AUS vs PAK 2nd Test : જો એક બોલ પર કોઇ ટીમને 5 રન મળે તો તેનાથી તમને શું સમજાશે? સામાન્ય રીતે પહેલો વિચાર એવો હોય છે કે બોલ બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો હશે અથવા તો તે નો બોલ કે વાઈડ બોલ હોવો જોઈએ, જેમાં પછીના બોલ પર ચાર રન આવ્યા હશે. જોકે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કંઈક એવું થયું કે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા. અહીં એક બોલ પર પાંચ રન આવ્યા હતા પરંતુ બાઉન્ડ્રી જોવા મળી ન હતી.
એક બોલ પર 5 રન
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન આ ઘટના બની છે. પેટ કમિન્સ અને એલેક્સ કેરી ક્રિઝ પર હતા. કમિન્સે જમાલની ઓવરમાં બોલ પર શોટ ફટકારીને તરત જ રન લેવા દોડ્યો હતો. બે રન સરળતાથી લઈ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા શાહીન આફ્રિદીને બોલ આપ્યો હતો પરંતુ તે તેને પકડી શક્યો ન હતો. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો અને તેની પાછળ ઈમામ-ઉલ-હક દોડ્યો હતો. હકે પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો અને બોલને બાઉન્ડ્રી પાર જતા રોક્યો હતો. જોકે આ દરમિયાન બંને બેટ્સમેનોએ દોડીને ઓવરથ્રોના ત્રણ રન લીધા હતા. આમ એક બોલમાં કુલ પાંચ રન લીધા હતા.
આ પણ વાંચો – પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ ખતમ, ટીમ ઇન્ડિયાનો ઇનિંગ્સ અને 32 રને પરાજય
આવો જ એક સીન વોર્મ-અપ મેચમાં જોવા મળ્યો હતો
આવું જ કંઈક પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વોર્મ-અપ મેચમાં થયું હતું. પાકિસ્તાને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે મેચ રમી હતી જેમાં મેટ રેનશોએ એક બોલમાં સાત રન ફટકારીને પોતાની અડધી સદી પુરી કરી હતી. મેચના ત્રીજા દિવસે 78મી ઓવરમાં પાકિસ્તાન તરફથી અબરાર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો. પાંચમો બોલ રેનશો ડીપ એકસ્ટ્રા કવર તરફ રમ્યો હતો. મીર હમઝાએ ગમે તેમ કરીને બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં રેનશોએ પોતાના સાથી સાથે મળીને ત્રણ રન પૂરા કરી લીધા હતા. હમઝાનો થ્રો બાબર આઝમને ચૂકી ગયો. તેણે બોલને વિકેટકીપર તરફ થ્રો કર્યો હતો પરંતુ તે પણ તેને પકડી શક્યો ન હતો અને બાઉન્ડ્રીની બહાર ગયો હતો. રેનશોએ આ રીતે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 79 રને વિજય
પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 79 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 317 રનના પડકાર સામે પાકિસ્તાન 237 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. મેચમાં 10 વિકેટ ઝડપનાર પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.





