ગુજરાત આજના લેટેસ્ટ સમાચાર : અમદાવાદીઓ રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો થશે FIR, ગુજરાત માં વરસાદ નો આજે વિરામ
Today Gujarat Latest News 21th June 2024 : વડોદરા અને સુરતમાં વહેલી સવારે આગ લાગી હતી, તો નર્મદા નદીમાં મગર મહિલાને ખેંચી ગયો, તો ગુજરાતમાં આજે ક્યાં શું થયું? જુઓ તમામ લેટેસ્ટ સમાચાર
Today Gujarat Latest News 21th June 2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચાર પર નજર કરીએ તો, સુરતમાં અને વડોદરામાં વહેલી સવારે આગ લાગી હતી, તો નર્મદા નદીમાં મગર એક કપડા ધોતી મહિલાને ખેંચી ગયા બાદ નદીમાં નાહ્વા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બાજુ સુરતમાં કાપડ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે, તો યુસુફ પઠાણ દ્વારા જમીન સરકારી જમીન પર દબાણ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, તો જોતા રહીએ આજના લેટેસ્ટ સમાચારો.
ગુજરાત વરસાદ ના સમાચાર : ગુજરાતના વેધર પર નજર કરીએ તો, રાજ્યમાં અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. સવારથી બપોર સુધીમાં રાજ્યમાં માત્ર બે જગ્યાએ વરસાદના સમાચાર મળી રહ્યા છે. જેમાં છોટા ઉદેપુરના કાવંતમાં 15 મીમી અને વલસાડમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, રાજ્યમાં આજે અને આવતીકાલે બે દિવસ છૂટા છવાયા સ્થળોએ હળવા ઝાપટા સિવાય મેઘરાજા શાંતિ રાખી શકે છે. તો રવિવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ થઈ શકે છે.
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા 10 દિવસ મેગા ડ્રાઈવ કરવામાં આવશે, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવવા પર દંડ સીધી એફાઈઆર કરવામાં આવશે, વાહન ડિટેન તો કરવામાં આવશે, સાથે વાહન ચાલકની અટકાયત પણ કરવામાં આવશે, એટલે દંડ તો ભરવો પડશે, સાથે જામીન લેશો ત્યારે પોલીસ પકડથી છૂટશો. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ આવતીકાલથી શરૂ થશે જે 30 જૂન સુધી ચાલશે.
નર્મદા નદીમાં મગર મહિલાને ખેંચી ગયો : નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ નજીક એક મહિલાને મગર નદીમાં ખેંચી ગયાની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્રએ તત્કાલિક નર્મદા નદીમાં જવા સામે લાદવામાં આવેલા પ્રતિબંધનું પાલન કરવા રહેવાસીઓને "અપીલ" જાહેર કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડા ધોતી વખતે મગર મહિલાને ખેંચી ગયો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધારે આદેશ કર્યો છે કે, નર્મદા નદી અથવા અન્ય પાણીમાં નાહવા પર પ્રતિબંધ છે. સંસ્થાઓ અથવા અન્ય કોઈ હેતુ માટે વિવિધ ખતરનાક સ્થળોએ જવા સામે પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરા ફાર્મહાઉસ પર પર દારૂની મહેફિલ : પોલીસે દરોડો પાડી દારૂ પીધેલા 6 લોકોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે મોતી સાંખ્યાદ ગામમાં કબીર ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો, જ્યાં છ આરોપીઓ "દારૂ પીવા માટે ખુલ્લેઆમ ભેગા થયા હતા". વડોદરામાં દારૂ પીધેલી હાલતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓમાં વડોદરાની એક માતા અને પુત્રીનો પણ સમાવેશ થાય છે.
વડોદરા આગ સમાચાર : વડોદરાના રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પાસે એક દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને આજુ બાજુની ચાર દુકાનોને પણ લપેટામાં લઈ લીધી. ફાયરની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મેઈન રોડ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, કુલીંગ કામ ચાલુ. સદનસીબે કોઈ જાનહાળી થઈ નથી, પરંતુ દુકાનો બળીને ખાખ થઈ છે.
સુરત કોર્પોરેશન દ્વારા ફૂડ ચેકિંગ અભિયાન : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે પોલીસે વિદ્યાર્થીઓને વેચવામાં આવતા ભેળસેળયુક્ત ખોરાક અથવા નાસ્તાની તપાસ કરવા માટે સુરતમાં શાળાઓ અને કોલેજોની બહાર ખાદ્યપદાર્થોની દુકાનોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉમરા, વેસુ, પાલ, અડાજણ, અલથાણ, ખટોદરા, અઠવા, રાંદેર, અમરોલી, ઉત્તરણ, પાંડેસરા, સચિન અને જહાંગીપુરા પોલીસ અધિકારક્ષેત્ર હેઠળ આવતી 62 શૈક્ષણિક સંસ્થાઓની બહારના 129 ફૂડ આઉટલેટ્સની તપાસ કરવામાં આવી હતી. તંત્રએ ફૂડના નમૂનાઓ એકત્રિત કર્યા.
સુરત કાપડ વેપારી વિરોધ : સુરતના મિલેનિયમ 2 ટેક્સટાઇલ માર્કેટમાં સેંકડો કાપડના વેપારીઓએ 28 મેથી ધંધામાં નુકસાન સહન કર્યા પછી વિરોધ કર્યો હતો, જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ બિલ્ડીંગ યુઝ પરમિશન (BUP) પ્રમાણપત્ર ન હોવાના કારણે બજારને સીલ કર્યું હતું . આંદોલન બાદ, માર્કેટના બિલ્ડર વસંત ગજેરા એસએમસીને બાંયધરી આપવા સંમત થયા કે આગામી 15 થી 20 દિવસમાં, તેઓ મિલેનિયમ 2 માટે BUP મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે.
યુસુફ પઠાણ દ્વારા વીએમસી જમીન પર દબાણનો મામલો : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ દ્વારા અતિક્રમણ (દબાણ) કર્યું હોવાની નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેના પર હાઈકર્ટે સુનાવણી કરતા મૌખિક ટિપ્પણી કરી કે, "(VMCનો) નિર્ણય તમને ક્યારેય (લેખિતમાં) જણાવવામાં આવ્યો ન હતો. તમને (ઠરાવની) નકલ આપવામાં આવી ન હતી. (આવા કિસ્સામાં) તેમણે નોટિસ આપી છે. શું તમારી તરફેણમાં કોઈ અધિકાર રહે છે? યુસુફ પઠાણના વકીલે ઓઝાએ કહ્યું કે, આ રાજકીય હસ્તક્ષેપ છે, VMC દ્વારા અતિક્રમણ દૂર કરવાની નોટિસ ચૂંટણી પરિણામોના થોડા દિવસો પછી જ આપવામાં આવી હતી, VMC દ્વારા દરખાસ્ત મંજૂર થયાના 10 વર્ષ પછી. તો જસ્ટિસ વિશને વધુમાં કહ્યું હતું કે, "10 વર્ષ પછી કદાચ અધિકાર ખતમ થઈ ગયો છે અને ઉપાય પણ ખતમ થઈ ગયો છે, તમે તમારો અધિકાર બતાવો નહીંતર કોર્ટ આ અરજી પર ધ્યાન આપવા ઈચ્છતી નથી."
રાજકોટ સીટી સીએનજી બસ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના સિટી બસ કાફલામાં 35 સીએનજી બસો ઉમેરી અને ડીઝલ બસોને તબક્કાવાર હટાવવાનું શરૂ કર્યું. રાજકોટના નવા ચૂંટાયેલા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં 35 નવી સીએનજી બસોને લીલી ઝંડી આપી હતી. આ બસો રાજકોટ રાજપથ લિમિટેડ (RRL) ના કાફલામાં સામેલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, થોડા અઠવાડિયામાં RRLના કાફલામાં 18 વધુ CNG બસો ઉમેરવામાં આવશે. આ પછી, વધુ 48 બસો આપવામાં આવશે, જેનાથી CNG બસોની સંખ્યા 100 થઈ જશે.