Abhishek Sharma T20 Records: ટીમ ઇન્ડિયા યુવા ઓપનર અભિષેક શર્મા એ રવિવારે ઝિમ્બાબ્વે સામે બીજી ઇન્ટરનેશનલ ટી20 મેચમાં કરિયરની પહેલી સદી ફટકારી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અભિષેક શર્માએ ધુંઆધાર બેટીંગ કરી માત્ર 46 બોલમાં 7 ફોર અને 8 સિક્સ ફટકારી સદી કરી હતી. આ સાથે કરિયરની બીજી મેચમાં જ પહેલી સદી કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલી યુવા ટીમ ઇન્ડિયા પહેલી ટી20 મેચમાં 13 રનથી હારી હતી. જોકે હરારેમાં રવિવારે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓને પોતાનો દમ બતાવ્યો હતો. પંજાબના યુવા ખેલાડી અભિષેક શર્મા એ માત્ર 46 બોલમાં સદી ફટકારી રેકોર્ડ બુકમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.
અભિષેક શર્મા એ સ્ફોટક બેટીંગ કરતાં બીજી ઇન્ટરનેશનલ ટી20 મેચમાં પ્રથમ 33 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે અર્ધ સદી કરી હતી. હાફ સેન્ચૂરી બાદ અભિષેક શર્મા વધુ આક્રમક બન્યો હતો અને પછીના માત્ર 13 બોલમાં 2 ફોર અને 5 સિક્સ સાથે પોતાની પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ સદી પૂર્ણ કરી હતી. આ સાથે અભિષેક શર્માનું નામ રેકોર્ડ બુકમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.

ઓછી ઇનિંગ્સમાં બનાવી પ્રથમ સદી
અભિષેક શર્મા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં પ્રથમ સદી બનાવનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. અભિષેક શર્માએ પોતાના કરિયરની બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં સદી ફટકારી આ અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ અગાઉ આ રેકોર્ડ દિપક હુડ્ડા ધરાવતો હતા. દિપક હુડ્ડાએ કરિયરની ત્રીજી ટી20 મેચમાં પ્રથમ સદી ફટકારી હતી.
આ પણ વાંચો: ભારત વિ ઝિમ્બાબ્વે બીજી ટી20 મેચ સ્કોર
ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ઓછી ઇનિંગ્સમાં સદી
- અભિષેક શર્મા બીજી ઇનિંગ્સમાં પ્રથમ સદી ફટકારી
- દિપક હુડ્ડા ત્રીજી ઇનિંગ્સમાં પ્રથમ સદી ફટકારી
- કે એલ રાહુલ ચોથી ઇનિંગ્સમાં પ્રથમ સદી ફટકારી
- શુભમન ગિલ છઠ્ઠી ઇનિંગ્સમાં પ્રથમ સદી ફટકારી
- યશસ્વી જયસ્વાલ છઠ્ઠી ઇનિંગ્સમાં પ્રથમ સદી
- સુરેશ રૈના 12 મી ઇનિંગ્સમાં પહેલી સદી
- ઋતુરાજ ગાયકવાડ 15 મી ઇનિંગ્સમાં પ્રથમ સદી
અભિષેક શર્મા ચોથો યુવા ખેલાડી બન્યો
અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી સૌથી નાની ઉંમરમાં સદી ફટકારવાના મામલે ચોથો યુવા ભારતીય ખેલાડી બન્યો છે. અભિષેક શર્માએ 23 વર્ષ 307 દિવસની ઉંમરે પહેલી સદી ફટકારી છે. ટી20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલ ધરાવે છે. વર્ષ 2023 માં નેપાળ વિરુધ્ધ 21 વર્ષ અને 279 દિવસની ઉંમરે યશસ્વી જયસ્વાલે સદી ફટકારી રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ સદી સાથે અભિષેક શર્મા સ્પેશિયલ ક્લબમાં સ્થાન પામ્યો છે. અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામે સદી કરનાર પાંચમો અને ઝિમ્બાબ્વેમાં સદી કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે.