Today latest news of Gujarat 18th June 2024 : ગુજરાત ની તાજી ઘટનાઓ અને સમાચારો માં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ થયો છે, તો ક્યાંક સફાઈ કામદાર તો ખેડૂત વિરોધ કરી રહ્યા, રાજકોટ આગ અને પાવાગઢ જૈન વિરોધ પર સરકારે એક્શન લેવું પડ્યું છે.
Gujarat Today Latest News 18th June 2024 : ગુજરાતના આજના તાજા સમાચારો વિશે વાત કરીએ તો, રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, અરવલ્લીના બાબરામાં ધોધમાર વરસાદ પડ્યો છે, તો સુરત જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. ગાંધીનગરમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના સભ્યોની પસંદગી કરવામાં આવી, તો ગુજરાતની સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા ભાજપ ઉમેદવારને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ સિવાય સિક્કિમ પ્રવાસે ગયેલા 30 થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે, તો રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાની તપાસના ઉચ્ચ ન્યાયલયના આદેશ બાદ પેનલની રચના કરવામાં આવી છે.
આ બાજુ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન જોવા મળ્યા છે. તો બાબરા પંથકમાં મેઘરાજાએ અગિયારનું મુહૂર્ત સાચવી લીધુ છે. બાબરાના મારડી, વલારડી, પીર ખીજડિયા, ઈંગોરાલા ગામમાં તો જિલ્લાના ધારી ગીર પંથકમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ,લોર ફાચરીયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર મહેર કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ભરૂચના અંકલેશ્વર, નવસારી સહિત સુરત જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો છે. આ બાજુ તાપીના વ્યારા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વરસાદી માહોલ જામી જતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, પરંતુ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાના તાત હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જૈન સમાજ અને મુનીઓ દ્વારા સતત વિરોધ બાદ સરકારે જૈન મૂર્તિઓને પુન:સ્થાપિત કરવાનો અને તપાસનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાના પાવાગઢ ટેકરી પર એક મંદિરમાં પુનઃસંગ્રહ દરમિયાન જૈન તિર્થંકરોની મૂર્તિઓ હટાવ્યા બાદ જૈન સમાજનો વિરોધ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ પોલીસે અજાણ્યા લોકો સામે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપ સહિતની એફઆઈઆર નોંધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, મૂર્તિઓ તેમના મૂળ સ્થાને ફરીથી સ્થાપિત કરવામાં આવશે.
આ બાજુ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ બોડીની ભૂમિકાની તપાસ માટે એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ત્રણ આઈએએસ અધિકારી પી સ્વરૂપ (લેન્ડ રિફોર્મ્સ કમિશનર), મનીષા ચંદ્રા (ગ્રામીણ વિકાસ કમિશનર) અને રાજકુમાર બેનીવાલ (ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) ને તપાસ સોંપી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, તપાસ એક મહિનાની અંદર - 13 જુલાઈ સુધીમાં - પૂર્ણ કરીને કોર્ટને સોંપવામાં આવે. આ દરમિયાન, આરએમસીની કામગીરીનો તપાસ અહેવાલ 4 જુલાઈ સુધીમાં સબમિટ કરવાનો છે.
તો સુરત લોકસભા બેઠક પર ભાજપના બિનહરિફ ઉમેદવારને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, અરજી પર સુનાવણી હાથ ધરતા પહેલા તેની જાળવણીની તપાસ કરવી જરૂરી છે. આ અરજીની સુસંગતતા તપાસવી પડશે, અને એ જોવું પડશે કે, શું મતદારો ચૂંટણી જીતને પડકારતી ચૂંટણી અરજી દાખલ કરી શકે છે, મતદારો આવશે?. તમને જણાવી દઈએ કે, એક સુરત લોકસભા સીટના કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક અને અશોક પીનપાલે અને બીજી અન્ય મતદાર હિતેશકુમાર સોસા દ્વારા - લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારવામાં આવી છે.
આ બાજુ જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હોવાની વાતથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગ ભભૂકી હતી. આ વાતવાયુવેગે ફેલાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. જામનગર મહાનગરપાલિકા ફાયર ટીમે સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. રાજકોટની ગોજારી ઘટના બાદ લોકોમાં આગને લઈ ભયનો માહોલ સર્જાયેલો છે, જ્યારે તમને જણાવી દઈએ કે, જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી ત્યારે કહેવાય છે કે, 700 વિદ્યાર્થીઓ હતા, જેમને સુરક્ષિત સ્થળે તત્કાલિક ખસેડી દેવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સભ્યોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે મીરાબેન યોગેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નટુજી ઠાકોરની પસંદગી થઈ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની પસંદગી થઈ છે. આ સિવાય જશપાલસિંહ બિહોલા, છાયાબેન ત્રિવેદી, પોપટસિંહ ગોહિલ, તેજલબેન નાઈ, શૈલેષભાઈ પટેલ, શૈલાબેન ત્રિવેદી, ઉષાબેન ઠાકોર, કૈલાશબેન સુતરીયા, ભરતભાઈ ગોહિલ, અલ્પાબેન પટેલ, મીનાબેન સોલંકીના નામનો સ્ટેન્ડીંગ કમિટીમાં સમાવેશ કરાયો છે, તો દંડક તરીકે સેજલબેન પરમાર અને પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની પસંદગી થઈ છે.
તો જાફરાબાદના બાબરાકોટના ખેડૂતો ખાનગી કંપનીઓના વિરોધમાં કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા. ખેડૂતો ભાજપ નેતા અંબરીશ ડેરની આગેવાનીમાં કલેક્ટર પાસે પહોંચી આવેદન પાઠવ્યું હતું, ખેડૂતોનો પ્રશ્ન છે કે, ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીન પ્રશ્ને દાદાગીરી કરી રહી છે, અને ખોટા કેસ કરી ખેડૂતોને પરેશાન કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કલેક્ટરે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ લાવવા પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.
આ બાજુ બગસરામાં સફાઈ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. બગસરા નગર પાલિકાના સફાઈ કર્મચારીઓએ તેમના અનેક પ્રશ્નોની રજીઆત કરી હોવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કર્મચારીઓના પડતર પ્રશ્નો, તથા 3 મહિનાથી પગાર વિહોણા કર્મચારીઓ હૈયાની વરાળ ઠાલવી રહ્યા છે, તથા તેમના પ્રશ્નોનું તત્કાલિક નિવારણ આવે તેવી માંગ કરી રહ્યા છે.