ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને તેના બાળપણના કોચે વીરેન્દ્ર સેહવાગ અને સૌરવ ગાંગુલીનું મિશ્રણ ગણાવ્યું છે. બીજી ટી-20માં યશસ્વીએ 25 બોલમાં 53 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. આ વિસ્ફોટક ઇનિંગ્સમાં તેણે 9 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. તેણે બાઉન્ડ્રીથી જ 48 રન બનાવ્યા હતા.
યશસ્વીની ઇનિંગ્સ જોયા બાદ તેમના બાળપણના કોચ જ્વાલા સિંહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે યશસ્વી પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું લેટેસ્ટ વર્ઝન છે. તે માત્ર તેમનું વર્ઝન જ નથી પણ એકદમ અપગ્રેડેડ વર્ઝન પણ છે. જ્વાલા સિંહે કહ્યું છે કે યશસ્વી બરાબર સેહવાગની જેમ રમે છે, તેના શોટ્સ બિલકુલ સેહવાગ જેવા જ છે.
જ્વાલા સિંહે વધુમાં કહ્યું કે વીરેન્દ્ર સહેવાગ ચોક્કસપણે ખૂબ મોટો ખેલાડી રહ્યો છે. ટી-20 ક્રિકેટ તેના સમયમાં વધારે ટી-20 ક્રિકેટ ન હતું. પરંતુ જો તમે આજે રમાઈ રહેલા ક્રિકેટની તુલના 10 વર્ષ પહેલા રમાઈ રહેલા ક્રિકેટ સાથે કરશો તો બહુ મોટો ફરક પડશે.
જ્વાલા સિંહે વધુમાં કહ્યું કે જ્યારે તમે યશસ્વીનો સ્ક્વેર કટ જુઓ છો તો સૌરવ ગાંગુલી જેવો રમે છે. તેની ઓફસાઇડ રમત પણ ગાંગુલીની યાદ અપાવે છે. તેનો પુલ અને કટ વિરેન્દ્ર સેહવાગ જેવો જ છે.
જોકે યશસ્વી માટે અહીં પહોંચવું બિલકુલ સરળ ન હતું. ઉત્તર પ્રદેશના ભદોહીનો રહેવાસી યશસ્વી 12 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. એક સામાન્ય પરિવારમાંથી આવતા યશસ્વીએ અહીં પહોંચવા ઘણી મહેનત કરી છે. ( તસવીરો : @yashasvijaiswal28/instagram)