Afghanistan vs New Zealand highlights, Day 2 Test Match 2024 : ગ્રેટર નોઈડાના શહીદ વિજયસિંહ પથિક સ્પોર્ટસ કોમ્પલેક્સમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે (મંગળવાર 10 સપ્ટેમ્બર) પણ રમત શરુ થઇ નથી. ગ્રેટર નોઈડા કોમ્પ્લેક્સમાં પ્રથમ દિવસની જેમ જ ભીના આઉટફિલ્ડને કારણે બીજા દિવસની રમત પણ રદ કરવામાં આવી હતી. ફરી એક વખત આખો દિવસ તડકો હોવા છતાં ગ્રાઉન્ડ સ્ટાફ બોલરના રન-અપ પાસેનો પેચ ક્લિયર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સ્ટેડિયમમાં ડ્રેનેજ અને નબળી સુવિધાઓ જોવા મળી
ગ્રેટર નોઈડાના સ્ટેડિયમમાં ડ્રેનેજ અને નબળી સુવિધાઓ જોવા મળી હતી. અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ ઐતિહાસિક બની રહેશે તેવી આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ અત્યાર સુધી ખેલાડીઓ માટે તે નિરાશાજનક સાબિત થઈ છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ નિરાશ થયા છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સ્ટેડિયમની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આયોજકો અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ માટે પાયાની સુવિધાઓ પૂરી પાડી શક્યા નથી.
આ પણ વાંચો – બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને કેમ ન બનાવ્યો વાઇસ કેપ્ટન? જાણો કારણ
આખું આઉટ ફિલ્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય લાગતું નથી
ભીના આઉટફિલ્ડને કારણે આખો દિવસ ધોવાઈ ગયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફે મિડ-ઓન પાસે બેથી ત્રણ ફૂટ સુધી ખોદકામ કર્યું હતું. તેઓએ પ્રભાવિત ક્ષેત્ર પર સૂકી માટી અને કૃત્રિમ ઘાસ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તૈયાર દેખાતું ન હતું. આખું આઉટ ફિલ્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય લાગતું નથી, કારણ કે તે કાદવથી ભરેલું છે. ખેલાડીઓ મેદાન પર પહોંચ્યા ન હતા અને તેમની હોટલમાં જ રહ્યા હતા.
કવર અને પંખા પણ ટેન્ટ હાઉસ પાસેથી ભાડે લાવવામાં આવ્યા
રમતને શક્ય બનાવવા માટે ભલે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોય પણ તેના કારણે ખેલાડીઓને ઈજાનું જોખમ રહી શકે છે. ગ્રાઉન્ડ સ્ટાફમાં 20 થી 25 સભ્યો છે અને 15 આઉટસોર્સ છે. મેદાનમાં પાંચ સુપર સોપર છે, બે ઓટોમેટિક અને ત્રણ મેન્યુઅલ છે. કવર અને પંખા પણ ટેન્ટ હાઉસ પાસેથી ભાડે લાવવામાં આવ્યા છે. શહીદ વિજયસિંહ પથિક સ્ટેડિયમ જ્યાં આવેલું છે તે ગ્રેટર નોઈડાનો વિસ્તાર છેલ્લા 10 દિવસથી ભારે વરસાદની ચપેટમાં છે. ટેસ્ટ મેચ પહેલા બંને ટીમોના પ્રેક્ટિસ સેશન પણ રદ કરવામાં આવ્યા હતા.





