IND vs PAK: ભારતીય ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા ઉત્કૃષ્ઠ ક્રિકેટનું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ અદભૂત ઇનિંગ્સ રમી હતી. ભારતને જીતવા માટે આ મેચમાં 172 રનનો ટાર્ગેટ હતો અને અભિષેકે તેની ઝંઝાવાતી બેટીંગને સહારે આ ટાર્ગેટ ખુબ જ આસાન બનાવ્યો હતો.
અભિષેકે આ મેચમાં 39 બોલમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 74 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 189.74 હતી. અભિષેકે તેની ઈનિંગમાં 5 છગ્ગાની મદદથી ક્રિસ ગેલને પાછળ છોડી દીધો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે ઓછી ઇનિંગ્સમાં 50 સિક્સ ફટકારવામાં તે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે પહોંચ્યો છે.
અભિષેક શર્મા ક્રિસ ગેલથી આગળ
અભિષેક શર્માએ પાકિસ્તાન સામેની ભારે તણાવભરી મેચમાં સ્ફોટક ઈનિંગ દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 50 છગ્ગા પુરા કર્યા હતા. અભિષેકે માત્ર 20 ઈનિંગમાં જ આ 50 છગ્ગા ફટકાર્યા હતા અને ટી-20માં સૌથી ટૂંકી ઈનિંગમાં 50 છગ્ગા ફટકારનાર અને એવિન લુઈસની બરોબરી કરનારો સૌપ્રથમ બેટ્સમેન બન્યો છે. લુઇસે 20 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અભિષેકે ટી-20માં 25 ઇનિંગ્સમાં 50 છગ્ગા ફટકારનારા ક્રિસ ગેલને પાછળ છોડી દીધો.
ટી-20માં ઓછી ઇનિંગ્સમાં 50 છગ્ગા ફટકારનાર બેટ્સમેન
- એવિન લુઇસ – 20 ઇનિંગ્સ
- અભિષેક શર્મા – 20 ઇનિંગ્સ
- ક્રિસ ગેલ – 25 ઇનિંગ્સ
- સૂર્યકુમાર યાદવ – 29 ઇનિંગ્સ
- શેન વોટસન – 30 ઇનિંગ્સ
- યુવરાજ સિંહ – 31 ઇનિંગ્સ
- કેએલ રાહુલ – 31 ઇનિંગ્સ
- રહેમાનુલ્લાહ ગુરબાઝ – 31 ઇનિંગ્સ
- ફિલ સોલ્ટ – 32 ઇનિંગ્સ
અભિષેક શર્માએ યુવરાજને પાછળ છોડી દીધો
અભિષેક શર્મા પાકિસ્તાન વિરુદ્ધ ટી-20માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર આવ્યો હતો. તે અહીં યુવરાજ સિંહથી આગળ નીકળી ગયો હતો. યુવરાજે પાકિસ્તાન સામે ટી-20માં 72 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી અને અભિષેક 74 રન સાથે ચોથા ક્રમે આવ્યો હતો. વિરાટ કોહલી આ યાદીમાં નંબર વન પર છે.
આ પણ વાંચો – સ્મૃતિ મંધાનાએ ભારતના વન-ડે ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, તોડ્યો કોહલીનો રેકોર્ડ
ટી-20માં પાકિસ્તાન સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર
- વિરાટ કોહલી (2022) – 82 રન
- વિરાટ કોહલી (2012) – 78 રન
- ગૌતમ ગંભીર (2007) – 75 રન
- અભિષેક શર્મા (2025) – 74 રન
- યુવરાજ સિંહ (2012) – 72 રન





