ડ જો રૂટે આ મેદાન પર 70.71ની એવરેજથી 920 રન બનાવ્યા છે. તે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જોકે તે હેડિંગ્લેની સપાટ પીચ પર પ્રથમ ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો, પણ તેણે બીજી ઈનિંગમાં અણનમ અડધી સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડને જીત અપાવવામાં મદદ કરી હતી. બુમરાહ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ જાય તેવી શક્યતા હોવાથી ભારતે જો રુટને શાંત રાખવા માટે કોઈ રસ્તો શોધવો પડશે, કારણ કે રન બનાવવાની આદત છે.
જોફ્રા આર્ચર : એ વાત સાચી છે કે જોફ્રા આર્ચર લાંબા સમય સુધી રેડ-બોલ ક્રિકેટ રમ્યો નથી, છતા પણ તે એકદમ ઘાતક સાબિત થાય છે. જો પિચ પરથી મદદ ન મળે તો પણ તેની બોલિંગ સારી રહેશે. જોકે તે દિવસમાં 20 ઓવર બોલિંગ કરી શકે તેવી સ્થિતિમાં હશે કે નહીં તે તો મેદાનમાં ઉતરશે ત્યારે જ ખબર પડશે.
મોહમ્મદ સિરાજ : જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહીં હોય. એટલે કે ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ મોહમ્મદ સિરાજ કરશે. પ્રથમ ટેસ્ટમાં તેની બોલિંગ નબળી રહી હતી, પણ જ્યારે તેને પીચમાંથી થોડી મદદ મળે છે, ત્યારે તેને લય મળે છે અને વિરોધી ટીમ બેટ્સમેનોને હંફાવી શકે છે. ભારતીય પેસ આક્રમણમાં ધાર લાવવા માટે સિરાજે સારી બોલિંગ કરવી પડશે.