રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ : રમતની મજા વચ્ચે કોના વાંકે નિર્દોષોને મળી મોતની સજા, 25થી વધુ જિંદગી હોમાઈ
Rajkot Fire Tragedy in TRP Game Zone : રાજકોટ માં શનિવારે આગ દુર્ઘટનામાં 25થી વધુ જિંદગી હોમાઈ ગઈ, સરકારે સહાયની જાહેરાત કરી, તપાસ માટે એસઆઈટી, પરિજનોના પ્રશ્ન જવાબદાર કોણ? ક્યારે આવી ઘટનાઓ બંધ થશે?
Rajkot TRP Game Zone Fire : રાજકોટ માટે આજનો દિવસ કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. ગેમિંગ ઝોન જ્યાં વાલીઓ વેકેશનમાં બાળકોને લઈ શનિવારે મોજ-મસ્તી કરાવા લઈ ગયા હતા, કર્મચારીઓ ઘરેથી નોકરી ગયા હતા, તેમના પરિવાર સાંજે તેઓ ઘરે આવશે તેની રાહ જોઈ રહયા હતા ત્યારે TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનામાં 26 જિંદગીઓ હોમાઈ ગઈ, અને અનેક લોકો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો જોઈએ અગ્નિકાંડની પુરી કહાની. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોન માં બપોરે અચાનક આગ લાગી અને દોડા-દોડ શરૂ થઈ ગઈ. લોકો સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ, અને બાળકો, વાલીઓ અને કર્મચારીઓ સહિત સહેલાણીઓ અંદર ફસાઈ ગયા. કોઈએ આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની એક પછી એક 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
ફાયર વિભાગે રેસક્યુ શરૂ કર્યું, એક પછી એક સંપૂર્ણ દાઝી ગયેલા મૃતદેહ બહાર આવ્યા ફાયર વિભાગે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી દીધી, ઘટના સ્થળ પર રાજકોટ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત અધિકારીઓ દોડી આવ્યા, અને તમામ કામગીરી પર રાખી નજર. ફાયર વિભાગના કર્મીઓ એક પછી એક મૃતદેહ બહાર લાવવા લાગ્યા, ગંભીર રીતે દાઝી ગયેલા લોકો અને મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
પીડિતોના પરિજનોનો આક્રંદ ઘટનાની જાણ મીડિયામાં આવતા જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકઠા થવા લાગ્યા, ગેમિંગ ઝોનમાં કામ કરતા લોકોના પરિવારજનો તેમના સ્વજનોની ચિંતામાં દોડી આવ્યા, પરંતુ સ્વજન સહી સલામત છે કે નહીં તે જાણવા આકુળ વ્યાકુળ થઈ આક્રંદ કરતા જોવા મળ્યા, કોઈ પોતાના બાળકને, તો કોઈ પોતાના પતિને તો કોઈ પોતાની દીકરીને શોધી રહ્યા હતા. (ફોટો - એએનઆઈ)
સરકારે સહાયની જાહેરાત કરી, નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું રાજકોટ આંગકાંડ દુર્ઘટના પર જ્યારે આખો દેશ દુ:ખ વ્યક્ત કરી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી. આ દુર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, રાજકોટ શહેરના લોકલ ભાજપ નેતાઓ સહિત વિપક્ષના રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, તો આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કરી પોતાની સંવેદના અને પ્રતિક્રિયાઓ આપી - કોણે શું પ્રતિક્રિયા આપી? તે જાણવા અહીં ક્લિક કરો. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
લોકોનો રોષ, એસઆઈટી તપાસ આદેશ, ગેમ ઝોનના માલિક, કર્મચારીઓની અટકાયત રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનાને લઈ મીડિયા સહિત તમામ લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સરકારે પણ તપાસના આદેશ આપી જવાબદાર લોકોને કડકમાં કડક સજા કરવાનુ આશ્વાસન આપ્યું. તો પોલીસે ગેમ ઝોનના માલિક, કર્મચારીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. સરકારે એસઆઈટી ટીમ બનાવી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો તો પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મેનેજન નીતિન જૈનની અટકાત કરી, તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાદમાં વધુ 10 લોકોની અટકાત કરી તપાસ શરૂ કરી. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
આગ કેવી રીતે લાગી? મીડિયા દ્વારા સતત લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો કે, આગ કેવી રીતે લાગી. ફાયર વિભાગે આગ લાગવા પાછળ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ કહ્યું હતું, તો ગેમ ઝોનમાં રમવા ગયેલા એક યુવકને મીડિયાએ પુછતા જાણવા મળ્યું કે, ગેમ ઝોનમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, ગેમિંગ ઝોનમાં ગેસ વેલ્ડિંગ કરતા ગેસના સ્પાર્કથી આગ લાગી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે એફએસએલ અને ફાયર ટીમ દ્વારા આગ પાછળનું કારણ શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેની હકિકત સમગ્ર તપાસ પછી જ સત્તાવાર સામે આવશે. (ફોટો - એએનઆઈ)
25થી વધુ લોકોના અકાળે મોત માટે જવાબદાર કોણ? મીડિયા અહેવાલો અનુસાર, આગ લાગી ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી, કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં ફાયરના સાધનો પેટી પેક હાલતમાં જોવા મળ્યા. ફાયર વિભાગ, તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધિકરીઓએ જણાવ્યું કે, ફાયર સેફ્ટી માટે ગેમિંગ ઝોન દ્વારા એનઓસી નથી લેવામા આવી. તો ફાયરને લઈ જાણકાર સૂત્રો અનુસાર, જો ફાયર સેફ્ટી હોત તો, આગની આટલી મોટી દુર્ઘટના ના સર્જાઈ હોત. સૂત્રો આગ માટે જવાબદાર ગેમિંગ ઝોનના માલિક, કર્મચારીઓ સહિત બેદરકાર અધિકારીઓ હોવાનું જણાવી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, રાજ્યમાં અનેક વખત આગની દુર્ઘટનાઓ સર્જાઈ છે, અને અનેક લોકો મોતને ભેટ્યા છે, સુરત તક્ષશિલા અગ્નિકાંડ પણ આનું મોટું ઉદાહરણ છે. (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)