Today Gujarat Latest News 19th June 2024 : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, તો રાજ્યના આજના વેધર, રાજકારણ, ક્રાઈમ સહિતના તમામ લેટેસ્ટ સમાચાર પર એક નજર કરીએ.
Today Gujarat Latest News 19th June 2024 | ગુજરાતના આજના સમાચાર : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામેલુ જોવા મળી રહ્યું છે, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના જિલ્લામાં મેઘરાજા છેલ્લા ચાર દિવસથી અવિરત બેટિંગ કરી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, ભરૂચ, નવસારી, સુરત જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. આ બાજુ રાજ્યસભા મંત્રી ભિખુસિંહ પરમારની અચાનક તબિયત લથડતા અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બ્લડ પ્રેશર અચાનક વધી જતા તબિયત લથડી છે. તો અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલા અધિકારી પર એલિસબ્રિજ વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે. તો જોઈએ ગુજરાતના આજના લેટેસ્ટ સમાચારની અપડેટ્સ.
હવામાન વિભાગે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાના આજના વરસાદના ડેટા જાહેર કર્યા છે, જેમાં વલસાડના ઉંમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ઉંમરગામમાં બપોરે 10થી 12 અને સાંજે 4 થી 6 ના સમયમાં ધબધાબાટી બોલાવી 50 મીમી વરસાદ પડ્યો છે. તો સુરતના પલસાણામાં 32 મીમી, નવસારી તથા જલાલપોરમાં 22-21 મીમી વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડી અને વાપીમાં 19-17 મીમી વરસાદ નોંધાયો છે. તો ડાંગ આહવામાં 13 મીમી વરસાદ નોંધાયો છે.
વન્યજીવ, અમરેલીના દેવરાજી ગામમાં સિંગે માલધારી યુવક પર કર્યો હુમલો : જિલ્લાના દેવરાજીયા ગામે પશુ ચરાવવા ગયેલા એક માલધારી યુવક પર અચાનક સિંહે હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોથાભાઈ ગેલાભાઈ પડસાલિયા નામના 30 વર્ષિય માલધારી યુવક પશુ ચરાવવા જંગલમાં ગયા હતા ત્યારે સિંહ હુમલો કર્યો હતો, જેમાં યુવકના પીઠ અને સાથળના ભાગે સિંહના હુમલામાં ઈજાઓ પહોચીં છે. સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
અમદાવાદ સ્કૂલ વર્ધી વાન હડતાળ ખતમ : અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાહન ચલાવનારાઓની છેલ્લા કેટલાક દિવસથી આરટીઓની કાર્યવાહીને લઈ હડતાળ ચાલી રહી હતી, જેને પગલે શાળાઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા હતા. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની આરટીઓ અધિકારી સાથેની બેઠક બાદ હડતાળ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા પરમીટ, પાર્સિંગ, ફિટનેસ સહિતના કામ માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે, અને આ માટે 45 દિવસ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તેવી ખાતરી આપવામાં આવતા હડતાળ ખતમ થઈ છે, અને આવતીકાલથી રાબેતા મુજબ શાળાના બાળકોને લેવા વાહનો આવશે. આ સમાચાર બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
બીએસએફ એ બોર્ડર ક્રોસ કરતા પાકિસ્તાની નાગરીકને ઝડપ્યો : ભુજ જિલ્લાના વિઘોકોટ નજીકની આંતરરાષ્ટ્રીય સરહદોથી સરહદની વાડ ઓળંગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની નાગરીકને બીએસએફએ ઝડપી પાડ્યો છે. આ અંગે બીએસએફ એ જણાવ્યું છે કે, પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.
ગુજરાતના આજના વરસાદના સાંજના ચાર વાગ્યા સુધીના ડેટા પર નજર કરીએ તો, સુરતના પલસાણામાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે. તો વલસાડના ઉંમરગામાં 26 મીમી, અને નવસારી તથા જલાલપોરમાં 22-21 મીમી વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડી અને વાપીમાં 16-14 મીમી વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગોદાવરી ગામ નજીકથી પસાર થઈ સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાળ સર્જાયું છે, જેને પગલે લાખો લીટર પાણી બરબાદ થયું હતું. પાઈપ ફાટતા 20-30 ફૂટ ઊંચા ફૂવારા ઉડ્યા હતા, અને આજુ બાજુના વિસ્તારમાં પાણી ભરાયું હતુ. પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઈપલાઈનના વાલ્વ પર વીજળી પડતાં પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત મોનસૂન એલર્ટ બેઠક : રાજ્યમાં ચોમાસુ શરૂ થતા ભારે વરસાદ અને પૂર જેવી ઈમરજન્સી પૂર્વે તકેદારીના ભાગરૂપે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી, જેમાં પૂર જેવી સ્થિતિમાં એનડીઆરએફની તૈયારી, સિંચાઈ વિભાગ દ્વારા જળાશયોની સ્થિતિ, ઈસરો દ્વારા સેટેલાઈટથી હવામાન પર નજર અને હવામાન વિભાગ દ્વારા આગાહી, સહિત કૃષિ વિભાગ, ફોરેસ્ટ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક થઈ હતી.
ખેડા જિલ્લામાં વન વિભાગની બેદરકારી, આગથી મગરનું મોત: ખેડા જિલ્લામાં વન વિભાગની બેદરકારીની ઘટના સામે આવી છે. જિલ્લાના પરીએજ તળાવ વિસ્તારમાં ઝાળી ઝાખડામાં અચાનક આગ લાગતા 5 મગર દાઝી ગયા હતા, જેમાં એકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, પરવેજ તળાવ નજીક મગરોની મોટી સંખ્યા છે. ત્યારે આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે, વન વિભાગે કલેક્ટર સહિતને પણ જાણ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય એક મગર ગંભીર રીતે દાઝતા સારવાર કરવામાં આવી રહી.
અમરેલીના જાફરાબાદમાં વરસાદ : આજે વહેલી સવારે અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર મેઘ મહેર કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સવારે ધીમી ધારે અમરેલી ગ્રામ્યના દેવભૂમિ દ્વારકા, ચક્કરગઢ, ગોખરવાલા ગામમાં વરસાદ વરસી રહ્યો છે.
બ્રેકિંગ ન્યુઝ - મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી : ભાજપના સાબરકાંઠાના નેતા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અચાનક તબિયત લથડી હતી. તેમને બ્લડ પ્રેશર વધી જતા તત્કાલિક અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કહવાય છે કે, ગાંધીનગર તેમના નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરતા હતા તે સમયે અચાનક તબિયત લથડી હતી. ડોક્ટર અનુસાર, એમઆરઆઈ સહિતની સારવાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, બ્રેન સ્ટોક હોવાનું જાણવા મળી રહ્યું.
અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલા અધિકારી પર હુમલો : શહેરમાં રખડતા ઢોર પકડવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનના અધિકારી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમના લીડર, કિરમ બરંડા પર 4-5 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વીએસ હોસ્પિટલમાં તમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોર્પોરેશને કહ્યું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)