-
મોરબીમાં ગઇકાલે 30 ઓક્ટોબરે સાંજે મચ્છુ નદી પર બનેલો 140 વર્ષથી પણ જૂનો અને મોરબીઓની વિરાસત ઝુલતો પુલ તૂટતા ગોઝારી ઘટના સર્જાઇ. આ ઘટનાને પગલે 20 મિનિટની અંદર યુદ્ધના ધોરેણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. કંન્ટ્રોલરૂમ દ્વારા હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે.
-
કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી SDRF અને NDRFની ટીમો તેમજ અનેક જિલ્લાના તરવૈયાઓ બચાવ કામગીરી કરી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ સવારે 8.00 કલાક સુધીમાં કુલ 132 મૃતદેહો મળી આવ્યા છે.
-
રાત્રી દરમિયાન ચાલેલા રેસ્કયુ ઓપરેશનમાાં અત્યાર સધીમાં કુલ 170 લોકોને નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીએ દેવદૂત બની બચાવી લીધાં છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, આખી રાત ચાલેલું સર્ચ ઓપરેશન અંતિમ તબક્કામાં છે.
-
આ સાથે હજુ 2 વ્યક્તિ લાપતા હોવાના સમાચાર મળ્યા છે. આ ઉપરાંત આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 6 ઇજાગ્રસ્તોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. જ્યારે 5 લોકો હજુ સારવાર હેઠળ છે.
-
ઉલ્લેખનીય છે કે, આ ઝુલતા પુલને સહેલાણીઓ માટે નવા વર્ષના દિવસે જ ખુલ્લો મુકાયો હતો. ત્યારે ગઇકાલે રવિવારે સાંજે આ પુલ પર આશરે 400થી વધુ લોકો હિલ્લોળે ચડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના અમુક ક્ષણ બાદ જ આ ઘટનાએ મોરબી સહિત સમગ્ર ગુજરાત અને નેતાઓને હચમચાવી દીધાં છે.
-
પ્રત્યક્ષદર્શીઓના મીડિયાને જણાવ્યા અનુસાર, સાંજના 6.45ના સમયે મોટી સંખ્યામાં લોકો પુલ પર હતા, કેટલાક લોકો પુલ હલાવવાની મસ્તી પણ કરી રહ્યા હતા અને અચાનક ત્યારબાદ પુલ ધરાશાયી થયો અને લોકો પુલ સાથે નદીમાં પડ્યા હતા.
