રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: હવા પ્રદૂષણથી કેન્સર થઇ શકે છે? મહિલાએ વધુ સાવચેત રહેવાની જરૂર છે, જાણો કેમ
National Cancer Awareness Day : દિલ્હી સહિત ઘણા શહેરોમાં હવા પ્રદૂષણ વધી રહ્યુ છે. શું હવા પ્રદૂષણથી કેન્સર થઇ શકે છે. પુરુષ અને મહિલાને ક્યા પ્રકારના કેન્સર થવાનું સૌથી વધુ જોખમ હોય છે?
રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. એક અઠવાડિયાથી અહીં પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. પ્રદૂષિત હવા આરોગ્ય સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. શું આ પ્રદૂષણ કેન્સરનું જોખમ પણ વધારી શકે છે? ઘણાએ આ પ્રશ્ન પૂછ્યો છે.
હકીકતમાં, કેન્સર દર વર્ષે લાખો લોકોને ભરખી જાય છે. ભારતમાં પણ કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્સરની વહેલી જાણ, નિવારણ અને સારવાર અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 7મી નવેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.
એક અભ્યાસમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કેન્સરનું કારણ બની શકે છે. ફેફસાં અને ગળાના કેન્સરથી લઈને સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.
સંશોધન મુજબ, ફેફસાના કેન્સરના લગભગ 10માંથી એક કેસમાં વાયુ પ્રદૂષણ એક પરિબળ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણના કણો કોશિકાઓમાં ડીએનએને નુકસાન પહોંચાડે છે, જે બળતરા અને કેન્સર તરફ દોરી શકે છે.
એક અભ્યાસ મુજબ, સ્તન કેન્સરની ઘટનાઓમાં સૌથી વધુ વધારો ઉચ્ચ પ્રદૂષણ સ્તર (PM 2.5) ધરાવતી સ્ત્રીઓમાં નોંધાયો હતો. વાહનોનો ધુમાડો, બળતું તેલ, કોલસો કે લાકડાનો ધુમાડો વગેરેમાં વધુ PM 2.5 હોય છે.
2018 માં ભારતમાં મહિલાઓમાં નિદાન થયેલા તમામ કેન્સરમાં સ્તન કેન્સરનો હિસ્સો 27.7 ટકા હતો. દેશમાં અંદાજે દોઢ લાખથી વધુ મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત છે. હવાનું પ્રદૂષણ પણ આમાં ફાળો આપી શકે છે.
વાયુ પ્રદૂષણના જોખમને સંપૂર્ણપણે ટાળવું મુશ્કેલ છે, જો કે, સાવચેતી રાખી શકાય છે. પ્રદૂષિત વિસ્તારોમાં જવાનું ટાળો. બહાર જતી વખતે માસ્કનો ઉપયોગ કરો. તમારા કેન્સરના જોખમને ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી સાથે સ્વસ્થ આહાર લો.
ઘરની અંદરનું પ્રદૂષણ પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. પ્રદૂષિત ઇન્ડોર હવાના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. આ સિવાય સેકન્ડહેન્ડ સ્મોકિંગથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. ઘરની અંદરના વાયુ પ્રદૂષણના જોખમને ઘટાડવા અને કેન્સરને રોકવા માટે પગલાં લો.