abhishek sharma records : ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. પાંચમી ટી 20 મેચમાં રવિવારે (2 ફેબ્રુઆરી)ના અભિષેક શર્માએ માત્ર સદી જ નથી ફટકારી પરંતુ ભારત માટે ટી20માં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો છે. આ મામલે તેણે શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો હતો. આ સિવાય તે ટી-20 મેચમાં ભારત માટે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બન્યો છે. અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી-20માં 54 બોલમાં 7 ફોર અને 13 સિક્સરની મદદથી 135 રન ફટકાર્યા હતા.
ભારત માટે અગાઉનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર શુભમન ગિલના નામે હતો. તેણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 126 રન બનાવ્યા હતા. આ સાથે જ એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. તેણે ઈન્દોરમાં શ્રીલંકા સામે 10 છગ્ગા ફટકાર્યા હતા.
ભારત માટે ટી-20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 135 અભિષેક શર્મા વિ ઇંગ્લેન્ડ, મુંબઈ 2025
- 126* શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
- 123* રુતુરાજ ગાયકવાડ વિ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023
- 122* વિરાટ કોહલી વિ અફઘાનિસ્તાન, દુબઇ 2022
- 121* રોહિત શર્મા વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024
ભારત માટે ટી-20 ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર
- 13 અભિષેક શર્મા વિ ઇંગ્લેન્ડ, મુંબઈ 2025
- 10 રોહિત શર્મા વિ શ્રીલંકા, ઇન્દોર 2017
- 10 સંજુ સેમસન વિ દક્ષિણ આફ્રિકા, ડરબન 2024
- 10 તિલક વર્મા વિ દક્ષિણ આફ્રિકા, જોબર્ગ 2024
અભિષેકે માત્ર 37 બોલમાં સદી ફટકારી
અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. તે ભારત માટે ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો. ટી 20માં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ ઇન્દોરમાં 2017માં શ્રીલંકા સામે ટી 20માં 35 બોલમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો – ટી 20માં ભારતનો બીજો સૌથી મોટો વિજય, ટીમ ઇન્ડિયાએ 4-1થી શ્રેણી જીતી
અભિષેકે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે ભારત તરફથી ટી 20માં બીજી ઝડપી અડધી સદી છે. પહેલા નંબરે યુવરાજ સિંહ છે. યુવરાજે 2007માં ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.