Ajit Agarkar Chairman of Indian mens Selection Committee : ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની સિનિયર મેન્સ સિલેક્શન કમિટિના ચેરમેન તરીકે વરણી કરી છે. અજિત અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવાનો નિર્ણય સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા, અને જતીન પરાંજપેની બનેલી ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ લીધો છે. અગરકરની આગેવાની હેઠળની પાંચ સભ્યોની પસંદગી સમિતિમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનરજી, સલિલ અંકોલા અને શ્રીધરન શરથ પણ સામેલ છે.
26 ટેસ્ટ અને 191 વન-ડે રમવાના કારણે અજિત અગરકર પેનલના સૌથી વરિષ્ઠ સદસ્ય છે. તેમની આગેવાનીમાં સૌથી પહેલા વેસ્ટ ઇન્ડીઝ સામે 3 ઓગસ્ટથી શરૂ થનારી પાંચ ટી-20ની મેચો માટે ટીમની પસંદગી કરાશે.
અજિત અગરકરનો કાર્યકાળ 5 જુલાઇથી શરુ થશે. અગરકર પર હવે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ અને આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે ટીમ પસંદગીની જવાબદારી રહેશે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપમાં 7 ભારતીય લગાવી ચુક્યા છે 2 કે તેથી વધારે સદી, બધા રહ્યા છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન
45 વર્ષના અજિત અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફના સભ્ય હતા. તે હેડ કોચ રિકી પોન્ટિંગ સાથે આસિસટન્ટ બોલિંગ કોચ તરીકે કામ કરતા હતા. આ પદ પરથી હાલમાં જ રાજીનામું આપ્યું હતું. અગરકરે 191 વન-ડેમાં 288 વિકેટ ઝડપી છે. આ સિવાય 26 ટેસ્ટમાં 58 વિકેટ અને 4 ઇન્ટરનેશનલ ટી-20માં 3 વિકેટ ઝડપી છે.
ચેતન શર્માની આ વર્ષે ફેબ્રુઆરીમાં એક વિવાદિત સ્ટિંગ ઓપરેશન પછી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ મુખ્ય પસંદગીકારનું પદ ખાલી હતું. વીડિયોમાં ચેતન શર્માએ દાવો કર્યો હતો કે ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે ઈન્જેક્શન લેશે.





